03 April, 2023 09:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: વેસ્ટર્ન રેલવે
પશ્ચિમ રેલવે (Western Railway)એ સોમવારે તેની પોતાની `યાત્રી` એપ (Yatri App) લોન્ચ કરી છે, જે મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓ માટે લાઈવ-ટ્રેકિંગ એપ્લિકેશન છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “પશ્ચિમ રેલવેનું મુંબઈ ડિવિઝન મુંબઈગરા માટે તેમની લાઈવ-ટ્રેકિંગ એપ્લિકેશન શરૂ કરવા તૈયાર છે, જેથી તેઓ દૈનિક મુસાફરી માટે તેમની લોકલ ટ્રેનોને ટ્રેક કરી શકે.”
‘યાત્રી’ એપ મુંબઈની અધિકૃત લોકલ એપ છે. આ એપ મેસર્સ સીડીપી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી બનાવવામાં આવી છે. દરરોજ સ્થાનિક મુસાફરો 5મી એપ્રિલ, 2023થી એપ પર વેસ્ટર્ન રેલવેની મુંબઈ લોકલ ટ્રેનો માટે લાઇવ-ટ્રેકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, મોબાઇલ એપ્લિકેશન પ્રવાસીઓને તેમની આંગળીના ટેરવે તેમની મુસાફરી પ્લાન કરવામાં મદદ કરશે. પશ્ચિમ રેલવેએ તેના તમામ EMU રેકમાં જીપીએસ ટ્રેકિંગ ઉપકરણો મૂક્યા છે જે એપને લોકલ ટ્રેનોનું રિઅલ-ટાઇમ લોકેશન પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. મુસાફરોને `ટ્રેન લાઇવ અપડેટ્સ` અને `જાહેરાત` સંબંધિત અધિકૃત માહિતી મળશે. મુસાફરોને નવું સમયપત્રક, મુખ્ય રેલવે સ્ટેશનના નકશા જેવી વિવિધ સુવિધાઓ આ એપ દ્વારા મળશે. એપ વધારાની માહિતી પણ પૂરી પાડે છે જેમ કે નજીકના આકર્ષણો, મુંબઈ મેટ્રો, બસો વગેરે.
ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે “પ્રવાસીઓ માત્ર નકશા પર ટ્રેનનું લાઇવ લોકેશન મેળવી શકશે નહીં, પરંતુ તેને આગળ વધતા પણ જોઈ શકશે. માત્ર 3 સરળ સ્ટેપ્સમાં, મુસાફરો લાઈવ લોકેશન જોઈ શકે છે. પ્રવાસીઓ નકશા પર સીધા જ નજીકના સ્ટેશનો શોધી શકે છે, સોર્સ સ્ટેશન ટાઈપ કરી અને તેમની પસંદગીની લોકલ ટ્રેનને ટ્રેક કરી શકે છે. હવે મુસાફરી જાણી શકશે કે ટ્રેન સ્ટેશનથી કેટલી દૂર છે.”
આ પણ વાંચો: Mumbai Local: પશ્ચિમ રેલવેએ શરૂ કરી વધુ સેવાઓ, જુઓ નવું ટાઇમટેબલ
ઉલ્લેખનીય છે કે એપ દિવ્યાંગજન માટે પણ અનુકૂળ હશે. દિવ્યાંગ મુસાફરો કે જેઓ ફોનને વોઈસ કમાન્ડ દ્વારા ઓપરેટ કરે છે, તેઓ ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા તેમની ટ્રેનનું લાઈવ લોકેશન સરળતાથી શોધી શકે છે.