ભણવાની ધગશ હોય તો આવી

11 June, 2024 07:00 AM IST  |  Mumbai | Mehul Jethva

JEE (એડ‍્વાન્સ્ડ)માં મુંબઈનો ટૉપર બનેલો મુલુંડનો ધ્રુવિન દોશી ટાઇમ બચાવવા અંધેરીની ઇન્સ્ટિટ્યૂટની હૉસ્ટેલમાં શિફ્ટ થયો હતો: ડૉક્ટર કપલનો આ પુત્ર IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માગે છે

ધ્રુવિન દોશી

રવિવારે જાહેર થયેલા જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન-JEE (ઍડ્વાન્સ્ડ)નાં પરિણામમાં દેશભરમાં નવમા નંબરની સાથે મુંબઈમાં પ્રથમ આવનાર મુલુંડ-વેસ્ટના લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સમાં રહેતા ધ્રુવિન દોશીને IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. તેને ૩૬૦માંથી ૩૨૯ માર્ક્સ મળ્યા છે.

ધ્રુવિન પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસિસની હૉસ્ટેલમાં રહ્યો હતો એમ જણાવતાં મુળ સાવરકુંડલાના ઘોઘારી જૈન જ્ઞાતિનાં ધ્રુવિનનાં મમ્મી ડૉ. કાજલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેણે અંધેરીની શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જૉઇન કરી હતી જેમાં પહેલા વર્ષે તે મુલુંડથી અંધેરી અપ-ડાઉન કરતો હતો, પણ એમાં બહુ સમય જતો હોવાથી બીજા વર્ષે તે ઇન્સ્ટિટ્યૂટની હૉસ્ટેલમાં જ શિફ્ટ થઈ ગયો હતો. અમને પણ તે ૧૫-૨૦ દિવસે એક જ વાર મળતો. હું ડેન્ટિસ્ટ છું અને મારા હસબન્ડ ઍનેસ્થેટિસ્ટ છે, પણ ધ્રુવિનને ક્યારેય મેડિસિનમાં રસ નહોતો. તેને તો પહેલેથી જ એન્જિનિયરિંગ કરવું હતું એટલે તેણે ટૉપ 50માં આવવાની પહેલા દિવસથી જ તૈયારી કરી લીધી હતી.’

ધ્રુવિનનો ફન્ડા એકદમ ક્લિયર છે. તેનું માનવું છે કે આપણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા બાદ વધારે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ખરેખર તમારો પ્રયાસ શ્રેષ્ઠ હોય તો પરિણામ સારું જ આવવાનું હોય અને ત્યાર પછી પણ પરિણામ બગડે તો એને સ્વીકારવાની તૈયારી આપણે રાખવી જોઈએ.

ધ્રુવિન પાસે સ્માર્ટફોન હતો, પરંતુ તેણે માત્ર અભ્યાસ પર ફોકસ કરી કોઈ પણ સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન ડાઉનલોડ ન કરવાનું નક્કી કર્યું હતું એમ જણાવતાં તેનાં મમ્મીએ વધુમાં કહ્યું હતું કે ‘ધ્રુવિન મોબાઇલનો લિમિટેડ ઉપયોગ કરતો હતો. ભણવા ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ તે ઘણો આગળ છે. ક્રિકેટ, ફુટબૉલ, વૉલીબૉલ જેવી રમત તે રમે છે. પરીક્ષાની તૈયારી કરતી વખતે પણ તે ક્યારેક ક્રિકેટ રમવા માટે સમય કાઢી લેતો હતો. તે રોજ દસેક કલાક અભ્યાસ કરતો હતો. હવે તે IIT બૉમ્બેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો છે.’

mumbai news mumbai mulund gujaratis of mumbai gujarati community news Education