શું શરદની પૂનમ આથમી રહી છે?

18 February, 2024 10:48 AM IST  |  Mumbai | Aashutosh Desai

પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક દાવપેચ રમનારા શરદ પવાર કોઈ અજાતશત્રુની જેમ આટલાં વર્ષો સુધી રાજકારણમાં ટકી રહ્યા છે. કોઈની સાથે ગહેરી દોસ્તી પણ નહીં અને દુશ્મની પણ નહીં.

શરદ પવાર

ચૂંટણી નજીક આવતી જાય છે અને દેશમાં રાજકારણનો માહોલ હવે ધીમે-ધીમે ગરમાતો જશે, જેની પ્રસ્તાવનારૂપ અસરો તો વર્તાવી શરૂ પણ થઈ ગઈ છે. એમાં સૌથી પહેલાં મહારાષ્ટ્રની રીજનલ પાર્ટી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો ચૂલો સળગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે અને ત્યાર બાદ ચૂંટણી કમિશને પણ સાહેબની પોતાની પાર્ટીની ડોર આધિકારિક રીતે સાહેબના ભત્રીજા અજિત પવારને સોંપી દીધી છે. ન માત્ર પાર્ટીનું નામ, પણ પાર્ટીનું સિમ્બૉલ (ઘડિયાળ) પણ હવે અજિત પવારને હસ્તક થઈ જશે! હવે સામાન્ય જનતાની સમજ પ્રમાણે મોટા સાહેબ પાસે માત્ર બે વિકલ્પ રહી જાય છે : એક, ક્યાં તો પાર્ટીના બાકી બચેલા સભ્યો સાથે પોતાના નામ વિનાના પક્ષનો કોઈ બીજા પક્ષમાં વિલય કરી નાખે, ક્યાં તો નવો પક્ષ રચે. ઊભા રહો. જો આપણામાંથી કોઈ એમ વિચારતું હોય કે સાહેબ પાસે રિટાયર્ડ થઈ જવાનો પણ તો વિકલ્પ છે જને? તો કહી દઈએ કે તમારી ભૂલ થતી હોય એમ લાગે છે, કારણ કે કમસે કમ હમણાં તો પવારસાહેબના તેવર પરથી રિટાયર્ડ થવા જેવું કશુંય દેખાતું નથી.

શક્ય છે કે સાહેબ આ ત્રણે વિકલ્પ સિવાય કોઈક નવા જ વિકલ્પ પર કામ કરી નાખે અને ફરી એક વાર તેમનું રાજકારણીય બુદ્ધિચાતુર્ય દેખાડે. હા, એટલું ચોક્કસ ખરું કે છેલ્લા થોડા દિવસોમાં થયેલી મોટી ઊથલપાથલમાં હવે ખરેખર એ ક્યાસ લગાડવો મુશ્કેલ છે કે ૮૨ વર્ષના આ માંધાતા રાજકારણી હવે આગળ કયો દાવ ખેલશે? ઘણી વખત આપણને એવા વિચારો આવ્યા હશે કે પવારસાહેબના ભાથામાં હવે ખરેખર કોઈ તીર બચ્યાં નથી, પરંતુ જ્યારે-જ્યારે લોકોને આવા વિચારો આવ્યા છે ત્યારે-ત્યારે નક્કી આ નખશિખ રાજકારણીએ કોઈક એવો દાવ ખેલી દેખાડ્યો છે કે પાણીચામાં કેરી અથાતી હોય એવા રાજકારણમાં રચ્યા-પચ્યા રહેલા લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.

૧૯૯૯ની સાલમાં જ્યારે તેમણે કૉન્ગ્રેસ પાર્ટી છોડી ત્યારે પણ તો લોકોને આ જ રીતે અચંબિત કર્યા હતા. એક દૃષ્ટિએ એમ કહીએ તો ચાલે કે સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને મંજૂર નહોતું. એ સમયે પણ કેન્દ્રની રાજનીતિ સુધી એ વાત બધાને ખબર હતી કે માત્ર મહારાષ્ટ્રના લોકલ પૉલિટિક્સમાં જ શરદ પવાર નામના આ હુકમના એક્કાએ નામ અને કામ ખૂબ મોટાં કર્યાં છે એવું નથી. કેન્દ્રની રાજનીતિમાં પણ તેમનું નામ, કામ અને દિમાગ બધું જબરદસ્ત જોર કરે છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સિવાયનાં અન્ય રાજ્યોની રીજનલ પાર્ટીઓ અને રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ પણ પાવરસાહેબના નામની અસરકારકતા સ્વીકારાતી હતી. એ વખતે શરદ પવારે કૉન્ગ્રેસનો સાથ એમ કહીને છોડવાનું નક્કી કર્યું હતું કે ‘એક વિદેશી મૂળ પાર્ટીનાં અધ્યક્ષ તરીકે કામ કરવાનાં હોય એ મને મંજૂર નથી!’ અને બસ, કૉન્ગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી તરીકે એક નવી પાર્ટીની સ્થાપના કરી, જેનું નામ રાખવામાં આવ્યું હતું NCP – નૅશન​લિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી. એ જ શરદ પવારસાહેબના હવે આજે દિવસો એવા અવળા ફર્યા છે કે પોતાના ગણ્યાગાંઠ્યા રહી ગયેલા સપોર્ટર્સને અને વિધાનસભ્યોને લઈને કદાચ કૉન્ગ્રેસમાં ફરી એક વાર પોતાની પાર્ટીનો વિલય કરી દે.

વાસ્તવમાં વાત કંઈક એવી છે કે રાજ્યસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં છે અને આવા અણીના સમયે આ માંધાતા રાજકારણી પાસે માત્ર ૧૨ (કદાચ એથીયે ઓછા) વિધાનસભ્યો રહી ગયા છે. બાકીના NCPના ચૂંટાયેલા બધા વિધાનસભ્યોને તો ભત્રીજો તેમની સાથે તાણી ગયો. એમાં એક સમયે પવારસાહેબના ખાસ ગણાતા એવા ભૂતપૂર્વ ઉડ્ડયનપ્રધાન પ્રફુલ પટેલને પણ ગણવા પડે. પછી મહિનાભરથી પણ ઓછા સમયમાં કેન્દ્ર સરકારની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ જશે. હવે એવા સમયે શરદ પવાર જો પોતાનું કૌવત નહીં દેખાડે તો આખી જિંદગી મહેનત કરીને રાજકારણમાં જે નામ બનાવ્યું છે એ ધૂળધાણી થઈ જાય. તો આવા આ પર કે પેલે પરના ટાંકણે સમાચાર કંઈક એવા સાંભળવા મળી રહ્યા છે કે પવાર - ધ કૅપ્ટન ઑફ ધ શિપ પોતાની પાર્ટીનું કૉન્ગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરી નાખશે. સ્વાભાવિક છે, કૉન્ગ્રેસ પાર્ટી પણ એમ વિચારતી હશે કે શરદ પવારના નામનો ફાયદો તેમણે પણ મહારાષ્ટ્ર કક્ષાએ જ નહીં પરંતુ સેન્ટર લેવલ સુધી મળી શકે એટલો મેળવી લેવો, કારણ કે નૈયા તો ઉનકી ભી ઑલમોસ્ટ ડૂબ હી ચૂકી હૈ. આ ચર્ચાએ ખાસ તો જોર ત્યારે પકડ્યું જ્યારે હમણાં નજીકના ભૂતકાળમાં કૉન્ગ્રેસ પાર્ટીનો ૧૩૮મો સ્થાપના દિવસ ઊજવાઈ રહ્યો હતો ત્યારે શરદ પવાર પણ એ ઉજવણીમાં સામેલ થયા હતા. બસ, ​ફિર ઔર ક્યા ચા​હિએ? કેન્દ્રના રાજકારણનાં સમીકરણો બદલાઈ રહ્યાં હોવાની ભનક લોકોને આવવા માંડી અને અટકળો બજારમાં ચાલુ થઈ ગઈ કે ભવિષ્યના ખોળામાં કોઈક નવાં સમીકરણોનું આગમન થઈ રહ્યું છે. રાજકારણ માટે એક જાણીતું વિધાન છે, ‘અહીં કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી દોસ્ત નથી!’ શરદ પવાર જેવા રાજકારણી માટે તો આ વિધાન સાવ સત્યની નજીક હોય એમ લાગે છે. ભારતીય રાજકારણમાં જોઈએ તો કદાચ હમણાં સુધીમાં એકમાત્ર શરદ પવાર જ એવા રાજકારણી હશે જેમને કોઈ પણ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ રીતે ઝઘડો કે વિરોધ નથી અને પ્રત્યક્ષ રીતે દોસ્તી પણ નથી. 
પણ શરદ પવારને તેમની કઈ એવી બાબતો આટલા મંજાયેલા રાજકારણી બનાવે છે, જેના માટે અટલ બિહારી વાજપેયીએ પણ સંસદમાં કંઈક એવા ટોનમાં કહેવું પડ્યું હતું કે પવારની રાજનીતિ ગમે એ રીતે સત્તા સુધી પહોંચવાની રાજનીતિ હોય છે. યાદ છે ૧૯૭૮ની એ સાલ જ્યારે મહારાષ્ટ્રના એ સમય સુધીમાં સૌથી યુવાન મુખ્ય પ્રધાન તરીકે સત્તારૂઢ થવા માટે તેમણે કૉન્ગ્રેસ પાર્ટીમાં ફૂટ નખાવી હતી. પણ કહેવાય છેને કે દુનિયા માત્ર પરિણામ જુએ છે. અને ખરેખર જ ૧૯૭૮માં મહારાષ્ટ્રના યંગેસ્ટ ચીફ મિનિસ્ટર (૩૮ વર્ષ) તરીકે શરદ પવાર ચૂંટાઈ આવ્યા હતા. આવા તો અનેક દાવપેચ તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન રમ્યા છે. આમ છતાં આજે એ વાત સ્વીકારવી પડે કે શરદ પવાર કોઈ અજાતશત્રુની જેમ આટલાં વર્ષો સુધી રાજકારણમાં ટકી રહ્યા. દેખીતી રીતે કોઈ સાથે દુશ્મની નહીં અને દોસ્તી પણ નહીં. એક સમય એવો હતો જ્યારે તેમની ગણના રાજકારણના ચાણક્ય તરીકે થતી હતી.

કાયદા અને રાજકારણનો લાભ કઈ રીતે ઉઠાવવો?

૧૯૫૬માં એક ઍક્ટિવિસ્ટ તરીકે લાઇમલાઇટમાં આવ્યા અને ૧૯૫૮માં યુથ કૉન્ગ્રેસમાં જોડાયા. બસ, ત્યારથી શરદ પવારની રાજકારણ ક્ષેત્રે સફરની શરૂઆત થઈ. ૧૯૬૭ની સાલમાં તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ બારામતીથી પહેલી વાર ચૂંટણી લડ્યા અને માત્ર ૨૭ વર્ષની વયે ચૂંટણી જીત્યા પણ ખરા. જોકે જાણે ડ્રામા હંમેશાં શરદ પવારની સાથે ને સાથે રહ્યો છે. એવી તે કઈ ચીજો તેમને એક ડાયનૅમિક, ફેસિનેટિંગ લીડર બનાવે છે એની સૌથી પહેલી શરૂઆત ૧૯૭૮ની સાલથી થઈ જ્યારે તેમના મેન્ટર યશવંતરાવ ચવાણે ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસ છોડી દીધી અને કૉન્ગ્રેસમાંથી છૂટા પડેલા એના બીજા ભાગ કૉન્ગ્રેસ (U)માં સામેલ થઈ ગયા. હવે અહીંથી જાદુગર સમ્રાટ શરદ પવારની જાદુગરી શરૂ થાય છે. ૧૯૭૮નું મહારાષ્ટ્ર વિધાનસભાનું ઇલેક્શન જબરદસ્ત દાવપેચવાળું રહ્યું હતું. ઇ​ન્દિરા ગાંધીની કૉન્ગ્રેસ (આઇ)માંથી છૂટા પડી એક બીજો ફાંટો અને પાર્ટી બની ચૂકી હતી કૉન્ગ્રેસ (U) અને એ સિવાય એક ત્રીજી પાર્ટી હતી જનતા પાર્ટી. હવે થયું એવું કે ચૂંટણી પરિણામોમાં જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ચૂંટણીમાં જીતાઈ આવી, પણ જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે બે છૂટી પડેલી પાર્ટી ફરી એક થઈ ગઈ. કૉન્ગ્રેસ-આઇ અને કૉન્ગ્રેસ-યુ વચ્ચે ગઠબંધન થયું અને કૉન્ગ્રેસ સત્તા પર આવી. જોકે શરદ પવારને સત્તા જોઈતી હતી અને એ માટે કોઈક નવીન રાજકારણ રમવું જરૂરી હતું. આથી તેમણે થોડા સમયમાં જ કૉન્ગ્રેસ-આઇ જોડે છેડો ફાડી નાખ્યો અને ગઠબંધન કર્યું જનતા પાર્ટી સાથે. જનતા પાર્ટી ચૂંટણી પરિણામમાં મેજો​રિટી તરીકે ચૂંટાઈ આવી હોવા છતાં મુખ્ય પ્રધાનપદ પર આરૂઢ થયા શરદ પવાર અને મહારાષ્ટ્રને મળ્યો એક સૌથી યુવાન મુખ્ય પ્રધાન. અહીં શરદ પવાર તેમની કાયદાકીય અને રાજકારણીય સૂઝબૂઝનો નમૂનો આપે છે. તેઓ જાણે છે કે કાયદાનો કઈ રીતે પોતાને લાભ થતો હોય એમ ફાયદો ઉઠાવી શકાય.

સ્ટ્રૉન્ગ કન્વિન્સિંગ પાવર
ત્યાર બાદ દસ વર્ષ પછી ૧૯૮૮માં તેઓ ફરી મુખ્ય પ્રધાન બન્યા જ્યારે રાજીવ ગાંધી કૉન્ગ્રેસ પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા હતા. કૉન્ગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે ચાર-પાંચ સીટ ઓછી પડતી હતી અને ત્યાં ફરી એક વાર શરદ પવાર કામે આવ્યા. ચાર-પાંચ નિર્દલીય વિધાયકોને પોતાના પક્ષે કરી લીધા અને ફરી એક વાર સત્તા મેળવી. અહીં તેમની બીજી એક કાબેલિયતનો નમૂનો મળે છે - કન્વિન્સિંગ પાવર! સત્તામાં જોડાશો તો શું ફાયદો થશે એ બાબતે મનાવવાથી લઈને કાવાદાવા, લોભ-લાલચ સુધી અને ડરથી લઈને સત્તા કે પદ મળશેનો કોણીએ ગોળ લગાડવા સુધી જે કંઈ પણ કરવું ઘટે એ બધું જ પવારસાહેબ બખૂબી કરી જાણે છે. આથી જ તો તેમને આ રાજકારણી જિંદગીએ એક બીજું પણ નામ આપ્યું, ‘બેસ્ટ નેગોશિએટર!’

A ત્યારે જ છોડીશ જ્યારે મને B મળશે
રાજકારણ એક એવું ફીલ્ડ છે જેમાં વ્યક્તિ સતત એ વિચારતો હોય છે કે મને શું મળી રહ્યું છે? મારો ક્યાં ફાયદો છે? જોકે શરદ પવાર એવા પાવરધા રાજકારણી છે કે તેમણે પોતાની બેસ્ટ નેગોશિએટરની કાબેલિયતને હંમેશાં બખૂબી કામે લીધી છે. રાજીવ ગાંધીનું એસેસિનેશન થયું અને વડા પ્રધાનની જગ્યા ખાલી પડી. પવારસાહેબના દિમાગમાં એ વિચાર જન્મી ચૂક્યો હતો કે તેઓ વડા પ્રધાનપદના દાવેદાર બની શકે એમ છે. તેમણે સેન્ટ્રલ લેવલે આ માટેના કાવાદવાઓ શરૂ પણ કરી દીધા હતા, પરંતુ કૉન્ગ્રેસનું ઇન્ટરનલ પૉલિટિક્સ તેમનાં એ અરમાનોને વાસ્તવિકતામાં પલટાવવા નહોતું દેવા માગતું. પવાર હારી ગયા. અને પવાર દેખાડે છે પોતાનો રાજકારણી પ્રતાપ. એક મંજાયેલા પૉલિટિશ્યન પાસે હંમેશાં પ્લાન Aની સાથે પ્લાન B પણ રેડી હોવો જોઈએ એ પાઠ પવારસાહેબ અહીં શીખવે છે. વડા પ્રધાન ન બની શક્યા તો તેમણે પ્લાન B કામે લગાડ્યો અને નરસિંહ રાવ સરકારમાં ડિફેન્સ મિનિસ્ટરનું પદ લઈ લીધું. આ મળે તો તે છોડુંવાળી સ્ટ્રૅટેજી તેઓ એટલી સિફતથી રમ્યા હતા કે વડા પ્રધાન નરસિંહ રાવના જ મંત્રાલયમાં હોવા છતાં તેમની જોડે ન તેમને મિત્રતા હતી કે ન દુશ્મની. અર્થાત્, તે બેને ક્યારેય ઘનિષ્ઠ સંબંધ રહ્યા હોય એવું સાંભળ્યું નથી.

આપદાને ઑપોર્ચ્યુનિટી બનાવવી
એક સફળ રાજકારણી બનવા માટે જે બધા ગુણોની જરૂર પડે એ બધું જ જાણે શરદ પવારમાં જન્મજાત હાજર છે એમ કહીએ તો ચાલે. યાદ છે બાબરી મસ્જિદ તૂટ્યાનો એ સમય જ્યારે પ્રત્યાઘાતો તરીકે મુંબઈ ભડકે બળ્યું હતું. સાલ હતી ૧૯૯૨ની. એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા સુધાકરરાવ નાઈક. ડોમેસ્ટિક પૉલિટિક્સ અને સેન્ટ્રલ પૉલિટિક્સ બંને જગ્યાએ સાહેબ કંઈક એવો ખેલો ખેલ્યા કે બધાને એ વાત મનાવી લીધી કે સુધાકરરાવથી મહારાષ્ટ્રની પરિસ્થિતિ હૅન્ડલ નથી થઈ રહી અને તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે. તત્કાલીન મુખ્ય પ્રધાનને પોતાનું રાજ્ય બચાવવા માટે મદદ કરવી જોઈએ એવો વિચાર છોડીને સાહેબ કંઈક એવી રમત રમ્યા કે સુધાકરરાવ ખુરશી પરથી ઊતરી ગયા અને મુખ્ય પ્રધાન તરીકે ફરી એક વાર મહારાષ્ટ્રનો કાર્યભાર સાંભળ્યો સાહેબે. વિપદામાં પણ શાંત રહી પોતાનું પ્લાનિંગ 
કઈ રીતે કરવું, બૅકસ્ટેજમાં રહી બધું આયોજન એ રીતે ગોઠવી લેવું કે પોતાને એમાંથી કંઈક મોટું ફળ મળે એ કાબેલિયત તેમણે આ ઘટના દરમિયાન સાબિત કરી દેખાડી. એટલું જ નહીં, રાજકારણની રમત કંઈક એટલી કુશળતાથી એ સમયે ખેલવામાં આવી કે દેશ આખામાં સંદેશો એવો પહોંચ્યો કે સુધાકરરાવે જાતે સાહેબને વિનંતી કરી કે મારાથી નથી સચવાઈ રહ્યું એટલે તમે આવો, પદ અને રાજ્ય બંનેને સાંભળી લો.

બધાને આશા બંધાવેલી રાખો 
પ્રણવ મુખરજીએ એક સમયે કહ્યું હતું કે પવાર હંમેશાં બધાને મિક્સ સિગ્નલ જ આપે છે. સાહેબ જ્યારે-જ્યારે, જ્યાં-જ્યાં જાય છે ત્યારે-ત્યારે, ત્યાં-ત્યાં કન્ટ્રોવર્સી અને કૉન્સ્પાયરસી આ બે શબ્દો તેમની સાથે જતા હોય છે. ધારો કે સાહેબ કોઈની સાથે લંચ પર જાય કે કોઈની સાથે ​ડિનર પર પણ જાય તો અનેક વાતો અને અટકળો શરૂ થઈ જાય કે નક્કી આ બે વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. આ એક સૌથી મોટી ખૂબી છે પવારસાહેબની. કદાચ આ ખૂબીને કારણે જ આજ સુધી તેમના કોઈ સાથે સંબંધ બગડ્યા નથી કે કોઈ સાથે ઘનિષ્ઠ પણ થઈ શક્યા નથી. સાહેબ ગમે ત્યારે બાળાસાહેબ ઠાકરે સાથે જઈને પણ મીટિંગ કરી આવતા અને જરૂર જણાય ત્યારે ઇન્દિરા ગાંધી સાથે પણ. અટલજી સાથે પણ દોસ્તી રહેતી અને ગમે ત્યારે સોનિયા ગાંધીને પણ મળી લેતા. લાભ જણાય તો નરેન્દ્ર મોદીને પણ મળી લે અને જરૂર જણાય તો મનમોહન સિંહને પણ. આ રીતના બધા સાથે સારા સંબંધો હોવા માટેનું એક કારણ એ છે કે સાહેબ બધાને બધા માટે આશાઓ સતત જીવતી રાખે છે. 

એક ઘટના વિશે વાત કરીએ તો જ્યારે લેફ્ટ પાર્ટી કૉન્ગ્રેસનો સાથ છોડી ચૂકી હતી ત્યારે શરદ પવાર નૉર્થ-ઈસ્ટમાં જઈને સ્ટેટમેન્ટ આપી આવ્યા હતા કે લેફ્ટ કૉન્ગ્રેસ સાથે કાયમનો છેડો ફાડી ચૂકી છે એવું નથી, લેફ્ટ પાર્ટી પાછી ફરી શકે છે. રાજકારણના જગતમાં આજે પણ એવી વાતો થાય છે કે એ સમયે પ્રકાશ કરાત અને માયાવતીની પાર્ટી સાથે સાહેબ જ વાટાઘાટો ચલાવી રહ્યા હતા, જેને કારણે કૉન્ગ્રેસમાં એ આશા જીવતી રહી હતી કે લેફ્ટ ગમે ત્યારે આવી શકે છે અને લેફ્ટમાં એ આશા જીવતી રહી હતી કે જરૂર પડી ત્યારે કૉન્ગ્રેસ તો છે જને.
સાહેબે કેટલીયે વાર કહ્યું હતું કે તેઓ ગમે ત્યારે ગમે તેની સાથે જઈ શકે છે, પરંતુ તેઓ ભાજપ સાથે તો ક્યારેય નહીં જાય. એ જ સાહેબનું પોતાનું એક કરતાં વધુ વાર બોલાયેલું સ્ટેટમેન્ટ છે કે ‘નો બડી ઇઝ અનટચેબલ ઇન પૉલિટિક્સ!’ અર્થ સમજાય છે આ સ્ટેટમેન્ટનો? યસ, આશા બંધાવેલી રાખો.

સાહેબના એક સફળ રાજકારણી તરીકે અનેક ગુણોમાંના આ ગણાવ્યા એ તો માત્ર કેટલાક ગુણો છે. બાકી પવારસાહેબને પૂરેપૂરા તો હજી આજેય કોણ સમજી શક્યું છે? પણ હા, પક્ષ હવે ભત્રીજા પાસે ચાલી ગયો છે, પક્ષનું નિશાન પણ ચાલી ગયું છે અને વિધાનસભ્યો તો એ પહેલાં જ ક્યારનાય ચાલી જ ગયા હતા. હવે સાહેબ અને તેમની દીકરીએ સુપ્રીમ કોર્ટના દરવાજે ધા નાખી છે. માનનીય કોર્ટનો શું નિર્ણય આવશે એ તો ખબર નથી; પરંતુ એટલું જરૂર નક્કી છે કે ચૂંટણી કમિશનના આ ચુકાદાને કારણે હવે NCPની બધી મિલકતો, બધા હકો અને બધી સત્તાઓ સાહેબના હાથમાંથી છીનવાઈ જશે.

શું ખરેખર ‘શેર અબ બૂઢા હો ચૂકા હૈ!’ જેવી હાલત છે? શું ખરેખર શરદની પૂનમ આથમી રહી છે? કારણ કે સાહેબની દીકરી હોવા છતાં સુપ્રિયા સુળેએ હજી સુધી તો એવા કોઈ દમખમ રાજકારણ ક્ષેત્રે દેખાડ્યા નથી. હવે તો તેમનો દોહિત્ર પણ રાજકારણમાં સક્રિય થઈ રહ્યો છે. તો શું પોતાની પૉલિટિકલ કુશળતાનો વારસો આપવામાં સાહેબ અસફળ રહ્યા છે કે પછી ભૂતકાળમાં બીજાઓ સાથે કરેલા વ્યવહારનાં જ ફળો આજે હવે તેમને મળી રહ્યાં છે? કારણ ગમે એ હોય, પણ આ વખતે હવા કંઈક એવી જણાઈ રહી છે ખરી કે સાહેબ હવે રિટાયર્ડ નહીં થાય તો આ દેશનું નવી પેઢીનું રાજકારણ તેમને રિટાયર્ડ કરી મૂકશે. પણ જો-જો હોં, આ સાહેબ છે. એમ કંઈ હાર માને એવા નથી. અને તેવર? કહ્યુંને, હજી સુધી તો એવા કોઈ તેવર દેખાઈ નથી રહ્યા કે સાહેબનો રિટાયરમેન્ટ લેવાનો કોઈ ઇરાદો હોય.

રાજકારણમાં જુઠ્ઠું (પણ) બોલવું પડે!
શરદ પવાર ફરી એક વાર મુખ્ય પ્રધાન તરીકે સત્તારૂઢ થયા અને કોમી રમખાણો મહારાષ્ટ્રમાં લગભગ-લગભગ શાંત થવા માંડ્યાં હતાં. ત્યાં જ એક અત્યંત ગોઝારી ઘટનાએ આકાર લીધો. સિરિયલ બૉમ્બબ્લાસ્ટ્સ. એકસાથે મુંબઈમાં ૧૨-૧૨ બ્લાસ્ટ્સ થયા. હવે જનતાને મૂર્ખ બનાવીને એમ કહો કે શાંતિ સ્થપાયેલી રહે એ માટે જુઠ્ઠું બોલ્યા એમ કહો, જે કહો એ, પણ એટલું નક્કી કે એક રાજકારણી અને સત્તાધારી તરીકે શરદ પવાર એ ભલીભાંતિ જાણતા હતા અને જાણે છે કે કયા સમયે કઈ રીતે અને કેટલું જુઠ્ઠું બોલવું અને એ પણ સિફતથી! એ સમયે ૧૨ બ્લાસ્ટ્સ એકસાથે થયા જે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા થયા હતા. તત્કાલીન મુખ્ય પ્રધાન શરદ પવારને શંકા હતી કે જેમ-તેમ શાંત પડી રહેલા મહારાષ્ટ્રમાં ફરી કોમી રમખાણો ફાટી નીકળશે. આથી તેમનું શા​તિર દિમાગ કામે લાગ્યું અને તેઓ મુખ્ય પ્રધાનપદેથી જબરદસ્ત કુનેહપૂર્વક જુઠ્ઠું બોલ્યા. તેમણે કહ્યું કે કુલ ૧૩ બૉમ્બબ્લાસ્ટ્સ થયા છે અને એ તેરમા બ્લાસ્ટની જગ્યાનું એક એવું નામ જણાવવામાં આવ્યું જે મુસ્લિમ મેજોરિટીવાળો વિસ્તાર હતો; જેથી લોકોમાં ભ્રમણા એવી ઊભી થાય કે મુસ્લિમોએ હિન્દુઓને ટાર્ગેટ બનાવી બ્લાસ્ટ્સ કર્યા છે એવું નથી, પરંતુ તેઓ પણ આ બ્લાસ્ટ્સમાં પીડિત છે. આ વાતનો સ્વીકાર અને ખુલાસો સાહેબે પોતે જ એક ઇન્ટરવ્યુમાં દિગ્ગજ પત્રકાર સામે કર્યો હતો.કટોકટીના સમયમાં આ રીતે દિમાગ વાપરવું અને જબરદસ્ત કુનેહપૂર્વક જુઠ્ઠું બોલવું એ સફળ રાજકારણી બનવા માટે એક પાયાની મૂળભૂત શરત છે એવું જણાય છે.

mumbai news mumbai sharad pawar nationalist congress party political news