midday

અમને અમારી જૂની ફ્લાઇંગ રાણી પાછી જોઈએ

27 July, 2023 09:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

નવી ફ્લાઇંગ રાણીથી પરેશાન થયેલા પ્રવાસીઓની ડિમાન્ડ : પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને વેસ્ટર્ન રેલવે દ્વારા ચાર સેકન્ડ ક્લાસ ચૅરકાર કોચને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ સાથે બદલવામાં આવ્યા
ફ્લાઇંગ રાણીમાં ટ્રાવેલ કરી રહેલા પ્રવાસીઓ

ફ્લાઇંગ રાણીમાં ટ્રાવેલ કરી રહેલા પ્રવાસીઓ

વેર્સ્ટન રેલવેની ઐતિહાસિક ટ્રેન ૧૨૯૨૧/૧૨૯૨૨ મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઇંગ રાણી એક્સપ્રેસના પારંપરિક રૅકને ૧૬ જુલાઈથી એલએચબી રૅકમાં બદલવામાં આવ્યા છે. જોકે જૂની ડબલ ડેકર રાણીએ પોતાની ઓળખ બદલી હોવાથી રેલવેના પ્રવાસીઓમાં પહેલેથી જ નારાજગી હતી. આ ટ્રેનના એક કોચમાં અંદાજે ૧૦૦ જેટલા ઓછા પ્રવાસીઓ પ્રવાસ કરી શકે એવી સ્થિતિ છે. પ્રવાસીઓના આક્ષેપ પ્રમાણે તેમની ફ્લાઇંગ રાણીને સેન્ટ્રલ રેલવેના જૂના કો‌ચથી બદલવામાં આવી છે. આ ઉપરાંત ઊભા રહેવાની જગ્યા ઓછી થતાં અને ભીડ વધુ હોવાથી પ્રવાસીઓને સફોકેશન પણ થતું હોવાની ફરિયાદ છે. એ સાથે ફાટેલાં કવરની અને છતથી પાણી લીક થવા જેવી સમસ્યાઓથી પ્રવાસીઓએ નારાજગી બતાવીને અમારી જૂની ફ્લાઇંગ રાણી પાછી આપો એવું કહ્યું છે.

આ સંદર્ભે રેલવે સાથે ટ્વીટ કરીને સતત સંવાદ કરનાર દહાણુ-વૈતરણા પ્રવાસ સેવાભાવી સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‌‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નવી ફ્લાઇંગ રાણીના ૨૧ કોચમાં ૧,૯૯૯ સીટ છે અને જ્યારે જૂની ડબલ ડેકરના ૧૯ કોચમાં ૧,૯૯૬ સીટ હતી. જોકે રેલવે ફક્ત સીટ પ્રમાણે ચાલી રહી છે, જ્યારે હકીકતમાં ઊભા રહીને વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જૂની ફ્લાઇંગ રાણીમાં એક કોચમાં બેસી અને ઊભા રહીને અંદાજે ૨૬૦ પ્રવાસીઓ પ્રવાસ કરી શકતા હતા, જ્યારે હાલમાં ફક્ત અંદાજે ૧૬૦ જ પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. એટલે એક કોચમાંથી ૧૦૦ પ્રવાસીઓ ઓછા પ્રવાસ કરે છે. આ ઉપરાંત આ ટ્રેનના દરવાજા આશરે અઢી ફુટ જેટલા છે, જ્યારે જૂનીમાં આશરે ચાર ફુટના દરવાજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં એ ભાગમાં ઊભા રહી શકતા હતા. પહેલાં સ્ટેશન પર ફ્લાઇંગ રાણી એકથી દોઢ મિનિટ ઊભી રહેતી હતી અને હવે ત્રણ મિનિટની આસપાસ ઊભી રહે છે ત્યારે પ્રવાસીઓ પ્લૅટફૉર્મ પર ઊતરી શકે છે.’

પ્રવાસીઓના મતે તેમને જૂની ફ્લાઇંગ રાણી જ જોઈએ છે એમ જણાવીને મહેશ પાટીલે કહ્યું હતું કે ‘રાજ્ય રેલવેપ્રધાન દર્શના જરદોશના હસ્તે નવી ટ્રેનનું ધામધૂમથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમ જ તેઓ જે કોચમાં પ્રવાસ કરીને આવ્યાં એ ૨૦૨૦નો નવો કોચ હતો એમાં બેઠાં હતાં, જ્યારે અન્ય કોચ સેન્ટ્રલની જૂની ટ્રેનોના છે. ફર્સ્ટ કલાસથી લઈને અન્ય કોચમાં ભીડ ખૂબ હોવાની સાથે પંખા પણ અનેક વખત બંધ થાય છે. કોચની સીટનાં કવર ફાટેલાં દેખાઈ આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે વરસાદમાં કોચમાંથી પાણી લીક થવા લાગ્યું હતું. ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસીઓ વધુ પૈસા ખર્ચે છે છતાં આરામ મળતો નથી. ત્યાં ૧૦૨ની સીટ છે અને ૧૭૫ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ટ્વીટ કરીને પ્રવાસીઓેને સર્વે દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેમને એલએચબી કોચવાળી કે જૂની ડબલ ડેકર કોચવાળી કે એલએચબી ડબલ ડેકર ફ્લાઇંગ રાણી સુ‌વિધાજનક છે? એમાંથી ફક્ત પાંચ જ ટકા પ્રવાસીઓએ એલએચબી કોચ ફ્લાઇંગ રાણીને મત આપ્યો હતો, જ્યારે સૌથી વધુ મત જૂની ડબલ ડેકર ફ્લાઇંગ રાણીને મળ્યા છે. એથી અમને અમારી જૂની ફ્લાઇંગ રાણી જ જોઈએ છે એવો પ્રવાસીઓનો મત હોવાથી અમે રેલવેમાં પણ એ વિશે પત્રવ્યવહાર શરૂ કર્યો છે.’

ફ્લાઇંગ રાણીની સમસ્યા માટે રેલવેને જાણ કરતાં જાગૃત રેલવે પ્રવાસી પ્રતીકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા માટે વધુ આરામદાયી અને વધુ પ્રવાસ કરી શકે એ જૂની ડબલ ડેકર જ છે. આ ટ્રેન વધુ હવાદાર છે અને મોકળાશ આપે છે. નવી ટ્રેનમાં લીકેજ થયું હોવાથી હવા પાસ થવાની જગ્યાએ પ્લા‌સ્ટિક બાંધીને રાખ્યું હોવાથી હવા પણ પાસ થતી નથી.’ 

પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને થયો બદલાવ
વેર્સ્ટન રેલવેના પ્રવાસીઓની માગણી અને મુસાફરીના અનુભવને વધુ આરામદાયી અને સુરક્ષામાં વધારો સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇંગ રાણીમાં બદલાવ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની માગને ધ્યાનમાં લઈને રેલવેએ હવે આજથી ટ્રેનના કોચની સંરચનામાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે વેસ્ટર્ન રેલવેના વરિષ્ઠ પ્રવક્તા સુમિત ઠાકુરએ કહ્યું હતું કે ‘૨૧ કોચ (પાવરકાર સહિત)ની આ ટ્રેનના કોચની સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટ્રેન હવે એસી ચૅરકારના બે કોચ, સેકન્ડ ક્લાસ સીટિંગના ૧૦ કોચ અને સેકન્ડ ક્લાસના સામાન્ય આઠ કોચની સાથે દોડશે.’

આરક્ષિત કોચ 
૨ એસી ચૅરકાર કોચ
સેકન્ડ ક્લાસ ચૅરકારના ૭ કોચ (D1થી D7)

અસુરક્ષિત કોચ
સેકન્ડ ક્લાસ ચૅરકારના ૩ કમ્પાર્ટમેન્ટ
સેકન્ડ ક્લાસ જનરલના ૩ કોચ
ફર્સ્ટ ક્લાસ એમએસટી પાસધારકો માટે નિર્ધારિત એક સેકન્ડ ક્લાસ જનરલ કોચ
સેકન્ડ ક્લાસ એમએસટી પાસધારકો માટે નિર્ધારિત બે સેકન્ડ ક્લાસ જનરલ કોચ 
મહિલાઓ માટે નિર્ધારિત એક સેકન્ડ ક્લાસ જનરલ કોચ
સેકન્ડ ક્લાસ એમએસટી મહિલા પાસધારકો માટે નિર્ધારિત એક સેકન્ડ ક્લાસ સામાન્ય કોચ 

રેલવેનું શું કહેવું છે?
વેસ્ટર્ન રેલવેનાં પબ્લિક ‌રિલેશન્સ ઑફિસર સ્મિતા રોસારિયોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ફ્લાઇંગ રાણીના કોચની સીટનાં કવર જે ફાટેલાં હતાં એ રિપેર કરવામાં આવ્યાં છે તેમ જ લીકેજ ‌વિશે સંબં‌ધિત વિભાગને જાણ કરાઈ હતી. પ્રવાસીઓની કોઈ પણ માગણી રેલવેના ડીઆરએમને આપવામાં આવતી હોય છે.’

mumbai local train indian railways surat mumbai mumbai news western railway preeti khuman-thakur