બહારગામની ટ્રેન આવે ત્યારે જ કેમ બોરીવલી સ્ટેશન પર એસ્કેલેટર બંધ થઈ જતાં હોય છે?

18 January, 2025 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જાણીબૂજીને કરવામાં આવતું હોવાનું મુસાફરોને લાગે છે, પણ રેલવેનું કહેવું છે કે મોટા ભાગે લોકોના અટકચાળાને લીધે આવું થાય છે

બોરીવલી સ્ટેશન પર એસ્કેલેટર

ગુજરાત સહિત નૉર્થ ઇન્ડિયામાંથી આવતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં અનેક પ્રવાસીઓ બોરીવલી ઊતરતા હોય છે. જ્યારે આ ટ્રેનો આ‍વે ત્યારે ચાલુ રહેતાં એસ્કેલેટર બંધ થઈ જતાં હોય છે અને એને લીધે પ્રવાસીઓને હેરાનગતિ ભોગવવી પડતી હોય છે. એમાં પણ સામાન સાથે, સિનિયિર સિટિઝનો અને બાળકો સાથે ઊંચા બ્રિજ ચડવામાં મુશ્કેલી પડતી હોવાથી નાછૂટકે કૂલીની સર્વિસ લેવી પડે છે અને તે લોકો પોતાની મરજી મુજબ પૈસા લેતા હોય છે એવા આક્ષેપ પૅસેન્જરો કરી રહ્યા છે અને એ બાબતે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે આ મુદ્દે બોરીવલી સ્ટેશનના સ્ટેશન-માસ્ટર અને રેલવે-અધિકારીઓનું કહેવું છે કે ‘લોકો અટકચાળાં કરે છે. એમાં પણ નાના છોકરાઓ એસ્કેલેટરની શરૂઆતમાં મુકાતું ઇમર્જન્સી માટેનું લાલ બટન દાબી દેતા હોય છે એટલે એસ્કેલટર અટકી જતાં બધાએ હેરાનગતિ ભોગવવી પડે છે.’

સૌરાષ્ટ્ર પૅસેન્જર અસોસિએશનના સેક્રેટરી નીતિન વોરાને થોડા દિવસ પહેલાં આવો જ અનુભવ થયો હતો. તેઓ તેમના સંઘના કુલ ૯૦ પ્રવાસીઓ સાથે બોરીવલી પર ઊતર્યા બાદ પાંચ જ મિનિટમાં એસ્કેલેટર બંધ થઈ ગયું હતું. એના કારણે સિનિયર સિટિઝનો અને અન્યોને બહુ જ હાડમારી ભોગવવી પડી હતી. ત્યાર બાદ તેમણે આ બાબતે સ્ટેશન-માસ્ટરને ફરિયાદ કરી હતી અને લોકોની હાડમારી ઓછી થાય એ માટે પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

એસ્કેલેટર બંધ થઈ જવાની આ સમસ્યા બાબતે બોરીવલી રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટર સુધીર મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી સ્ટેશન પર કુલ ૧૧ એસ્કેલેટર છે. મોટા ભાગે લોકોનાં અટકચાળાંને લીધે જ એ બંધ થઈ જતાં હોય છે. અમુક વખતે ટેક્નિકલ ફૉલ્ટ પણ આવતો હોય છે. આ જ કારણસર અમે એક માણસ રાઉન્ડ ધ ક્લૉક રાખ્યો છે જે એસ્કેલેટર બંધ પડી જાય ત્યારે ત્યાં જઈને ચાવીની મદદથી એ ચાલુ કરતો હોય છે, પણ એમાં થોડો સમય લાગતો હોય છે.’

બોરીવલીનું દરેક એસ્કેલેટર દિવસમાં -૧૦ વાર બંધ થઈ જાય છે

એસ્કેલેટર અને લિફ્ટના ઑપરેશન્સનું અંધેરીથી મૉનિટરિંગ કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિ​વિઝનમાં કુલ ૧૨૨ એસ્કેલેટર લગાડવામાં આવ્યાં છે. મોટા જંક્શન પર એક કર્મચારી અને નાના બેથી ત્રણ સ્ટેશન વચ્ચે એક કર્મચારી એને ઑપરેટ કરવા રાખવામાં આવ્યો છે  એમ જણાવતાં સિનિયિર સેક્શન એન્જિનિયર ખેમરાજ મીણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં એસ્કેલેટર બંધ થવાની ઘણી ઘટનાઓ બને છે. બોરીવલીનાં કુલ ૧૧ એસ્કેલેટરમાંનું દરેક એસ્કેલેટર દિવસમાં ૮-૧૦ વખત બંધ થઈ જાય છે. મોટા ભાગના કેસમાં એ કોઈની મસ્તીને લીધે બંધ થઈ  જતું હોય છે. લોકો લાલ બટન દબાવી દેતા હોવાથી હવે અમે લોકોમાં જાગૃતિ લાવવા દર પંદર મિનિટે અનાઉન્સ પણ કરાવીએ છીએ કે એ લાલ બટન ફક્ત ઇમર્જન્સી વખતે દાબો, અન્યથા એ દાબશો તો તમારે જ હેરાન થવું પડશે.’

કૂલીઓનું કારસ્તાન?
અમુક મુસાફરોનો આરોપ છે કે બહારગામની ગાડી આવતી હોય છે ત્યારે અમુક કૂલીઓ જાણીબૂજીને એસ્કેલેટર બંધ કરી દેતા હોય છે, પણ આ આક્ષેપ વિશે રેલવેએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

mumbai railways indian railways borivali saurashtra mumbai news mumbai news