15 October, 2024 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન્સ બિશ્નોઈ
લૉરેન્સ બિશ્નોઈના મૌન વ્રતને બાબા સિદ્દીકીની હત્યા સાથે શું સંબંધ?
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેનાર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સૂત્રધાર ખુદ લૉરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે. એવું જાણવા મળ્યું છે કે તે નવરાત્રિ વખતે ૯ દિવસના મૌન ઉપવાસ પર હતો. એવું કહેવાય છે કે જ્યારે-જ્યારે બિશ્નોઈ ગૅન્ગ કોઈ મોટી ‘ગેમ’ બજાવવાની હોય ત્યારે લૉરેન્સ બિશ્નોઈ આ જ રીતે મૌન પર ઊતરી જાય છે.
સલમાન ખાન, મનદીપ ધાલીવાલ, સગુનપ્રીત સિંહ, કૌશલ ચૌધરી અને અમિત ડાગર
મુંબઈમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ચર્ચા થઈ રહી છે. તે હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, પણ તેના માણસો તેના ઇશારે કામ કરી રહ્યા છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી પૂછપરછમાં તેણે તેના પાંચ ટાર્ગેટનાં નામ આપ્યાં હતાં, જેમાં ટોચ પર સલમાન ખાન છે.
ટાર્ગેટ નંબર વન સલમાન ખાન
કાળા હરણ અથવા તો કાળિયારનો શિકાર કરવા બદલ લૉરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે, કારણ કે બિશ્નોઈ સમાજ કાળિયારને પૂજે છે. સલમાન ખાને ૧૯૯૮માં એક ફિલ્મના શૂટિંગ વખતે જોધપુરમાં કાળિયારને માર્યું હતું. સલમાન ખાન પર હુમલો કરવા માટે બે વાર તેના ઘરની પૂરી તપાસ કરવામાં આવી હતી અને ત્રીજી વાર તેના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ટાર્ગેટ નંબર 2 સગુનપ્રીત સિંહ
સગુનપ્રીત સિંહ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની મૅનેજર છે અને લૉરેન્સને આશંકા છે કે તેના નજીકના સાથી વિકી મિદુખેડાના શૂટરોને સગુનપ્રીતે આશરો આપ્યો હતો. ૨૦૨૧માં મિદુખેડાની મોહાલીમાં હત્યા કરવામાં આવી હતી. સ્ટુડન્ટ પૉલિટિક્સના સમયથી લૉરેન્સ વિકી મિદુખેડાને ભાઈ માનતો હતો.
ટાર્ગેટ નંબર 3 ગૅન્ગસ્ટર મનદીપ ધાલીવાલ
મનદીપ ધાલીવાલ બંબીહા ગૅન્ગના લીડર લકી પટિયાલનો નજીકનો સાથી છે. વિકી મિદુખેડાના શૂટરોને શેલ્ટર આપવામાં તેણે પણ મદદ કરી હતી. તેણે પોતાની ગૅન્ગનું નામ ઠગ લાઇફ (Thug Life) રાખ્યું છે. મનદીપ લકી પટિયાલનો ધંધો મૅનેજ કરે છે.
ટાર્ગેટ નંબર 4 ગૅન્ગસ્ટર કૌશલ ચૌધરી
કુખ્યાત ગૅન્ગસ્ટર કૌશલ ચૌધરી હાલમાં ગુરુગ્રામની જેલમાં બંધ છે. તેણે વિકી મિદુખેડાના હત્યારાઓ ભોલુ શૂટર, અનિલ લઠ અને સની લેફ્ટીને હથિયાર પૂરાં પાડ્યાં હતાં.
ટાર્ગેટ નંબર 5 અમિત ડાગર
અમિત ડાગર બંબીહા ગૅન્ગનો હેડ છે. આ ગૅન્ગ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની વિરોધી ગૅન્ગ છે. તેણે વિકીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.
હિન્દુ દેવી-દેવતાની ઠેકડી ઉડાડતો સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારુકી બિશ્નોઈ ગૅન્ગના હિટલિસ્ટ પર- દિલ્હીમાં તો તેના સુધી હત્યારાઓ પહોંચી ગયા હતા, પણ તેઓ ફાયરિંગ કરે એ પહેલાં પોલીસ પહોંચી ગઈ
બાબા સિદ્દીકીની સરેઆમ હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ત્યારે હિન્દુ દેવી-દેવતાઓની ઠેકડી ઉડાડતો સ્ટૅન્ડઅપ ક઼ૉમેડિયન મુનવ્વર ફારુકી પણ લૉરેન્સ બિશ્નોઈના હિટલિસ્ટ પર હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, હાલમાં જ તેને પણ ગૅન્ગ દ્વારા દિલ્હીમાં ટપકાવી દેવાનો પ્લાન બનાવાયો હતો, પણ છેલ્લી ઘડીએ ઇન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળતાં પોલીસે ઝડપી ઍક્શન લેતાં તે બચી ગયો હતો એવી માહિતી બહાર આવી છે.
થોડા સમય પહેલાં મુનવ્વર દિલ્હીમાં એક ઇવેન્ટ માટે જઈ રહ્યો હતો. મુંબઈમાં તો તેને ઍરપોર્ટ સુધી પોલીસ-પ્રોટેક્શન હતું જ એટલે તેને દિલ્હીમાં મારવાનો પ્લાન લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગે બનાવ્યો હતો. ફ્લાઇટમાં પણ બિશ્નોઈ ગૅન્ગના બે સભ્ય તેની આસપાસ જ ટ્રાવેલ કરી રહ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીમાં તે જે સૂર્યા હોટેલમાં ઊતરવાનો હતો એ જ હોટેલમાં તે સભ્યોનું બુકિંગ કરવામાં આવ્યું હતું. જોકે ઇન્ટેલિજન્સને મુનવ્વરની હત્યા થઈ શકે એવી માહિતી મળતાં તરત જ દિલ્હી પોલીસને ઍક્ટિવ કરી દેવાઈ હતી. આ માટે દિલ્હી પોલીસની ટીમ સ્ટેડિયમ પર પણ પહોંચી ગઈ હતી અને સાથે જ એક ટીમ સૂર્યા હોટેલ પણ ગઈ હતી. મુનવ્વર ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પ્રોગ્રામમાં હાજરી આપવાનો હતો. જોકે બહુ ઝડપથી અને કોઈને કશો ખ્યાલ આવે એ પહેલાં જ પોલીસે મુનવ્વરને સુરિક્ષત ત્યાંથી મુંબઈ મોકલી આપ્યો હતો.