10 January, 2023 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્વવ ઠાકરે (ફાઇલ તસવીર)
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂન મહિનામાં બળવો કર્યા બાદ શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ પર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો હતો, જેને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ સંબંધે છ મહિનાથી કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આજે ચૂંટણી પંચમાં આ મામલે સુનાવણી હાથ ધરાવાની શક્યતા છે. આથી આજે કોર્ટમાં શું થશે એના પર સૌની નજર રહેશે.
શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ મેળવવા માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય ચૂંટણી પંચમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની આજે સુનાવણી હાથ ધરાશે. બંને જૂથ દ્વારા ચૂંટણી પંચમાં લાખોની સંખ્યામાં પક્ષના સભ્યોની સંખ્યા અને પ્રતિજ્ઞાપત્ર સોંપવામાં આવ્યાં છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ વિધાનસભ્ય અને ૧૨ સંસદસભ્યોની સાથે શિવસેનાના અસંખ્ય પદાધિકારીઓ અને લાખો કાર્યકરો પોતાની સાથે હોવાનો દાવો ચૂંટણી પંચમાં કર્યો છો. આવી જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પોતાની સાથે વધુ શિવસૈનિકો હોવાનો દાવો કર્યો છે. બંને પક્ષના દાવા સંબંધે આજે કેન્દ્રીય ચૂંટણી પંચમાં સુનાવણી હાથ ધરાશે. આથી આજે ચૂંટણી પંચમાં શું સુનાવણી થાય છે અને શિવસેનાનું સુકાન કોને સોંપાવાની શક્યતા છે એના પર બધાની નજર રહેશે.
શિવસેનામાં ભાગલા પાડવાનું બીજેપીનું મિશન હતું?
બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને ગઈ કાલે કબૂલ્યું હતું કે શિવસેનામાં ભાગલા પાડવાનું મિશન બીજેપીએ હાથ ધર્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. જળગાવમાં ગઈ કાલે આયોજિત સભામાં ગિરીશ મહાજને આ વાત કરી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે કૅબિનેટ પ્રધાન ગુલાબરાવ પાટીલ પણ હાજર હતા. ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા હોવાનો અમને વિશ્વાસ નહોતો બેસતો. જોકે બીજેપીનું શિવસેનામાં ભંગાણ પાડવાનું ઑપરેશન ચાલુ હતું. એવામાં એકનાથ શિંદે શિવસેનામાંથી બહાર નીકળ્યા અને આગળ જતાં તેઓ મુખ્ય પ્રધાન બની ગયા. બીજેપીનું આ મિશન એટલું સરળ નહોતું. શિવસેનાના ૪૦ વિધાનસભ્ય ઉદ્ધવ ઠાકરેથી કંટાળીને બહાર પડ્યા હતા. શરૂઆતમાં અઢાર લોકો એકનાથ શિંદેની સાથે હતા, જેની સંખ્યા પચાસ સુધી પહોંચી હતી. મિશન વચ્ચે અટકી જશે તો શું થશે એ કોઈને ખબર નહોતી.’
બીએમસીના કોરોના સમયના કારભારની કૅગ તપાસ કરશે
કોરોના મહામારી વખતે મુંબઈ બીએમસીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ થઈ રહ્યા છે એટલે એ સમયના કારભારની કૅગ દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ સંબંધે મંજૂરી આપી દીધી છે એટલે બીએમસી ચૂંટણી અને રાજ્યનું બજેટ રજૂ થાય એ પહેલાં કૅગનો રિપોર્ટ જાહેર થવાની શક્યતા છે. કોરોના મહામારીના સમયમાં મુંબઈમાં કોરોના સેન્ટર બનાવવા, રસ્તા બનાવવા, જમીન ખરીદી કરવાનો અંદાજે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. આથી કૅગ દ્વારા તપાસ કરવાની માગણીને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.