12 August, 2023 09:22 PM IST | Mumbai | Shilpa Bhanushali
તસવીરમાં નિકિતા પારેખ અને વિસ્તારા પ્લેનનો કૉલાજ
તમે પ્રવાસ કરવા માટે નીકળો ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પણ જ્યારે તમારી ઈકૉનોમી ક્લાસની ટિકિટ ઍરપૉર્ટ પર પાસપૉર્ટ સબમિટ કરતી વખતે કેન્સલ થઈ એવો મેસેજ આવે ત્યારે શું થાય એ વિચાર આવતા પણ મગજના તાર ખસી ગયા હોય એવું લાગી આવે છે. આવું ખરેખર થયું છે મુંબઇના મલાબાર હિલ વિસ્તારમાં રહેતી ગુજરાતી યુવતી સાથે.
27 જુલાઈ 2023 દરમિયાન મુંબઈમાં વરસાદ ખૂબ જ વધારે હતો. આને ધ્યાનમાં લેતા પ્રવાસ કરનાર દરેક પ્રવાસી પોતાના સમય કરતા વહેલા જ નીકળતા હોય છે અને પછી તે રેલવે સ્ટેશન હોય કે ઍરપૉર્ટ વહેલા પહોંચવા માટે જ મથતા હોય છે. આ જ રીતે મલાબાર હિલ વિસ્તારમાં રહેતી ગુજરાતી યુવતી નિકિતા પારેખ પણ વરસાદને કારણે પોતે મુંબઈથી દુબઈ જવા માટે 27 જુલાઈના રોજ પોતાની ફ્લાઇટની સમય કરતા વહેલી પહોંચી ગઈ હતી. પણ અહીં પહોંચ્યાં બાદ તેણે ઍરપૉર્ટ પર જે ત્રાસ વેઠવો પડ્યો છે તેના થકી તે ખૂબ જ દુઃખી થઈ છે. નિકિતા પારેખે પોતાનો આ અનુભવ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યો છે.
નિકિતા પારેખે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા જણાવે છે કે, "27 જુલાઈના રોજ મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. આથી હું ઘરેથી વહેલી નીકળી અને ઍરપૉર્ટ પર પણ વહેલી પહોંચી ગઈ. આથી મેં મારી ટિકિટ બતાવી જે મેકમાય ટ્રિપ દ્વારા વિસ્તારા ઍરલાઈન્સની ઇકોનોમી ક્લાસની ટિકિટ હતી. ટિકિટ સાથે મેં મારો પાસપૉર્ટ પણ જમા કરાવ્યો જેથી હું મારી બૉર્ડિંગ પાસ મેળવી શકું. આ દરમિયાન મને મારા મોબાઈલ પર મેસેજ અને ઇમેઇલ આવ્યો કે મારી ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. અનેક મથામણો કર્યા બાદ અને મારી આ મુશ્કેલી લોકોની નજરે ચડ્યા બાદ ઍરલાઈન્સે મારી પાસેથી પ્રીમિયમ ઈકૉનોમી ક્લાસની ટિકિટના પૈસા લીધા અને મને એક નવી સીટની ટિકિટ આપી. તે વખતે મને ખરેખર જાવું જરૂરી હતું અને મારી પાસે પૈસા પણ હતાં. જો કોઈ પાસે તત્કાલ એટલા પૈસા ન હોય ભરવા માટે, અથવા કોઈ એવી વ્યક્તિ છે જેને આ બધી પ્રૉસિઝરની સમજણ નથી તો શું તેની ટિકિટ કેન્સલ કરવાનો અધિકાર છે?"
નિકિતા પારેખે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, "ઍરપૉર્ટ પર લગભગ 2-2.30 કલાક હું આમ જ હેરાન થતી હતી, કસ્ટમર કૅરમાં ફોન કર્યા ઊભે પગે પ્રીમિયમ ટિકિટના પૈસા ભર્યા અને પછી મને ફ્લાઈટ માટે ટિકિટ મળી. જે ટિકિટ મેં પહેલાથી કઢાવી રાખી હતી તે કોઈપણ ઍરલાઈન્સ કંપની છેલ્લી ઘડીએ રદ કઈ રીતે કરી શકે? વિસ્તારા ઍરપૉર્ટે મેઈલમાં મારી માફી માગી છે. અનેક દિવસોના ફૉલોઅપ બાદ છેક હવે મને પૈસા રિફન્ડ કર્યા છે પણ મેં જ્યારે પ્રીમિયમ ઇકૉનોમી ક્લાસના પૈસા ભર્યા તેમ છતાં મને ઇકૉનોમી ક્લાસની સીટ આપી અને મારી ઇકૉનોમી ક્લાસની ટિકિટ કેન્સલ કરી. આ ઍરલાઈન્સે ખૂબ જ ખોટું કર્યું છે."
નિકિતા પારેખે ઍરલાઈન્સને ટૅગ કરીને સોશિયલ મીડિયા પર ટ્વીટ દ્વારા પણ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. ત્યાર બાદ તેને રિફન્ડ તો મળ્યું પણ તેને જે ત્રાસ ભોગવવો પડ્યો છે તે બીજા કોઈને ન થાય તેને માટે ઍરલાઈન્સે ચોક્કસ પગલાં લેવા જોઈએ તેવું આ ગુજરાતી યુવતી માને છે.
નિકિતા પારેખે પોતે જ્યારે ફ્લાઈટમાં બૉર્ડ કરવા માટે પાસપૉર્ટ સબમિટ કરે છે તે વખતે આવેલો મેસેજ પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યો છે જે તમે અહીં જોઈ શકો છો.
વિસ્તારા ઍરલાઈન નાનું નામ નથી તેમ છતાં જો આવી ભૂલ તેમનાથી થઈ છે તો તેમણે આ મામલે ચોક્કસ પગલાં લેવા જોઈએ. નિકિતા પારેખે ઍરલાઈન્સને કરેલા મેઈલના જવાબમાં તેમણે સ્વીકાર્યું છે અને પોતાની ભૂલની માફી માગી છે કે "મિસ પારેખની જે ટિકિટ તેમણે પહેલેથી બૂક કરાવી રાખી હતી તેના કેન્સલેશન અને તેમના સ્ટાફવતી કરવામાં આવેલા દુર્વ્યવહારની માફી ઈચ્છીએ છીએ અને તેમની આ મુશ્કેલીનો નીવેડો લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ."
નોંધનીય છે કે વિસ્તારા ઍરલાઈન્સ એક ઈન્ટરનેશનલ ઍરલાઈન બ્રાન્ડ છે જેના ફાઉન્ડર્સમાં તાતા સન્સનું નામ પણ જોડાયેલું છે.