૩૦ જ દિવસમાં ૩૫ લાખ લગ્ન ૪.૫ લાખ કરોડ રૂપિયાનો વેપાર

20 September, 2024 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુઓ કેવી રહેવાની છે આગામી લગ્નસરા

પ્રતીકાત્મક તસવીર

દિવાળી પછી લગ્નસરાની મોસમ છે અને ૩૦ દિવસમાં આખા દેશમાં ૩૫ લાખ જેટલાં લગ્ન લેવાવાનાં છે એટલે ખરીદી પણ હવે ચાલુ થઈ ગઈ હોવાથી ઑલઓવર માર્કેટમાં ધૂમ ખરીદી થઈ રહી છે. આ લગ્નસરામાં ૪.૫ લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની શક્યતા છે. જ્વેલરી, કપડાં, હોટેલ-બુકિંગ, કેટરિંગ, ટ્રાવેલ એમ અનેક ઇન્ડસ્ટ્રીમાં એને કારણે વેપાર થઈ રહ્યો છે એમ બૅન્ક સ્ટૉક ઇન્વેસ્ટમેન્ટ સ્પેશ્યલિસ્ટ પી. એલ. (પ્રભુદાસ લીલાધર) કૅપિટેલે એના રિપોર્ટમાં જણાવ્યું છે.

​રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લગ્નની મુખ્ય ખરીદી ગણાતા સોનામાં પણ સારીએવી ખરીદી નીકળી છે. એમાં પણ સરકારે જુલાઈ મહિનામાં સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી જે પહેલાં ૧૫ ટકા હતી એ ૯ ટકા ઘટાડીને ૬ ટકા કરી નાખી છે જેને કારણે હાલની તહેવારોની સીઝનમાં અને લગ્નની ખરીદીમાં પણ સોનાની ખરીદી ચાલુ થઈ ગઈ છે. ઑર્ડર બુક થવા માંડ્યાં છે અને શુભ મુરતે એમની ડિલિવરી પ્લાન કરાઈ રહી છે.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ​ઇન્ડિયા ટ્રેડર્સના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ૪૨ લાખ લગ્ન થયાં હતાં અને એમાં ૫.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે નવેમ્બર- ડિસેમ્બરમાં હવે ૩૫ લાખ લગ્ન યોજાવાનાં છે. એથી સોના અને કપડાં સાથે ગુડ્સ ઍન્ડ સર્વિસ ઇન્ડસ્ટ્રી જેવી કે હોટેલ, ઍરલાઇન્સ અને ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ વેપાર નીકળ્યો છે. 
ડેસ્ટિ‌નેશન વેડિંગને સરકાર પણ પ્રમોટ કરી રહી છે લગ્નમાં લોકો ધૂમ ખર્ચો કરતા હોવાથી સરકાર હવે ઇન્ડિયાને ડેસ્ટિનેશન વેડિંગ માટે પ્રમોટ કરી રહી છે. 

diwali maharashtra news mumbai mumbai news