27 April, 2023 08:57 AM IST | Mumbai | Rajendra B Aklekar
વેસ્ટર્ન રેલવેએ લોકો ટ્રૅક ક્રૉસ ન કરે એ માટે ‘મિશન યમરાજ’ કૅમ્પેન શરૂ કર્યું છે
૧૨ એપ્રિલે ‘મિડ-ડે’નો રિપોર્ટ હતો કે ૨૦૨૨-’૨૩ દરમ્યાન બોરીવલીમાં ટ્રૅક ક્રૉસ કરતાં સૌથી વધારે મૃત્યુ થયાં છે. હવે રેલવેએ કહ્યું કે એણે ટ્રૅક ક્રૉસ કરનારા ૬,૬૦૦ લોકો સામે કાર્યવાહી કરી છે, ૨૧ બાઉન્ડરી વૉલ વચ્ચેના ગૅપને ભર્યો છે અને ૮.૬૯ કિલોમીટરની વેસ્ટર્ન રેલવે સ્ટ્રેચ સાથે નવી દીવાલ બનાવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘અતિક્રમણના જોખમને રોકવા માટે પશ્ચિમ રેલ્વેએ ‘ઝીરો ડેથ મિશન’ની પહેલ અપનાવી છે. આ પહેલનું ધ્યેય અતિક્રમણની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવાનું અને મુખ્યત્વે મુંબઈના ઉપનગરીય વિભાગમાં એને કારણે થતી જાનહાનિને ઘટાડવાનું છે.’
એ અંતર્ગત શું કરવામાં આવ્યું છે એની વિગતો આપતાં સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘સ્ટેશન પર મુસાફરોના પ્રવાહને સરળ બનાવવા અને ટ્રેસપાસિંગ ટાળવા ૨૦૨૨-’૨૩ દરમ્યાન મુંબઈ ઉપનગરમાં ૧૩ ફુટઓવર બ્રિજ શરૂ કરવામાં આવ્યા હતા, જેની સંખ્યા અત્યારે ૧૪૬ થઈ ગઈ છે. એ જ રીતે આ સમયગાળા દરમ્યાન ૧૮ એસ્કેલેટર અને ૧૫ લિફ્ટ શરૂ કરવામાં આવી છે, જે આંકડો અત્યારે ૧૦૪ એસ્કેલેટર અને ૪૯ લિફ્ટ સુધી પહોંચી ગયો છે.’
તેમણે જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મની હાઇટ અને કોચના દરવાજા વચ્ચેના અંતરને ઘટાડવા પ્લૅટફૉર્મની ઊંચાઈ પણ વધારવામાં આવી છે. આનાથી મુસાફરો સુરક્ષિત રીતે ટ્રેનમાં ચડી-ઊતરી શકશે. એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર લોકો ક્રૉસ ન કરી શકે એ માટે બે ટ્રૅક વચ્ચે પૂરતી ઊંચાઈની ડિવાઇડર ફેન્સિંગ આપવામાં આવી છે. પૅસેન્જરોને સાવધાન કરવા માટે પ્લૅટફૉર્મના અંતે વૉર્નિંગ બોર્ડ્સ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત આરપીએફના જવાનો દ્વારા જાગૃતિ માટે સ્ટેશનમાં મેગાફોન દ્વારા નિયમિત જાહેરાત કરવામાં આવે છે. તબીબી કટોકટીને પહોંચી વળવા માટે તમામ ઉપનગરીય સ્ટેશનોમાં ૨૪ કલાક ઍમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ટ્રેસપાસિંગનું બીજું કારણ રેલવે-ટ્રૅક પરનું અતિક્રમણ છે. એ અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ નિયમિત હાથ ધરવામાં આવી રહી છે. ૨૦૨૨-’૨૩ના સમયગાળા દરમ્યાન વિવિધ સ્થળોએથી ૧,૪૦૦થી વધુ અતિક્રમણો દૂર કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં લોકોને રેલવે-ટ્રૅક ઓળંગતા અટકાવવા માટે ટ્રૅકની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીની આગળ ચેતવણીનાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે.’
સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘આ બધા ઉપરાંત જનજાગૃતિનાં અનેક અભિયાનો કરવામાં આવ્યાં છે. જેમ કે સચિન તેન્ડુલકર, જૉન એબ્રાહમ, જૅકી શ્રોફ જેવી સેલિબ્રિટીઝ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવી, એનજીઓ સાથે મળીને ઝુંબેશ ચલાવવી; એસએમએસ, ટીવી ચૅનલો પર અનાઉન્સમેન્ટ દ્વારા અવેરનેસના મેસેજ પ્રસારિત કરવા વગેરે.’
આ ઉપરાંત વેસ્ટર્ન રેલવેના આરપીએફ વિભાગે ‘મિશન યમરાજ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું છે, જેની ટ્રેસપાસિંગ કરનારાઓ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો દાવો આ વિભાગે કર્યો છે. આ કૅમ્પેનમાં આરપીએફ/એમએસએફ સ્ટાફ યમરાજ જેવાં કપડાં પહેરીને પૅસેન્જરોને પકડે છે અને તેમને સલાહ આપે છે. ઉપરાંત તેમને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. ૬,૬૦૦ વ્યક્તિઓ સામે થયેલી કાર્યવાહીમાં ૧૪.૫૪ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચર્ચગેટ-અંધેરી સ્ટેશન પર યુનિસેક્સ સલૂન ખૂલશે
વેસ્ટર્ન રેલવે હવે પૅસેન્જરો માટે સલૂન સર્વિસ શરૂ કરવાની છે. યુનિસેક્સ સલૂન સર્વિસનો કૉન્ટ્રૅક્ટ નૉન-ફેર રેવન્યુ હેઠળ ઈ-ઑક્શન લીઝિંગ મૉડ્યુલ અંતર્ગત આપવામાં આવ્યો છે. આ સેવા થકી રેલવેની રેવન્યુમાં પણ વધારો થશે. બન્ને કૉન્ટ્રૅક્ટ એપ્રિલ ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૬ સુધીનાં ત્રણ વર્ષના સમયગાળા માટે આપવામાં આવ્યા છે.
સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘અંધેરી સ્ટેશનની એલિવેટેડ ડેક પર ૩૨૦ ચોરસ ફુટ જગ્યા ફાળવવામાં આવી છે, જેની વાર્ષિક લાઇસન્સ-ફી ૯.૭૦ લાખ રૂપિયા છે અને કૉન્ટ્રૅક્ટની વૅલ્યુ ૨૯.૧૦ લાખ રૂપિયા છે. એ જ રીતે ચર્ચગેટ સ્ટેશન પર ૩૮૮.૫૦ ચોરસ ફુટનો વિસ્તાર કૉન્કૉર્સ હૉલ ખાતે ફાળવવામાં આવ્યો છે, જેની વાર્ષિક લાઇસન્સ-ફી ૨૨.૫૦ લાખ રૂપિયા અને કૉન્ટ્રૅક્ટની વૅલ્યુ ૬૭.૫૦ લાખ રૂપિયા છે.’