મલાડ લિન્ક રોડ પર નાળા પાસેનો કાટમાળ ક્યારે હટશે?

08 June, 2023 03:01 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

આ નાળા પાસે મોટા પ્રમાણમાં ડેબ્રીઝ ઠાલવવામાં આવતાં એનો ઢગલો થઈ ગયો છે : આની ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં હજી પણ કાટમાળ નાખવામાં આવી રહ્યો છે

મલાડમાં રસ્તા પર થયેલો ડેબ્રીઝનો ઢગલો

મલાડ-વેસ્ટમાં લિન્ક રોડ પર પોઇસર નાળાની પાસે મીઠ ચોકી નજીક રોડ વગેરેનું ખોદકામ કરીને માટી અને ડેબ્રીઝને દૂર મુંબઈની બહાર લઈ જઈને નાખવાને બદલે ત્યાં જ રસ્તા પર નાખવાથી ઢગલો જમા થઈ ગયો છે. આ બાબતે ફાઇટ ફૉર રાઇટ ફાઉન્ડેશન દ્વારા પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરાઈ હોવા છતાં આ બાબતે હજી સુધી પ્રશાસન દ્વારા કોઈ ઍક્શન લેવાઈ નથી.

આ બાબતે વધુ માહિતી આપતાં ફાઇટ ફૉર રાઇટ ફાઉન્ડેશનના સભ્ય વિનોદ ગોલપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોઇસર નાળાની વચ્ચેની જે જગ્યા છે ત્યાં રોડનું ખોદકામ કરતાં જે ડેબ્રીઝ જમા થાય છે એને બીએમસીના કૉન્ટ્રૅક્ટરે મુંબઈની બહાર નાખવાને બદલે અહીં મલાડમાં જ નાખતાં ઢગલો જમા થઈ ગયો છે. કચરાની ગાડી આવે છે, પરંતુ એ ડેબ્રીઝને થોડો-થોડો ઉપાડતી હોય છે.

આમ મહાનગરપાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે ભાડાના ધોરણે લીધેલાં વાહનોમાં ભરીને કચરો કચરાપેટીમાં મોકલવામાં આવી રહ્યો છે, જેને કારણે પાલિકા પ્રશાસન પાસેથી દરરોજ લાખો રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. લિન્ક રોડ જેવા મુખ્ય માર્ગ પર આ ગેરરીતિ બેરોકટોક ચાલી રહી છે ત્યારે મ્યુનિસિપલ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગે આ બાબતની નોંધ લીધી નથી એ આશ્ચર્યની વાત છે. એમઆરટીપીએ પાલિકાના ઉત્તર વિભાગના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગ દ્વારા કલેક્શન કરનાર વ્યક્તિ સામે નોટિસ જારી કરી છે અને આંતરિક કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતની નોંધ લઈને કચરો ઉપાડતા ખાનગી કૉન્ટ્રૅક્ટરોનાં વાહનોમાં કચરો ભરીને એને ડમ્પિંગમાં લઈ જઈને મહાનગરપાલિકા વહીવટી તંત્રે લાખો રૂપિયાનો ચાર્જ વસૂલતી સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’

પી નૉર્થના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના એક અધિકારીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડેબ્રીઝને લઈને બહારથી ટ્રક આવતી હોય છે. એ ટ્રક અહીં ખાલી થતી હોય છે, જેના પર અમે કાર્યવાહી કરી છે. એક ટ્રકની સામે અમે ૨૦,૦૦૦ રૂપિયાનો ફાઇન મારીએ છીએ. આ સિવાય અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ ટ્રક પર કાર્યવાહી કરવા માટે કહીએ છીએ. આ જગ્યા પર એમઆરટીપી ઍક્ટ અંતર્ગત એક વખત કાર્યવાહી પણ કરી છે. આ કલેક્ટરની જગ્યાએ અમે બિલ્ડિંગ અને ફૅક્ટરી ડિપાર્ટમેન્ટને પણ લેટર મોકલ્યો છે. રહી વાત કચરાની ગાડીની જે ડેબ્રીઝ ઉપાડે છે તો એ શક્ય નથી. નાળાની પાસેની જગ્યાએ કોઈ ડેબ્રીઝ નાખે નહીં એ બાબતે સતત ધ્યાન રાખવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ પણ નથી, પરંતુ અમને જેવી ફરિયાદ મળે છે અમે કાર્યવાહી કરીએ છીએ.’

link road malad brihanmumbai municipal corporation urvi shah-mestry