24 September, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડ રેલવે સ્ટેશન
એક અને બે નંબરનાં પ્લૅટફૉર્મ શિફ્ટ કર્યા બાદ ધસારાના સમયે બ્રિજ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓના ભરાવાને લીધે અફરાતફરીનો ડર રહે છે : જોકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વેસ્ટર્ન રેલવેએ નવા પ્લૅટફૉર્મ પર બન્ને બાજુથી એકસાથે ટ્રેન ન લાવવાનો રસ્તો કાઢવાની સાથે એક નંબરના ટ્રૅકની વેસ્ટ બાજુએ ટેમ્પરરી પ્લૅટફૉર્મ બનાવવાનો પણ કર્યો નિર્ણય
વેસ્ટર્ન રેલવેમાં છઠ્ઠી લાઇનના કામને આગળ વધારવા માટે મલાડ સ્ટેશન પર એક અને બે નંબરનાં પ્લૅટફૉર્મને શિફ્ટ કરીને જૂના એક નંબરના પ્લૅટફૉર્મને બે અને જૂના એક નંબરના પ્લૅટફૉર્મને એક્સટેન્ડ કરી નવી લાઇન નાખીને એને એક નંબર બનાવવામાં આવ્યું છે. એને લીધે ધસારાના સમયે આ સ્લો લાઇન પર બોરીવલી જતી અને ચર્ચગેટ તરફ જતી ટ્રેનો એકસાથે આવે છે ત્યારે બ્રિજ પર અફરાતફરી જેવી હાલત થઈ જાય છે અને પ્રવાસીઓને અહીં એલ્ફિન્સ્ટન સ્ટેશન (અત્યારના પ્રભાદેવી) પર થયેલી જીવલેણ અફરાતફરીનો ડર સતાવી રહ્યો છે.
જોકે વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રેલવેના મુસાફરોની ફરિયાદોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને મુસાફરો સાથે કોઈ દુર્ઘટના ન બને એ માટે રસ્તો શોધી કાઢ્યો છે.
સમસ્યા શું છે?
ગયા મહિના સુધી મલાડ સ્ટેશનના એક નંબરના પ્લૅટફૉર્મ પર ઉતરનારા પ્રવાસીઓ સીધા સ્ટેશનની બહાર નીકળી જતા હતા, એના માટે તેમણે બ્રિજનો ઉપયોગ નહોતો કરવો પડતો; પરંતુ હવે પ્લૅટફૉર્મ-નંબર એક અને બે કૉમન પ્લૅટફૉર્મ બની ગયાં હોવાથી ફુટ ઓવર બ્રિજનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. આવા સમયે બન્ને તરફથી ટ્રેન એક જ સમયે પ્લૅટફૉર્મ પર આવે છે ત્યારે બહાર નીકળવા માટે બ્રિજ પર અમાનવીય ગિરદી થઈ જાય છે.
આ ફરિયાદ કરતાં સ્થાનિક રહેવાસી નીલેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવાર-સાંજના પીક અવર્સ દરમ્યાન બોરીવલી જતી ટ્રેનમાંથી પણ મલાડ સ્ટેશન પર ઊતરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. મલાડમાં ચાર ફુટ ઓવર બ્રિજ છે, પરંતુ એ સાંકડા છે અને એ બધા મલાડ સ્ટેશનની પૂર્વ બાજુથી જોડાયેલા નથી. ઉત્તરની દિશામાં અને દક્ષિણની દિશામાં પ્લૅટફૉર્મના છેવાડે જે બ્રિજ છે એના પરથી જ ઈસ્ટમાં જઈ શકાય છે અને એના પર મોટા ભાગે ભીડ હોય છે.’
આ સિવાય પ્લૅટફૉર્મ પરથી અનેક સુવિધાઓ પણ ખસેડી લેવામાં આવી છે એવી જાણકારી આપતાં નીલેશ મારુએ કહ્યું હતું કે ‘જ્યારથી પ્લૅટફૉર્મ બદલવાનું કામ ચાલી રહ્યું છે ત્યારથી મલાડ સ્ટેશન પર પીવાનું પાણી, ખાવાના સ્ટૉલ, ટૉઇલેટ અને સાઉથ તરફની ટિકિટબારી બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે જેનાથી મુસાફરોની મુસીબતોમાં વધારો થયો છે.’
વેસ્ટર્ન રેલવેનો ખુલાસો
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડના મુસાફરોની ફરિયાદોને પગલે અમારા ઉચ્ચ અધિકારીઓએ એક અર્જન્ટ મીટિંગ લઈને અમુક વિશેષ નિર્ણયો લીધા છે. એમાં સૌથી પહેલા અને મહત્ત્વના નિર્ણય તરીકે ચર્ચગેટ અને બોરીવલી તરફ જતી ટ્રેનો એક જ સમયે પ્લૅટફૉર્મ પર સાથે ન આવે એ માટે ઉચિત પગલાં લેવામાં આવશે જેને રેલવેની ભાષામાં કહીએ તો સ્ટૅગર્ડ કરીને ટ્રેનોને દોડાવવામાં આવશે જેથી એકસાથે બન્ને પ્લૅટફૉર્મ પર સાથે ટ્રેન ન આવે અને પરિણામે પ્લૅટફૉર્મ પર ગિરદી ઓછામાં ઓછી થાય. બીજું, પ્લૅટફૉર્મ પર ગિરદી ન થાય એ માટે ફૂડ-સ્ટૉલોને હટાવીને સ્ટેશનની બહારની તરફ લઈ જવામાં આવ્યા છે જ્યાં મુસાફરોને હવે જૂસના સ્ટૉલ પણ મળી શકશે. ટૉઇલેટ નવું બની ગયું છે. નવી ટિકિટબારીનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં સુધી મુસાફરોની સુવિધા માટે સાઉથ સાઇડમાં ફુટ ઓવર બ્રિજ પર ATVM બેસાડવામાં આવ્યાં છે. નવા નિર્ણય પ્રમાણે બ્રિજને પહોળા કરવામાં આવશે. આની સાથે એક નંબરના પ્લૅટફૉર્મ પર વેસ્ટ સાઇડમાં એક ટેમ્પરરી પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે જેનો મુસાફરો વેસ્ટ સાઇડમાં જવા માટે ઉપયોગ કરી શકશે. એક વાર કામ પૂરું થઈ જશે પછી
આ પ્લૅટફૉર્મને દૂર કરી દેવામાં આવશે. અમે અમારા મુસાફરોને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે એવાં પગલાં લેવા માટે અમે હંમેશાં કટિબદ્ધ છીએ.’