હાડમારીની હારમાળા

01 August, 2023 10:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

દાદર અને અંધેરીમાં પૉઇન્ટ ફેલ્યર, એસી લોકલના દરવાજા બંધ થવાની સમસ્યાને કારણે ટ્રેનો કલાક સુધી પીક-અવર્સમાં અટવાઈ રહી : જુલાઈમાં પાંચમો બનાવ

નાલાસોપારા રેલવે સ્ટેશન પર ગઈ કાલે સવારે રેલવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ટ્રેનની રાહ જોતા ઊભા રહેલા જોવા મળ્યા હતા.

મન્ડે રેલવે માટે બન્યો બ્લૅક ડે : વહેલી સવારે જયપુરથી આવી રહેલી ટ્રેનમાં આરપીએફના જ જવાને પોતાના સિનિયર સહિત ચાર જણને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના બાદ સવારના પીક-અવર્સમાં પૉઇન્ટ ફેલ્યર તેમ જ એસી ટ્રેનનો ડબ્બો બંધ ન થવાને પગલે બપોર સુધી વેસ્ટર્ન રેલવેમાં લોકલ મોડી દોડી. પરિણામે ઘણા પ્રવાસીઓ ઘરે પાછા ગયા.

જયપુરથી મુંબઈ આવી રહેલી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આરપીએફના જવાને ચાલતી ટ્રેનમાં ગોળીબાર કરીને ચાર જણના જીવ લેવાની ઘટના ગઈ કાલે વહેલી સવારે બની હતી. એ દરમ્યાન ગઈ કાલે સવારે પહેલાં અંધેરી અને ત્યાર બાદ દાદર પાસે પૉઇન્ટ ફેલ્યર થતાં વિરાર-ચર્ચગેટ રૂટ પરની લાઇનો સવારના સમયે અડધોથી એક કલાક મોડી દોડી રહી હતી, જ્યારે દહિસર સ્ટેશન પાસે એસી લોકલનો દરવાજો બંધ થવાની સમસ્યાને કારણે એસી લોકલ અડધો કલાક મોડી દોડી હતી. આખા જુલાઈ મહિનામાં પૉઇન્ટ ફેલ્યરનો આ પાંચમો બનાવ હતો અને બે વખત ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે ગઈ કાલે તો સવારના પીક-અવર્સમાં જ બે મુખ્ય સ્ટેશનો પાસે પૉઇન્ટ ફેલ્યરની સમસ્યા સર્જાતાં કલાક સુધી ટ્રેન-સર્વિસ પ્રભાવિત થતાં ઑફિસે અને કામે જતા અનેક લોકોને ટ્રેનમાં ચડવા મળ્યું નહોતું અને પ્લૅટફૉર્મ પર જબરદસ્ત ભીડને કારણે ઘણા પ્રવાસીઓ પાછા ઘરે જતા રહ્યા હતા, જ્યારે અનેક પ્રવાસીઓ લટકીને પ્રવાસ કરવા પર મજબૂર થયા હોવા છતાં પોણો કલાક મોડ્યા પહોંચ્યા હતા. ગઈ કાલે ૩૭ સર્વિસ રદ કરવામાં આવી હતી, જ્યારે ૧૨૦ ટ્રેન મોડી પડી હતી. 

ત્રણ કલાકે નરીમાન પૉઇન્ટ પહોંચ્યો  
મીરા રોડથી નરીમાન પૉઇન્ટ જવા ત્રણ કલાકથી વધુ લાગ્યા હતા એમ જણાવીને રેલવે પ્રવાસી ભાવેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રવાસીઓના ગઈ કાલે ખરાબ હાલ થયા હતા. પોણાનવ વાગ્યે મીરા રોડ સ્ટેશન પર ચર્ચગેટ જતી ટ્રેન પકડવા આવ્યો ત્યારે પ્રવાસીઓની એટલી જબરદસ્ત ભીડ હતી કે કંઈ સમજાય એમ નહોતું. ચર્ચગેટ જતી ટ્રેન પકડવી અશક્ય હોવાથી માંડ બોરીવલી જતી ટ્રેનમાં લટકીને બોરીવલી પહોંચ્યો હતો. બોરીવલી પહોંચ્યા બાદ ત્યાંથી પોણાદસ વાગ્યાની પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર ચર્ચગેટની ફાસ્ટ ટ્રેન હતી અને એમાં જબરદસ્ત ભીડ હતી. એથી હું તરત જ એ ટ્રેનમાં ચડ્યો, પરંતુ સવાદસ વાગ્યા પછી ટ્રેન ચાલુ થઈ હતી. ટ્રેન મલાડ માંડ-માંડ પહોંચી અને પછી બે સ્ટેશન વચ્ચે ઊભી રહેતી-રહેતી જઈ રહી હતી. ભારે ભીડને કારણે ગરમી થવા ઉપરાંત શ્વાસ લેવા પણ તકલીફ થતી હતી. ટ્રેન જેમ-તેમ કરીને ચર્ચગેટ ૧૨.૧૦ વાગ્યાની આસપાસ પહોંચી હતી. સવારે પોણાનવ વાગ્યે શરૂ થયેલી મારી સફર બપોરે સવાબાર વાગ્યે પૂરી થઈ હતી. આ પ્રવાસ ખૂબ મુશ્કેલભર્યો હતો.’

 બેસી-બેસીને પગ દુખવા લાગ્યા
મંગલદાસ માર્કેટના કપડાંના વેપારી જિતેન જોશીએ કહ્યું હતું કે ‘પહેલાં તો એવું લાગ્યું કે દસેક મિનિટ ટ્રેન મોડી હશે, પરંતુ કાંદિવલી સ્ટેશન પર ઊભા રહીને કંટાળ્યા બાદ લાંબા સમય પછી જેમ-તેમ ટ્રેનમાં ચડવા મળ્યું હતું. લગભગ એક કલાક મોડો સ્ટેશન પર ઊતર્યો હતો. પહેલાં તો ખૂબ જ ભીડ હતી, પરંતુ ધીરે-ધીરે ભીડ ઓછી થઈ ત્યારે માંડ બેસવા જગ્યા મળી હતી. જોકે બેસી-બેસીને પગ દુખવા લાગ્યા હતા.’

બીજાનું પર્સ આપ્યું, પણ મારું જ પર્સ ચોરાઈ ગયું
ચારકોપમાં રહેતા ૧૮ વર્ષના માનવ લાલને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે દાદર જવું હોવાથી મેં ગઈ કાલે સવારે આઠ વાગ્યાની ટ્રેન પકડી હતી, પરંતુ સાડાઆઠ વાગ્યાની ઉપર સમય થઈ ગયો હોવા છતાં ટ્રેન ઊપડતી નહોતી. ટ્રેનમાં એટલી ભીડ થઈ ગઈ કે કોઈના માટે ચડવું શક્ય નહોતું. ભીડમાં ગરમીને કારણે મારો જીવ ગભરાઈ ગયો હતો. બૅગમાંથી કોઈ કંઈ લઈ રહ્યું હોવાનો અનુભવ થયો, પણ હાથ હૅન્ડલ પર લટકેલા હતા અને હલી પણ શકાય એમ નહોતું. જેમ-તેમ અંધેરી સ્ટેશન આવ્યું ત્યાં ટ્રેન એક કલાક ઊભી રહી હતી. એક બાજુ ભારે ભીડ અને બીજી બાજુ ટ્રેન ખીચોખીચ ભરેલી હતી. દાદર આવતાં ભગવાન યાદ આવી ગયા હતા. ટ્રેનમાંથી નીચે ઊતરતાં જોયું તો મારી બૅગ ખુલ્લી હતી અને એમાં કોઈનું પર્સ હોવાનું મને દેખાયું હતું. એમાં જે નંબર હતો એના પર ફોન કરીને મેં એ પ્રવાસીને તરત જ બોલાવ્યો હતો. સ્ટેશનની બહાર નીકળ્યા બાદ જોયું તો મારું જ પર્સ ગાયબ હતું. મારા પર્સમાં મેં ફક્ત પૈસા જ રાખ્યા હતા.’

ભીડ જોઈને ઘરે જતી રહી
વસઈથી સવારના પોતાના કામ માટે જવા નીકળેલાં શીતલ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું રેલવે સ્ટેશન પહોંચી ત્યારે જાણકારી મળી કે ટ્રેન મોડી ચાલી રહી છે. પહેલાં એવું લાગ્યું કે કદાચ વરસાદને કારણે હોઈ શકે. જોકે પ્લૅટફૉર્મ પર લાંબો સમય ઊભાં રહેતાં અને અમુક ટ્રેનો કૅન્સલ કરી હોવાથી અસમંજસની સ્થિતિ ઊભી થઈ કે શું કરું? આમાં કેવી રીતે ચડવું અને પ્રવાસ કરવો? સમય પર પહોંચી શકીશ કે નહીં? એટલે ઘરે પાછા વળવાનું નક્કી કર્યું હતું.’ 

મોડું થતાં પાછો ઘરે ગયો
મલાડમાં રહેતા વીરેન શાહ અને તેમના મિત્ર રિટર્ન જર્ની કરીને બોરીવલીથી લોકલ ટ્રેનમાં બેસીને બાંદરા જતા હોય છે. જોકે ગઈ કાલે ટ્રેન પોણો કલાક મોડી દોડી રહી હોવાથી સમયથી ખૂબ મોડું થતાં તેઓ પાછા રવાના થઈ ગયા હતા. તેમના કહેવા પ્રમાણે મલાડથી બોરીવલી આવવા ટ્રેન પકડી, પણ એમ કરતાં પોણો કલાક જતો રહ્યો હતો. બોરીવલી તો પહોંચી ગયા, પરંતુ ટ્રેન અડધો કલાક લેટ હતી એટલે પાછો ઘરે જતો રહ્યો હતો.’

દુકાને ખૂબ મોડો પહોંચ્યો
નાલાસોપારામાં રહેતા અને દાદર જતા વેપારી હિોરેન મહેતાએ કહ્યું હતું કે ‘સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ ટ્રેન પકડી હતી, પરંતુ ખૂબ જ ધીમી જઈ રહી હોવાથી બહુ ગિરદી થતાં લોકો લટકીને પ્રવાસ કરી રહ્યા હતા. હું દાદર અડધો કલાકથી વધુ મોડો પહોંચ્યો અને દુકાને આવતાં અને ખોલતાં પોણો કલાક મોડું થયું હતું.’ 

હૉસ્પિટલ જવાનું કૅન્સલ કર્યું
દહિસરથી મુંબઈ હૉસ્પિટલ જવા નીકળેલાં પ્રેમીલા રાઠોડે કહ્યું હતું કે ‘મેં ચેક-અપ માટે અપૉઇન્ટમેન્ટ લીધી હતી, પરંતુ પ્લૅટફૉર્મ પર ટ્રેન ખૂબ જ મોડી આવી રહી હતી અને જે આવી રહી હતી એ ફુલ થઈને આવતી હોવાથી સ્ટેશનથી પાછી ઘરે જતી રહી હતી.’

વિરારથી ચર્ચગેટની ટ્રેન-સર્વિસ મોડે સુધી અસરગ્રસ્ત રહી
ગઈ કાલે સવારના વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો પ્રવાસીઓથી ભરેલાં જોવા મળ્યાં હતાં અને વિરાર-ચર્ચગેટ ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાઈ જતાં સાંજે પણ લોકો ટ્રેનોની રાહ જોતા ઊભા રહેલા જોવા મળ્યા હતા. બપોરના ૧.૨૪ વાગ્યાની ચર્ચગેટ જતી ટ્રેન સવાબે વાગ્યા હોવા છતાં પ્લૅટફૉર્મ પર આવી નહોતી. આ ઉપરાંત બપોરે સાડાબાર વાગ્યાની વિરાર જતી એસી લોકલ ટ્રેન છેક બપોરે બે વાગ્યે પ્લૅટફૉર્મ પર આવી હતી. ટ્રેન-સર્વિસ ખોરવાઈ હોવાથી અનેક ઇન્ડિકેટર પર પણ કઈ ટ્રેન આવવાની છે એ દર્શાવાતું નહોતું. 

37
ગઈ કાલે વેસ્ટર્ન રેલવેઅે આટલી સર્વિસ રદ કરવી પડી હતી

western railway mumbai local train mumbai mumbai news churchgate nalasopara virar preeti khuman-thakur