10 December, 2023 07:16 AM IST | Mumbai | Prakash Bambhroliya
ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબ
મુંબઈ ઃ ગોરેગામમાં લિન્ક રોડ પર આવેલી ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડમાં સ્થાનિક રહેવાસીઓને પ્રવેશ ન આપવાની મળેલી ફરિયાદને પગલે ક્લબના સંચાલકોને સવારથી સાંજ સુધીના સમયમાં ક્લબના મેમ્બર ન હોય એવા લોકોને પણ પ્રવેશ આપવા માટેનો બીએમસીના પી-નૉર્થ વૉર્ડની ઑફિસે પત્ર લખ્યો છે. ક્લબનું આ ગ્રાઉન્ડ રેક્રીએશન ગ્રાઉન્ડ છે એટલે એમાં સામાન્ય જનતાને પણ પ્રવેશ કરવાનો અધિકાર હોવાનું બીએમસીએ પત્રમાં નોંધ્યું છે. ક્લબના મેમ્બરોનું કહેવું છે કે આમ કરવાથી તેમને ડિસ્ટર્બ થઈ શકે છે અને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ક્લબની આસપાસ રહેણાક વિસ્તાર જ નથી એટલે ક્લબ ગ્રાઉન્ડ સામાન્ય લોકો માટે ઓપન કરશે તો પણ એનો કોઈ લાભ નહીં રહે. આના કરતાં બીએમસીએ ક્લબ અને ગ્રાઉન્ડ વચ્ચે દીવાલ બનાવી દેવી જોઈએ જેથી ક્લબ એનો ઉપયોગ ન કરી શકે.
ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર કાનજી રીટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્લબની પ્રિમાઇસિસમાં બહારના લોકો આવશે તો મેમ્બરોને ડિસ્ટર્બ થશે. ક્લબ બીએમસીના નિર્દેશ મુજબ સામાન્ય જનતાને અહીં પ્રવેશ આપશે તો અમે પંદર લાખ રૂપિયા ભરીને મેમ્બરશિપ લીધી છે એનો શું ફાયદો? બીએમસીની પૉલિસી શું છે એનો મને ખ્યાલ નથી એટલે જો કાયદાકીય રીતે બીએમસી ક્લબને ગ્રાઉન્ડ મેમ્બર સિવાયના લોકો માટે ઓપન કરવાની ફરજ પાડશે તો શું કરી શકાય?’
ગોરેગામમાં રહેતા અને રિયલ એસ્ટેટનું કામકાજ કરતા ચેતન ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબ બીએમસીના રેક્રીએશન ગ્રાઉન્ડમાં બાંધવામાં આવી છે. આથી ક્લબ સાથેના ગ્રાઉન્ડમાં ક્લબના મેમ્બર ન હોય તેમને પણ પ્રવેશ આપવો જોઈએ એવું બીએમસીનું સ્ટૅન્ડ ક્લિયર છે. જોકે મુદ્દાની વાત એ છે કે ક્લબની આસપાસ રેસિડેન્શિયલ સોસાયટી નથી. આથી ક્લબના ગ્રાઉન્ડમાં કોણ જશે? બીજું, બીએમસીએ સવારથી સાંજ સુધીના સમયમાં લોકોને પ્રવેશ આપવાનું કહ્યું છે એનો પણ કોઈ અર્થ નથી રહેતો, કારણ કે આ ગ્રાઉન્ડમાં રાતના સમયે જ વિવિધ કાર્યક્રમો યોજાય છે એમાં ક્લબને મોટી કમાણી થાય છે. એટલે સાંજ બાદ ક્લબના કાર્યક્રમો ગ્રાઉન્ડમાં ચાલુ જ રહેશે. બીએમસી ખરેખર સામાન્ય લોકોનું વિચારતી હોય તો ક્લબ અને ગ્રાઉન્ડની વચ્ચે દીવાલ ઊભી કરી દે જેથી ચોવીસે કલાક ગ્રાઉન્ડ આમ જનતા માટે ઉપલબ્ધ રહેશે.’
ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબના સેક્રેટરી સંજય માલુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્લબ રેક્રીએશન ગ્રાઉન્ડમાં બાંધવામાં આવી છે એટલે બીએમસીના નિયમ મુજબ સવારથી સાંજ સુધી અમે મેમ્બર સિવાયના લોકોને આઇન્ડેન્ટિટી કાર્ડ બનાવીને પ્રવેશ આપીએ છીએ. ક્લબના ગેટ ચાર પરથી તેઓ એન્ટ્રી અને એક્ઝિટ કરે છે. પ્રાઇવેટ જમીન ખરીદીને ક્લબ બાંધવામાં આવ્યા બાદ અહીં ડીપી પ્લાન મુજબ રિઝર્વેશન નાખવામાં આવ્યું હતું. અમે બીએમસીના આ નિર્ણયને ચૅલેન્જ કર્યો છે એટલે એક-બે મહિનામાં અમારી તરફેણમાં ચુકાદો આવી જશે. ત્યાર બાદ મેમ્બર અને નૉન-મેમ્બરની એન્ટ્રીનો પ્રશ્ન જ ખતમ થઈ જશે.’