24 September, 2024 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ પાંડે
વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના ટિકિટચેકર આશિષ પાંડેએ મરાઠી અને મુસ્લિમ સમુદાયો સાથે હું કોઈ વ્યવહાર ન કરું એવું કથિત નિવેદન કરીને મુંબઈમાં વિવાદ સરજ્યો છે. એને પરિણામે આશિષ પાંડેને મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મૅનેજરે જ્યાં સુધી ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધો છે.
હાલ વિક્રોલીમાં રહેતા આશિષ પાંડેની જે ઑડિયો-ક્લિપ વાઇરલ થઈ છે એમાં તે કહે છે કે હું ઉત્તર પ્રદેશનો છું, હું મુસ્લિમો અને મહારાષ્ટ્રિયનોને કોઈ ધંધો આપતો નથી; એ જ પ્રમાણે હું મુસ્લિમ કે પછી મહારાષ્ટ્રિયનની રિક્ષામાં પણ બેસતો નથી. જોકે સોશ્યલમીડિયામાં તેના આ વલણની વિરુદ્ધ કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. વેસ્ટર્ન રેલવેએ એની નોંધ લીધી છે એટલું જ નહીં, તેને હાલ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે.
આશિષ પાંડેની વાઇરલ થયેલી ઑડિયો-ક્લિપને કારણે અનેક લોકોનાં ભવાં વંકાયાં છે. રવિવારે સાંજે ૫.૩૩ વાગ્યે એ સોશ્યલ મીડિયા પર મુકાઈ હતી. વેસ્ટર્ન રેલવેએ આ બાબતે તરત જ ઍક્શન લીધી હતી. ડિવિઝનલ રેલવે મૅનેજર, મુંબઈ સેન્ટ્રલ દ્વારા આ બાબતે વેસ્ટર્ન રેલવેના ઑફિશ્યલ X હૅન્ડલ પર માહિતી આપતાં કહેવાયું હતું કે ‘અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે. અમારા કર્મચારી દ્વારા રિલિજિયસ કમ્યુનિટી અને મહારાષ્ટ્રિયનો સંદર્ભે કરાયેલી વાંધાજનક ટિપ્પણીને લઈને અમે તેને સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે ઇન્ક્વાયરી ચાલુ કરવામાં આવી છે. આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તપાસમાં જે બહાર આવશે એના આધારે તેની સામે પગલાં લેવામાં આવશે. લોકોને અમે જે સેવા પૂરી પાડી રહ્યા છીએ એ અવિરત ચાલુ રહેશે એની અમે ખાતરી આપીએ છીએ.’
મહારાષ્ટ્રમાં મરાઠી માણૂસના મુદ્દાનું સમર્થન કરતી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પણ આ બાબતે ઉગ્ર વલણ અપનાવ્યું છે. MNSના કાર્યકરોએ આશિષ પાંડેને
મળી તેમની આગવી સ્ટાઇલમાં તેને ચેતવણી આપીને ફરી આવું ન કરવા જણાવ્યું છે.