કૌન બનેગા ચીફ મિનિસ્ટરનો જવાબ હજી નથી મળી રહ્યો ત્યાં નવો સવાલ- કબ બનેગા ચીફ મિનિસ્ટર

25 November, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા મુખ્ય પ્રધાન માટે થોડી રાહ જોવી પડશે : આવતી કાલે BJPના વિધાનસભાના નેતાની વરણી કરવામાં આવ્યા બાદ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે

મહાયુતિના વિજય પછી શનિવારે એવી વાતો વહેતી થઈ હતી કે નવા મુખ્ય પ્રધાનની શપથવિધિ સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં થશે. જોકે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં તો આગામી મૅચની તૈયારી ચાલી રહી હતી. (તસવીર : અતુલ કાંબળે)

વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ પ્રચંડ બહુમત મેળવ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ બનશે અને શપથવિધિ ક્યારે યોજાશે એના પર સૌની નજર છે ત્યારે જાણવા મળ્યું છે કે નવી સરકારની શપથવિધિ આજકાલમાં નહીં પણ ૨૮ કે ૨૯ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આથી નવી સરકારની સ્થાપના ન થાય ત્યાં સુધી એકનાથ શિંદે જ કૅરટેકર મુખ્ય પ્રધાન રહી શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સૂત્રોના જણાવ્યા મુજબ આજથી દિલ્હીમાં શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે એટલે મહાયુતિના નેતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર  BJPના કોઈ વરિષ્ઠ નેતાને મુંબઈ કે દિલ્હીમાં નહીં મળી શકે. આથી પક્ષના નેતાની વરણી માટે આવતી કાલે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ મુંબઈ આવશે. તેઓ ચૂંટાઈ આવેલા ૧૩૨ વિધાનસભ્યો સાથે બેઠક કરશે. એમાં તેમના નેતા કોણ બનશે એનો નિર્ણય લેવામાં આવશે. એક વાર વિધાનસભામાં પક્ષના નેતાનું ચયન થઈ ગયા બાદ મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. આ બધું જોતાં અત્યારે તો મુખ્ય પ્રધાન BJPનો જ બને એવું લાગી રહ્યું છે.

૨૬ નવેમ્બરે અત્યારની સરકારનાં પાંચ વર્ષની મુદત પૂરી થાય છે એટલે એક-બે દિવસમાં જ નવી સરકાર માટે પહેલાં મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની શપથવિધિ કરવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે કાનૂની નિષ્ણાતના કહેવા મુજબ મહાયુતિ સિવાય કોઈ સરકાર બનાવવાનો દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી એટલે સરકારની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગયા બાદ પણ કૅરટેકર તરીકે એકનાથ શિંદે સરકાર ચલાવી શકે છે.

આમ પણ પોતાની પાર્ટીના નેતાનું સિલેક્શન કર્યા બાદ BJPના નેતા એકનાથ શિંદે અને અજિત પવારની પાર્ટી સાથે પણ ચર્ચા કરશે અને ત્યાર બાદ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થશે. એમાં એકાદ-બે દિવસ લાગે એમ હોવાથી હવે શપથવિધિ ૨૮ કે ૨૯ નવેમ્બરે યોજાય એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે.

નવી સરકારમાં BJPને ૨૨, શિંદેસેનાને ૧૨ અને અજિત પવારની NCPને ૧૦ પ્રધાનપદ આપવામાં આવે એવી વાતોએ જોર પકડ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે અચાનક આભાર કેમ માન્યો?


રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને જેમની આગેવાનીમાં BJPએ વિધાનસભાની ચૂંટણી લડી હતી એ દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સાંજે ૬.૫૫ વાગ્યે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતી પોસ્ટ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા બાદ એકનાથ શિંદે અને અજિત પવાર સાથેની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં સૌનો આભાર માની લીધો હતો તો તેમણે આવી પોસ્ટ શા માટે કરી છે એની ચર્ચા શરૂ થઈ છે. એક ચર્ચા એવી છે કે તેમને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. પોસ્ટમાં દેવેન્દ્ર ફડણવીસે લખ્યું હતું કે ‘તમારા બધાના પીઠબળથી મહાયુતિને મળેલા આ વિજયે એક નવી દિશા આપી છે. આ યશ આપણા મહારાષ્ટ્રને પ્રગતિશીલ બનાવવામાં મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત સાથે વિકસિત મહારાષ્ટ્રનું સપનું સાકાર કરવા માટે પ્રેરણા આપતો રહેશે. સૌએ છેલ્લા કેટલાક સમયમાં દિવસ-રાત જોયા વિના લોકોને મતદાનકેન્દ્ર સુધી પહોંચાડવામાં અથાગ પ્રયત્નો કર્યા છે એ માટે હું બધાનો ઋણી રહીશ.’

maharashtra assembly election 2024 assembly elections maharashtra news bharatiya janata party political news mumbai news mumbai devendra fadnavis