પશ્ચિમ રેલવે બની વધુ અત્યાધુનિક

28 February, 2023 08:49 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

એની ટ્રેનોના તમામ ટિકિટચેકરોને હૅન્ડ-હેલ્ડ ટર્મિનલ આપ્યાં : એની મદદથી તેઓ હવે ખાલી સીટ આરએસીના પૅસેન્જરોને ફાળવી શકશે તેમ જ વેઇટિંગ લિસ્ટના પૅસેન્જરો પણ તેમની સીટની પોઝિશનની માહિતી મેળવી શકશે : આરક્ષણ ચાર્ટ હવે બન્યો જૂનો અને આઉટડેટેડ

હૅન્ડ-હેલ્ડ ટર્મિનલ સાથે ટિકિટચેકર

મુંબઈ : રિઝર્વેશન સિસ્ટમ શરૂ થઈ ત્યારથી રિઝર્વેશન ચાર્ટ પ્રિન્ટ કરવાની અને ટ્રેન પર તેમ જ સ્ટેશનો પર એ ચોંટાડવાની પ્રથા ચાલી આવે છે. જોકે તમામ ટિકિટચેકરોના હાથમાં હૅન્ડ-હેલ્ડ ટર્મિનલ (એચએચટી) આવી જતાં પેપર પર પ્રિન્ટ કરાયેલા તથા કોચના દરવાજે ચોંટાડવામાં આવેલા રિઝર્વેશન ચાર્ટ હવે જૂના અને આઉટડેટેડ લાગે છે.

હવે પશ્ચિમ રેલવેની તમામ ૨૯૮ મેલ કે એક્સપ્રેસ ટ્રેનમાં એચએચટી આપવામાં આવ્યાં છે. મેલ કે એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરતા તમામ ૧,૩૮૫ ટિકિટ ચેકિંગ સ્ટાફને એચએચટી આપવામાં આવ્યાં છે તેમ જ પશ્ચિમ રેલવેમાંથી પસાર થતી અન્ય રેલવેની ટ્રેનોને પણ પશ્ચિમ રેલવેના ટિકિટચેકર્સ દ્વારા એચએચટીની મદદથી તપાસવામાં આવે છે એમ પશ્ચિમ રેલવેની ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

એચએચટીની સહાયથી ટિકિટચેકર ખાલી સીટ આરએસી (રિઝર્વેશન અગેઇન્સ્ટ કૅન્સલેશન)ના પૅસેન્જરોને ફાળવી શકે છે તેમ જ વેઇટિંગ લિસ્ટના પૅસેન્જરો પણ તેમની સીટની પોઝિશનની માહિતી મેળવી શકે છે. જીપીઆરએસની મદદથી એચએચટી પીઆરએસને સીટની રિયલ ટાઇમ માહિતી શૅર કરી શકે છે અને એના આધારે પાછળનાં સ્ટેશનો પર વેઇટિંગ લિસ્ટના મુસાફરોને સીટ ફાળવી શકાય છે એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે આ વ્યવસ્થા કઈ રીતે ઉપયોગી છે એ સમજાવતાં સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘જો કોઈ મુસાફર ટ્રેન બોર્ડ કરવામાં નિષ્ફળ જાય કે રિઝર્વેશન ચાર્ટ બનતાં પહેલાં સીટ કૅન્સલ કરે તો ભારતીય રેલવે પોતાની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

એચએચટી સીટ અલૉટમેન્ટ સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવા સાથે સિસ્ટમમાં રહેલી બોજારૂપ મૅન્યુઅલ પ્રક્રિયાઓ પણ દૂર કરે છે. એચએચટીને અમલમાં મૂકવા સાથે રિઝર્વેશન ચાર્ટ પ્રિન્ટ કરવાની પદ્ધતિ જૂની થઈ છે. આમ પેપરલેસ કામકાજ સરળ બન્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેએ ૨૦૧૮માં ઑગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં સૌપ્રથમ વાર એચએચટી ઉપકરણો રજૂ કર્યાં હતાં તથા આજે ૨૦૨૩ સુધીમાં તમામ ટ્રેનોમાં એચએચટી પૂરાં પાડ્યાં છે.

mumbai mumbai news western railway