શિવાજી પાર્કમાં નરેન્દ્ર મોદીએ મુંબઈગરાઓને કર્યું આહ‍્વાન

18 May, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારું અને તમારાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા હો તો ૨૦ મેએ બહાર નીકળીને મતદાનના બધા રેકૉર્ડ તોડો

તસવીર : આશિષ રાણે

મુંબઈના મુકાબલા માટેના મહાશક્તિપ્રદર્શનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુંબઈને એનો અધિકાર ફરી અપાવવા આવ્યો છું, રાજ ઠાકરેએ વડા પ્રધાનને કહ્યું કે દેશને જોખમમાં મૂકતા મુઠ્ઠીભર મુસલમાનોને તેમના અડ્ડામાં ઘૂસીને બહાર કાઢો, માણસો મોકલો, આવશ્યકતા લાગે તો સૈન્ય ઘુસાડો

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની ૪૮માંથી બાકી રહેલી મુંબઈ સહિતની ૧૩ બેઠક માટે ગઈ કાલે સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોના સંગઠન મહાવિકાસ આઘાડીએ મુંબઈમાં મતદારોને આકર્ષવા માટે શક્તિપ્રદર્શન કર્યું હતું. શિવાજી પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ ઠાકરે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા; જ્યારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના મેદાનમાં મહાવિકાસ આઘાડીની સભામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોણે શું કહ્યું?
વડા  પ્રધાન નરેન્દ્ર મોદી
જનાદેશ ચોરીને સરકાર બનાવનારાઓએ ‌મુંબઈનાં વિકાસકામો પર પણ દુશ્મની કાઢી. મેટ્રો, JNPT ટર્મિનલ, અટલ સેતુ સહિતના પ્રોજેક્ટો આ લોકોએ લટકાવ્યા, અટકાવ્યા અને ભટકાવ્યા. હું મુંબઈને એનો હક પાછો અપાવવા આવ્યો છું.

૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું મુંબઈના વિકાસ વિના શક્ય નથી. મુંબઈ શહેર માત્ર સપનું નથી જોતું, એ સપનાને જીવે છે. કંઈક કરી દેખાડવાનો સંકલ્પ કરનારાઓને મુંબઈએ ક્યારેય નિરાશ નથી કર્યા. ડ્રીમ સિટી માટે ૨૦૪૭નું ડ્રીમ લઈને આવ્યો છું.

મહારાષ્ટ્રમાં અમારી સરકાર આવ્યા બાદ ફરી મુંબઈમાં રેકૉર્ડ રોકાણ આવ્યું છે. મારી ગૅરન્ટી છે કે અમુક વર્ષમાં હું ફરી તમારી વચ્ચે આવીશ ત્યારે આપણો દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બની ગયો હશે અને એમાં મુંબઈનું યોગદાન સૌથી મોટું હશે.

આર્ટિકલ ૩૭૦ કૉન્ગ્રેસ ફરી લાવવા માગે છે. કાન ખોલીને સાંભળી લે, દુનિયાની કોઈ તાકાત આ નહીં કરી શકે. 
 આપણો દેશ દશકા સુધી સિરિયલ બૉમ્બધડાકાથી લોહીલુહાણ થતો રહ્યો. મુંબઈમાં આતંકવાદનો ફફડાટ રહેતો. સવારે ઘરેથી નીકળેલી વ્યક્તિ સાંજે પાછી આવશે કે નહીં એની કોઈ ખાતરી નહોતી. લાવારિસ વસ્તુને હાથ ન લગાવવાની સૂચના ચારે બાજુએ સાંભળવા મળતી. દસ વર્ષમાં તમે આવી ચેતવણી સાંભળી? જે પાકિસ્તાનને આજે કોઈ પૂછતું નથી એના આતંકવાદી કસબને માથે લઈને આ લોકો સત્તા માટે ફરી રહ્યા છે.

તમારું અને તમારાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ચાહતા હો તો ૨૦ મેએ ઘરોની બહાર નીકળી મતદાન કરીને અગાઉના બધા રેકૉર્ડ તોડી નાખો. રાષ્ટ્રના હિત માટે એક-એક મત જરૂરી છે. 
 મુંબઈ ચૈત્યભૂમિથી પ્રેરણા લે છે. આ ભૂમિમાં એક સમયે વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેનો હુંકાર ગુંજ્યો હતો. નકલી શિવસેનાને આજે વિરોધ પક્ષો સાથે જોઈને કેટલું દુઃખ થતું હશે? સત્તા માટે રામમંદિરને ગાળો આપનારાઓના ખોળામાં તેઓ બેસી ગયા છે.

સત્તા માટે કોઈ પાર્ટીનું આટલી હદે હૃદયપરિવર્તન થયું હોવાનું પહેલી વાર જોયું. આ લોકોએ મુંબઈની સાથે આખા મહારાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત કર્યો છે. આનાથી મોટું અપમાન શું હોઈ શકે?
 લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે યહી સમય હૈ, સહી સમય હૈ. આજે ફરી દોહરાવું છું કે મહાયુતિના મુંબઈના બધા ઉમેદવારોને પરિવાર સાથે જોરદાર મતદાન કરીને દિલ્હી મોકલજો, જેથી મારા હાથ મજબૂત થાય અને દેશહિત માટેના મોટા નિર્ણય લઈ શકું.

રાજ ઠાકરે

પંડિત જવાહરલાલ નેહરુ બાદ ત્રીજી વખત વડા પ્રધાન બની રહેલા નરેન્દ્ર મોદીને મારા નમસ્કાર.
 ૨૧ વર્ષ પહેલાં તમે શિવતીર્થમાં આવ્યા હતા ત્યારે કમળમાંથી બહાર નીકળ્યા હતા અને ૨૦૧૪માં તમે દેશમાં કમળ ખીલવ્યું.
 ૨૦૧૪થી ૨૦૧૯ અને ૨૦૧૯થી ૨૦૨૪ના સમયગાળા વિશે હું કેન્દ્ર સરકારની મને યોગ્ય ન લાગનારી અને યોગ્ય લાગી હતી એ બાબતે હું એકથી વધુ વખત બોલી ચૂક્યો છું. વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર પાસેથી મહારાષ્ટ્રની કેટલીક અપેક્ષા છે.

અનેક વર્ષથી લટકેલી મરાઠી ભાષાને અભિજાતનો દરજ્જો આપો. મને વિશ્વાસ છે કે આ કામ નજીકના ભવિષ્યમાં થશે.
 ભારત પર ૧૦૦૦ વર્ષ વિદેશીઓએ રાજ કર્યું એમાં વચ્ચે ૧૨૫ વર્ષ મરાઠાઓનું સામ્રાજ્ય હતું એ વિશે આજે બહુ ઓછા લોકો જાણે છે. મારી માગણી છે કે સ્કૂલનાં પુસ્તકોમાં મરાઠાઓનું રાજ કેવું હતું એ ભણાવવામાં આવે.

સમુદ્રમાં છત્રપતિ શિવાજીનું પૂતળું ઊભું થશે કે નહીં એ ખબર નથી, પણ છત્રપતિએ મહારાષ્ટ્રમાં બનાવેલા કિલ્લાઓને ફરી વૈભવ પ્રાપ્ત થાય એ માટેની સમિતિ બનાવો. આપણો 
ઊજળો ભૂતકાળ એવી રીતે રજૂ થવો જોઈએ કે દુનિયાના લોકો એ જોઈને દંગ રહી જાય.૧૮-૧૯ વર્ષથી અટકેલા મુંબઈ-ગોવા હાઇવેનું કામ ઝડપથી પૂરું કરો.
 વિરોધીઓ સતત કહી રહ્યા છે કે ૪૦૦થી વધુ બેઠકો તમે મેળવશો તો ડૉ. બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણમાં ફેરફાર કરશો. મોદીજી, હું ઇચ્છું છું કે તમે અહીંથી આવું કંઈ નહીં કરો એની ખાતરી આપો.

ભારતમાં લાખોની સંખ્યામાં દેશભક્ત મુસલમાનો છે, પણ મુઠ્ઠીભર મુસલમાનો દેશને જોખમમાં મૂકે છે. આવા લોકોના અડ્ડામાં ઘૂસીને બહાર કાઢો. માણસો મોકલો અને જરૂર પડે તો સૈન્ય ઘુસાડો.

mumbai news mumbai narendra modi shivaji park dadar Lok Sabha Election 2024 raj thackeray