15 October, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
મુંબઈમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે સલમાન ખાન તેનો આગામી ટાર્ગેટ હોવાથી સલમાન ખાન ડરી ગયો છે. જોકે આ પહેલી વાર નથી કે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે તેને ધમકી આપી છે. ૨૦૧૮થી જ સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સિક્યૉરિટી કૅટેગરી Y+ કરી દેવામાં આવી છે.
૧૯૯૮માં કાળિયારને માર્યાં
૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ વખતે સલમાન ખાને જોધપુરમાં બે કાળિયારને માર્યાં હતાં. એ સમયે લૉરેન્સ બિશ્નોઈ માત્ર પાંચ જ વર્ષનો હતો પણ બિશ્નોઈ સમાજ કાળિયારને એકદમ પવિત્ર માનતો હોવાથી બિશ્નોઈ સમાજમાં સલમાન ખાન વિરોધી જનમાનસ તૈયાર થયું હતું. સલમાન ખાનને સપનેય ખ્યાલ નહીં હોય કે શિકારની આ મજા તેના જીવન માટે સજા બની જશે.
કાનૂની જંગ જીત્યો
કાળિયાર કેસમાં સલમાન ખાન લાંબો કાનૂની જંગ લડ્યો હતો. તેને લોઅર કોર્ટે પાંચ વર્ષની સજા કરી હતી પણ હાઈ કોર્ટમાંથી તેને જામીન મળી ગયા હતા.
લૉરેન્સે બદલો લેવાનું નક્કી કર્યું
કાળિયાર કેસમાં સલમાન ખાન સામે કાનૂની જંગ જારી હતો ત્યારથી જ લૉરેન્સ બિશ્નોઈએ તેને પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો હતો. બૉલીવુડ સ્ટારને ટાર્ગેટ કરીને લૉરેન્સ બિશ્નોઈ તેનું નામ બનાવવા માગતો હતો.
૨૦૧૮માં પહેલી ધમકી
લૉરેન્સ બિશ્નોઈને ૨૦૧૮માં એક કેસમાં પકડીને કોર્ટમાં લાવવામાં આવતો હતો ત્યારે પોલીસ-કસ્ટડીમાં હોવા છતાં તેણે સલમાન ખાનને ધમકી આપતાં કહ્યું હતું કે જોધપુરમાં જ સલમાન ખાનની હત્યા કરવામાં આવશે, એ સમયે તેને અમારી ખરી ઓળખ ખબર પડશે. એ સમયે લોકોને લાગ્યું કે લૉરેન્સ અટેન્શન મેળવવા માટે આમ બોલી રહ્યો છે.
૨૦૨૨માં સલીમ ખાનને ધમકી
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે ૨૦૨૨ની શરૂઆતમાં પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યા કરી હતી. એ જ વર્ષે સલમાન ખાનના પપ્પા સલીમ ખાન મૉર્નિંગ વૉકમાં જતા હતા ત્યારે તેમને બાંદરામાં તેમના ઘર પાસે આવેલી બેન્ચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. એમાં લખવામાં આવ્યું હતું કે તમારી હાલત મૂસેવાલા જેવી કરી દેવામાં આવશે.
૨૦૨૩માં ઈ-મેઇલ મળ્યો
૨૦૨૩ના માર્ચ મહિનામાં સલીમ ખાન પરિવારને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ સંદર્ભમાં બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
૨૦૨૪માં ઘરની બહાર ફાયરિંગ
૨૦૨૪ની ૧૪ એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોટરસાઇકલ પર આવેલા બે જણે બાંદરામાં ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલા સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ છોડી હતી અને નાસી છૂટ્યા હતા. શરૂમાં ઘરના લોકોને ફટાકડા ફૂટતા હોય એમ લાગ્યું હતું. આ ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નહોતું. આ ગોળીબાર દ્વારા સલમાન ખાનને સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી કે તારી હત્યા કરી દેવામાં આવશે.
મે મહિનામાં કાર પર હુમલાની યોજના
૨૦૨૪ના મે મહિનામાં પનવેલમાં આવેલા સલમાન ખાનના ફાર્મ હાઉસની બહાર તેની કાર પર હુમલો કરી તેની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જોકે મુંબઈ પોલીસે ૪ શૂટર્સની ધરપકડ કરતાં આ પ્લાન નિષ્ફળ ગયો હતો. આ શૂટર્સ પાસેથી AK-47 રાઇફલ મળી આવી હતી.
કૅનેડામાં ફાયરિંગ
સલમાન ખાન સાથે મ્યુઝિક વિડિયો તૈયાર કરનારા પંજાબી સિંગર એ. પી. ઢિલ્લોંના કૅનેડામાં આવેલા ઘરની બહાર સપ્ટેમ્બર મહિનામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જે કોઈ સલમાન ખાન સાથે કામ કરશે એની હાલત ખરાબ કરવામાં આવશે.
બુરખાધારી મહિલાએ આપી ધમકી
સપ્ટેમ્બર મહિનામાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાનને મૉર્નિંગ વૉક વખતે બુરખો પહેરીને આવેલી મહિલાએ લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી. સલીમ ખાન બેન્ચ પર બેઠા હતા ત્યારે મહિલાએ કહ્યું હતું કે શું હું લૉરેન્સ બિશ્નોઈને ફોન કરું?