આજથી પાંચમી નવેમ્બર સુધી રોજ ૨૦૦ લોકલ રહેશે કૅન્સલ

27 October, 2023 07:20 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ખારથી ગોરેગામ વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી પ્રવાસીઓએ ભોગવવી પડી શકે છે હાડમારી

જે ટ્રેન કૅન્સલ થઈ હશે એની માહિતી આ રીતે ‘યાત્રી’ ઍપ પર મળી રહેશે

વેસ્ટર્ન રેલવેએ ખાર અને ગોરેગામ વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાની હોવાથી આજે ૨૭ ઑક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી મેગા બ્લૉકનું કામ હાથ ધર્યું છે ત્યારે રોજની ઍવરેજ ૨૦૦ લોકલ ટ્રેન કૅન્સલ થવાની છે એટલે મુંબઈગરાઓએ પોતાનો સમય સાચવવા કાળજી રાખવી પડશે અને કામધંધે-નોકરીએ જવા માટે સહેજ વહેલા નીકળવું પડશે.  

વેસ્ટર્ન રેલવે દરરોજ ૧૩૯૪ ટ્રેન દોડાવે છે. આજે અને આવતી કાલની ૨૫૬ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે; જેમાં વિરાર-દહાણુ જતી ૧૨૯ ટ્રેન અને ચર્ચગેટ જતી ૧૨૭ ટ્રેનનો સમાવેશ છે, જ્યારે રવિવારે વિરાર-દહાણુ જતી ૧૧૬ અને ચર્ચગેટ જતી ૧૧૪ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે. સોમથી શુક્રવાર દરમ્યાન વિરાર-દહાણુ જતી ૧૫૮ અને ચર્ચગેટ જતી ૧૫૮ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે આવતા શનિવારે વિરાર જતી ૪૬ અને ચર્ચગેટ જતી ૪૭ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે અને રવિવારે વિરાર જતી ૫૪ તથા ચર્ચગેટ જતી ૫૬ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે.

આ છઠ્ઠી લાઇનને કારણે પાંચમી નવેમ્બર પછી મુંબઈગરાઓને એ ફાયદો થવાનો છે કે મેલ-એક્સપ્રેસ ટ્રેન જે હાલ ફાસ્ટ ટ્રૅક પર દોડે છે એ ૫ અને ૬ નંબરના ટ્રૅક પર દોડશે. એથી ફાસ્ટ ટ્રૅકની વિરાર અને ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લોકલોને પણ ઓછા ​સિગ્નલને કારણે વધુ ઝડપ મળી શકશે અને લોકોનો પ્રવાસનો સમય બચશે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પ​બ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુસાફરોને કૅન્સલ કરાયેલી ટ્રેનોની માહિતી, લાઇવ અપડેટ્સ આગલા દિવસે ‘યાત્રી’ ઍપ પર મળી શકશે. જો મુસાફરો તેમની ઍપ પર ચોક્કસ ટ્રેનને ફેવરિટ તરીકે માર્ક કરશે તો તેને એ ટ્રેનની કૅન્સલેશનની વિગત જોવા મળશે, એટલું જ નહીં, ‘કમ્યુટ ન્યુઝ’માં લેટેસ્ટ માહિતી અપડેટ થતી રહેશે જેને કારણે લોકો તેમનો પ્રવાસ કઈ રીતે સરળતાપૂર્વક થઈ શકશે એનો પ્લાન કરી શકશે.’

1394
વેસ્ટર્ન રેલવે દરરોજ આટલી સર્વિસ ચલાવે છે.

western railway mumbai local train goregaon khar mega block mumbai mumbai news rajendra aklekar