16 July, 2023 10:42 AM IST | Mumbai | Priti Khuman Thakur
નવી ફ્લાઇંગ રાણીના ૨૧ કોચમાં ૧૯૯૯ સીટ હશે, જ્યારે જૂની ડબલ-ડેકરના ૧૯ કોચમાં ૧૯૯૬ સીટ હતી
આવું કહેવું છે રોજ ફ્લાઇંગ રાણીમાં ટ્રાવેલ કરનારાઓના જેમને એ સાંભળીને આંચકો લાગ્યો છે કે આજથી ફ્લાઇંગ રાણી ડબલ-ડેકર નહીં હોય અને ૧૯૭૯ પછી ફ્લાઇંગ સિંગલ ડેકર થશે : રેલવે ભલે એમ કહે કે સીટિંગમાં ઝાઝો ફરક નહીં પડે, પણ પ્રવાસીઓ કહે છે કે ફ્લાઇંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટૅન્ડિંગમાં ટ્રાવેલ કરતા હતા અને હવે એ જગ્યા નવા કોચમાં નહીં રહે
વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓના મુસાફરીના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઇંગ રાણી એક્સપ્રેસના પરંપરાગત રેકને એલએચબી રેક સાથે બદલવાનો નિર્ણય લીધો છે. એ મુજબ આજથી ફ્લાઇંગ રાણી ડબલ-ડેકર નહીં દોડે. કેન્દ્રીય રેલવે અને કાપડ ખાતાનાં રાજ્ય કક્ષાના પ્રધાન દર્શના જરદોશ આજે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી આ નવી રૂપાંતરિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને આ લોકપ્રિય ટ્રેનમાં મુસાફરી પણ કરશે. જોકે મિડ-ડેએ જ્યારે ફ્લાઇંગ રાણીમાં રેગ્યુલર ટ્રાવેલ કરતા મુસાફરોને પૂછ્યું ત્યારે તેમને તો ડબલ-ડેકર બંધ થઈ જશે એ વાતનો આંચકો જ લાગ્યો હતો. તેમના મતે ડબલ-ડેકર જ ટ્રેનની શાન હતી અને હવે એ કાઢી નાખવામાં આવતા તેમના હૃદયની રાણી ગુમ થઈ જશે. આટલું જ નહીં પણ ટોટલ સીટિંગ ક્ષમતામાં ઝાઝો ફરક નહીં પડે પણ એની સામે નવા ડબ્બાના દરવાજા ડબલ-ડેકર જેટલા મોટા નહીં હોવાથી સ્ટેન્ડિંગની ક્ષમતામાં ફરક પડી જશે અને મુસાફરોની પરેશાની વધશે.
આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘સુરત જતી આ લોકપ્રિય એક્સપ્રેસ ટ્રેને ૧૯૦૬માં એની મુસાફરી શરૂ કરી હતી. ૧૯૬૫માં ફ્લાઇંગ રાણી એક્સપ્રેસે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું, જ્યારે એને દેશની સૌથી ઝડપી મધ્યમ અંતરની ટ્રેન જાહેર કરવામાં આવી હતી. દરમ્યાન, આ ટ્રેનના કોચનો રંગ બદલવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટ્રેનને ડબ્લ્યુપી એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી, જેમાં સ્ટીમ એન્જિન સાથે એટલો ફેરફાર કરવામાં આવ્યો હતો કે એને માર્ગમાં પાણીની જરૂર ન પડે. નવેમ્બર ૧૯૭૬માં ટ્રેનને હળવા લીલા રંગમાં રંગવામાં આવી હતી. અંતે જૂન ૧૯૭૭થી એ શુદ્ધ ઇલેક્ટ્રિક ટ્રૅક્શન પર દોડવા માંડી હતી. ૧૯૭૯ની ૧૮ ડિસેમ્બરે ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેન ભારતીય રેલવેના ઇતિહાસમાં પરિવર્તનકારી ડબલ-ડેકર કોચનો સમાવેશ કરતી પ્રથમ ટ્રેન બની હતી.’
કેવો બદલાવ આવશે?
વેસ્ટર્ન રેલવેની પ્રખ્યાત ટ્રેન નંબર ૧૨૯૨૧/૧૨૯૨૨ મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ૧૬ જુલાઈ એટલે કે આજથી મુંબઈ સેન્ટ્રલથી અને ૧૭ જુલાઈથી સુરતથી પરંપરાગત રેકને બદલે એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં ૨૧ કોચ હશે જેમાં એસી ચૅરકાર (આરક્ષિત) સહિત સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ જેમાં ૭ કોચ આરક્ષિત હશે. એક કોચ પ્રથમ વર્ગના એમએસટી પાસધારકો માટે અને ૬ કોચ અનરિઝર્વ્ડ હશે. સામાન્ય બીજા વર્ગના કોચમાં એક કોચ સામાન્ય કરવામાં આવશે, જ્યારે ૧ કોચ સેકન્ડ ક્લાસ એમએસટી પાસધારકો માટે, એક કોચ મહિલાઓ માટે અને એક કોચ સેકન્ડ ક્લાસ એમએસટી મહિલા પાસહોલ્ડર્સ માટે આરક્ષિત હશે. આ ફેરફારથી મુસાફરોને સુવિધા આપવાની સાથે સુરક્ષામાં પણ વધારો થશે.
અમારા ગ્રુપની સીટિંગ તૂટી જશે
અપગ્રેડેશન નામે ફ્લાઇંગ રાણીની શાન નહીં રહેશે એમ કહેતાં ફ્લાઇંગ રાણી એક્સપ્રેસના પ્રવાસી અને કપડાના વેપારી દાસભાઈ બગોસરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે કપડાના વેપારીઓ બિઝનેસ-ટ્રિપ પર એકસાથે જતા હોઈએ છીએ. આ ટ્રિપ અમારી યાદગાર એટલા માટે રહેતી હતી, કારણ કે અમે બધા એકસાથે ૩૦થી ૪૦ જણ બેસી શકતા હતા અને ગપ્પાં, મજાક-મસ્તી કરતા જતા હતા. ખાવાની અઢળક વસ્તુઓ લાવવાની, વાતો કરવાની અને મસ્ત કામ કરીને પાછા આવી જવાનું. ડબલ-ડેકર જ ફ્લાઇંગ રાણીની શાન હતી અને અપગ્રેડેશનના નામ પર ડબલ-ડેકરથી પ્રખ્યાત થયેલી એક્સપ્રેસની શાન જ દૂર કરી દીધી છે. અમારા ગ્રુપની સીટિંગ તો જતી જ રહી છે, પણ એની શાન પણ જતી રહી હોવાથી મનમાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે એ પાક્કું. આવી અમારી લાડકી બનેલી રાણી પાછી થોડી આવવાની છે?’
અમારા હૃદયની રાણી ગાયબ થશે
ભાઇંદર રહેતા વેપારી સમીર શાહે કહ્યું હતું કે ‘અપગ્રેડેશન કે વિકાસ સામે અમારી નારાજગી નથી. અમને સારું લાગ્યું કે રેલવેને આ બેલ્ટ પર ધ્યાન આપવા સમય મળ્યો છે, પરંતુ ફ્લાઇંગ રાણીનું મુખ્ય આકર્ષણ તો ડબલ-ડેકર જ છે અને એ જ દૂર કરી દેવાયું છે. દરરોજ પ્રવાસ કરતા પ્રવાસીઓને તો એવું લાગે છે કે અમારા હૃદયની રાણી ગાયબ થઈ જશે.’ૉ
સ્ટેન્ડિંગ જગ્યા ઓછી થતાં પ્રવાસીઓને જ હેરાનગતિ થશે
દહાણુ-વૈતરણા પ્રવાસ સેવાભાવી સંસ્થાના સભ્ય અને દરરોજ પ્રવાસ કરનાર પ્રતીક પાટીલે મિડ-ડેને જણાવ્યું હતું કે ‘રેલવે તેમના આંકડા સીટિંગ પ્રમાણે જ કહેવાના છે. પરંતુ, રેલવે પ્રવાસીઓને એનો અંદાજ છે કે ઊભા રહીને કેટલા લોકો પ્રવાસ કરી શકે છે. જેટલાં બેસીને પ્રવાસ કરતાં નથી એટલાં ઊભા રહીને પ્રવાસ કરે છે. ડબલ-ડેકરનો દરવાજો મોટો હોવાથી પેસેજ પણ વધારે હતો એથી મોટી સંખ્યામાં લોકો ઊભા રહીને પ્રવાસ કરી શકતાં નથી. જોકે નવી ટ્રેનમાં પ્રવાસીઓ એટલી સંખ્યામાં ઊભા રહી શકવાના નથી. એથી અંતે તો સમસ્યાનો સામનો પ્રવાસીઓને જ કરવો પડશે. ભારતમાં એસી ડબલ-ડેકર બને છે તો નોન-એસી ડબલ ડેકર પણ બની શકે જ છે. ઉલ્લેખનીય છે કે નોન-એસી ડબલ ડેકર વેસ્ટર્ન રેલવેમાં માત્ર ફ્લાઇંગ જ હતી.’
કેવો બદલાવ આવશે?
વેસ્ટર્ન રેલવેની પ્રખ્યાત ટ્રેન નંબર ૧૨૯૨૧/૧૨૯૨૨ મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ૧૬ જુલાઈ એટલે કે આજથી મુંબઈ સેન્ટ્રલથી અને ૧૭ જુલાઈથી સુરતથી પરંપરાગત રેકને બદલે એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં ૨૧ કોચ હશે જેમાં એસી ચૅરકાર (આરક્ષિત) સહિત સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ જેમાં ૭ કોચ આરક્ષિત હશે. એક કોચ પ્રથમ વર્ગના એમએસટી પાસધારકો માટે અને ૬ કોચ અનરિઝર્વ્ડ હશે. સામાન્ય બીજા વર્ગના કોચમાં એક કોચ સામાન્ય કરવામાં આવશે, જ્યારે ૧ કોચ સેકન્ડ ક્લાસ એમએસટી પાસધારકો માટે, એક કોચ મહિલાઓ માટે અને એક કોચ સેકન્ડ ક્લાસ એમએસટી મહિલા પાસહોલ્ડર્સ માટે આરક્ષિત હશે. આ ફેરફારથી મુસાફરોને સુવિધા આપવાની સાથે સુરક્ષામાં પણ વધારો થશે.