28 December, 2022 11:09 AM IST | Mumbai | Samiullah Khan
શહેર સુધરાઈ કહે છે કે આરટીઆઇના આંકડા ખોટા છે અને શહેર માટે વાસ્તવમાં ૬૯ ઍમ્બ્યુલન્સ છે. (તસવીર : સમીર માર્કેન્ડે)
શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે બે કરોડથી વધુની વસ્તી ધરાવતા સમગ્ર શહેર માટે માત્ર ૩૩ ઍમ્બ્યુલન્સ છે. આરટીઆઇ હેઠળ આ માહિતી પ્રાપ્ત થઈ છે.
એનજીઓ પ્રિવેન્ટ કૅન્સર ટ્રસ્ટના પ્રેસિડન્ટ ઇમરાન શેખે આરટીઆઇ હેઠળ આ વિગત માગી હતી.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઇમરાને જણાવ્યું હતું કે ‘મેં જોયું છે કે ગરીબ દરદીઓને ભાગ્યે જ સમયસર ઍમ્બ્યુલન્સ મળે છે. સારવારના પૈસાના અભાવે તેમને ખાનગી ઍમ્બ્યુલન્સ પોસાતી નથી. આથી સુવિધાના અભાવે ઘણા દરદીનાં મોત થાય છે. મેં મુંબઈ સુધરાઈના કમિશનર, મેયર, સ્ટૅન્ડિંગ કમિટી અને મુખ્ય પ્રધાનને પત્ર મોકલીને કૉર્પોરેશન દ્વારા ૨૪ વૉર્ડના ૨૨૭ કૉર્પોરેટર્સ પૈકી પ્રત્યેકને ઍમ્બ્યુલન્સ ફાળવવામાં આવે એવી માગણી કરી હતી, જેથી કટોકટીના સમયમાં પ્રજાની જરૂરિયાતને સંતોષી શકાય.’
ઇમરાન શેખે સવાલ કર્યો હતો કે ‘આપણે સૌ જાણીએ છીએ કે કચરો ઉઠાવવા માટેનાં વાહનો માટે સુધ્ધાં કૉર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે. વૉટર ડિપાર્ટમેન્ટ અને વેટરિનરી હૉસ્પિટલ્સ પાસે પણ વધુ વાહનો છે. કૉર્પોરેશન એના ટોચના અને એક્ઝિક્યુટિવ ઑફિસર્સને પણ લક્ઝુરિયસ વાહનો આપે છે તો પ્રજા માટે ઍમ્બ્યુલન્સ શા માટે નથી પૂરી પાડતી?’
એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઑફ ટ્રાન્સપોર્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી જાણ પ્રમાણે આરટીઆઇમાં જણાવાયેલી ઍમ્બ્યુલન્સની સંખ્યા સાચો આંકડો નથી. અમારી પાસે ૬૯થી વધુ ઍમ્બ્યુલન્સ છે. આ ઉપરાંત ઘણી ખાનગી ઍમ્બ્યુલન્સ અને એનજીઓએ દાનમાં આપેલી કેટલીક ઍમ્બ્યુલન્સ પણ અમારા માટે કામ કરે છે.’