14 July, 2023 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે સવારે બોરીવલી પાસે પૉઇન્ટ ફેલ્યરને કારણે લોકલ ટ્રેનો અટકી પડી હતી. જોકે એ ફૉલ્ટ સુધારી લેવાયા બાદ પણ લાંબા સમય સુધી ટ્રેનો મોડી દોડી રહી હોવાથી મુંબઈગરાઓએ પીક-અવર્સમાં હાડમારીનો ભોગ બનવું પડ્યું હતું.
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ પૉઇન્ટ ફેલ્યરની આ ઘટના ચર્ચગેટ-બોરીવલી તરફ જતા સ્લો લાઇનના ટ્રૅક પર બની હતી. આ ઘટનાની જાણ થયા બાદ તરત જ મેઇન્ટનેન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ત્યાં ધસી ગયા હતા અને એ ટેક્નિકલ ખામીને સવારના ૬.૫૫ વાગ્યા સુધીમાં સુધારી લેવાઈ હતી. જોકે ત્યાં સુધી લોકોએ હાડમારી ભોગવવી પડી હતી. એ પછી પણ લોકલ ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હોવાથી ટ્રેનો ૧૦થી ૧૫ મિનિટ લેટ દોડી રહી હતી અને લોકોએ પીક-અવર્સમાં હેરાન થવું પડ્યું હતું. બોરીવલી સ્ટેશન પર એને કારણે ભીડ થઈ ગઈ હતી. પ્રવાસીઓ દ્વારા કહેવાયું હતું કે કેટલીક ટ્રેનો કૅન્સલ કરાઈ હતી, જ્યારે બીજી કેટલીક ડીલે થઈ હતી. એથી પીક-અવર્સમાં પ્લૅટફૉર્મ પર પણ બહુ ભીડ થઈ ગઈ હતી અને ટ્રેનમાં પણ ભારે ભીડનો સામનો પ્રવાસીઓએ કરવો પડ્યો હતો.