પોલીસે જ કરી પોલીસ સામે હેરાનગતિની ફરિયાદ

12 April, 2023 10:05 AM IST  |  Mumbai | Mehul Jethva

ટ્રાફિકના જૉઇન્ટ કમિશનરે તેમના સાથી જૉઇન્ટ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ને પત્ર લખીને ફરિયાદ કરી કે લોકલ પોલીસ ટ્રાફિક પોલીસને ફરિયાદ નોંધવામાં સહકાર્ય કરવાને બદલે બેસાડી રાખે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સ્થાનિક પોલીસ સ્ટેશનો ટ્રાફિક અધિકારીઓની ફરિયાદ સામે આંખ આડા કાન કરતાં હોય છે. કેટલાક કિસ્સામાં ટ્રાફિક અધિકારીઓ દ્વારા કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને લવાયેલી વ્યક્તિને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કર્યા વિના જ છોડી મૂકે છે. આવા અનેક કિસ્સા સામે આવતાં મુંબઈના ટ્રાફિક પોલીસ જૉઇન્ટ સીપીએ જૉઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા)ને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ટ્રાફિક પોલીસને આવકારતા નથી એને કારણે ઘણી તકલીફ થઈ રહી છે.

મુંબઈ ટ્રાફિક વિભાગના જૉઇન્ટ પોલીસ કમિશનર પ્રવીણ પૌડવાલે ગયા અઠવાડિયે જૉઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીને લખેલા પત્રમાં આરોપ કર્યો છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ટ્રાફિક પોલીસને કલાકો સુધી રાહ જોવડાવે છે અને તાત્કાલિક ફરિયાદ નોંધવાને બદલે ટ્રાફિક ઉલ્લંઘન સંબંધી કાર્યવાહી કરતા નથી. તેમના પત્રમાં ૨૮ ફેબ્રુઆરીની ઘટનાનું ઉદાહરણ ટાંક્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે ૨૮ ફેબ્રુઆરીએ નાગપાડા ટ્રાફિક વિભાગના પોલીસ-કર્મચારીઓ કાયદેસરના આદેશનું ઉલ્લંઘન કરનાર અપરાધીઓને પકડીને તેની સામે ગુનો નોંધાવવા આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ગયા હતા, પણ ત્યાંના પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધ્યો નહોતો અને કેસ નોંધવામાં પણ વિલંબ કર્યો હતો. દક્ષિણ ટ્રાફિક પોલીસ ડીસીપીએ સ્થાનિક પોલીસને જાણ કર્યા છતાં આગ્રીપાડા પોલીસે ફરિયાદ મુજબ એફઆઇઆર નોંધ્યો નહોતો. હાલમાં કેટલાક કિસ્સાઓમાં પણ એવું જોવા મળ્યું છે કે અન્ય ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ અને કૉન્સ્ટેબલો એવી જ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. એ સાથે તેમણે પત્રમાં વિનંતી કરતાં કહ્યું કે તેઓ તમામ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરોને ટ્રાફિક પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ગુનાની યોગ્ય રીતે નોંધણી કરવાની સૂચના આપે અને એમાં બિનજરૂરી વિલંબ ન કરે તથા ટ્રાફિક પોલીસ જે એક ફરિયાદી છે તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં ન આવે.

મુલુંડ ટ્રાફિક ડિવિઝન સાથે જોડાયેલા એક કૉન્સ્ટેબલે પોતાનું ન આપતાં કહ્યું હતું કે ‘હાલમાં અમને રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ કરતા લોકો સામે સીધો એફઆઇઆર નોંધવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે જે પૂરો ન થાય તો સિનિયર અધિકારીઓ દ્વારા અમને પનિશમેન્ટ આપવામાં આવે છે. જોકે જ્યારે અમે કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે કલાકો સુધી અમને બેસાડી રખાય છે. ગઈ કાલે એક યુવાન પર કાર્યવાહી કરીને તેની સામે ફરિયાદ નોંધાવવા માટે હું મુલુંડ પોલીસ સ્ટેશન ગયો હતો. હું બપોરે એક વાગ્યે ગયો હતો અને મારી ફરિયાદ છેક ચાર વાગ્યે નોંધાઈ હતી.’

ટ્રાફિક હેડક્વૉર્ટર અને સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશનને ‘મિડ-ડે’એ વધુ માહિતી માટે ફોન અને મેસેજ કર્યા હતા, પણ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી શકી નહોતી.

mumbai mumbai news mumbai police mumbai traffic mehul jethva