રાતે ગરમી વધશે, ચોમાસુંય લંબાશે, પણ નો પાણીકાપ

06 June, 2023 10:22 AM IST  |  Mumbai | Dipti Singh

હાલમાં અરબી સમુદ્રમાં જે પ્રકારની પિરિસ્થિતિ સર્જાઈ રહી છે એ જોતાં આવનારા ચારથી પાંચ દિવસમાં મુંબઈ સહિત કોંકણ કિનારે સાઇક્લોન સર્જાય એવી શક્યતા છે, જે તમામ ભેજ પોતાનામાં ખેંચી લેશે અને આને લીધે ચોમાસું લંબાઈ જશે

મુંબઈમાં ગરમી સાથે બફારો વધી રહ્યો છે અને એનું કારણ છે વાદળછાયું વાતાવરણ. માહિમમાં આકાશમાંનાં કાળાં વાદળો આમ તો ચોમાસાના આગમનનો સંકેત હોવો જોઈએ છતાં મોન્સૂનની હજી રાહ જોવી પડશે એવો વરતારો છે (તસવીર : આશિષ રાજે)

વત્તા રાતે ગરમી ખાસ્સી વધશે છતાં રાજ્ય સરકારે બીએમસી રિઝર્વ ક્વોટામાંથી પાણી લેવાની હા પાડતાં હાલ પાણીકાપ નહીં થાય

મોસમ વિભાગ અને વાતાવરણ પર નજર રાખી એનો અભ્યાસ કરી બ્લૉગ લખનાર રાજેશ કાપડિયાએ કહ્યું છે કે હાલ અરબી સમુદ્રમાં જે પ્રકારની પિરિસ્થિતિ સર્જાઈ રહી છે એ જોતાં આવનારા ચારથી પાંચ દિવસમાં મુંબઈ સહિત કોંકણ કિનારે સાઇક્લોન સર્જાય એવી શક્યતા છે. જોકે એ સાઇક્લોન ઉત્તર પશ્ચિમ તરફ ફંટાવાની શક્યતા હોવાથી મુંબઈ કે કોંકણને બહુ માઠી અસર થાય એવું હાલ નથી લાગી રહ્યું. જોકે એ સાઇક્લોન હાલ જે ભેજ છે એ બધો ખેંચી લેશે અને પોતાની સાથે એને આગળ લઈ જશે. એથી મૉન્સૂનને તૈયાર કરતાં પરિબળોને જમા થવામાં બીજું અઠવાડિયું નીકળી જશે અને એ પછી ૧૫ જૂન પછી મૉન્સૂન ઍક્ટિવ થાય એવી સંભાવના છે.

મોસમ વિભાગે કહ્યું છે કે હાલ રાત્રીના તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે રાતે સાંતાક્રુઝમાં ૨૯.૫ ડિગ્રી અને કોલાબામાં ૨૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સામાન્યપણે દિવસના સમયે ભારે તાપ પછી રાતના સમયે પારો નીચે ઊતરે છે જેના કારણે શરીરને આરામ મળે છે. જો રાતના પણ ઊંચું તાપમાન હોય તો એના કારણે શરીરમાં હીટ સ્ટ્રેસ રહે છે જે નુકસાનકારક છે. હવે જ્યારે મૉન્સૂન સેટ થશે ત્યારે જ આમાંથી છૂટકારો મળી શકશે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં ૧ જૂને મોસમ દસ્તક દેવાનો હતો. જોકે એ પછી એ માટેનાં પરિબળો ન સર્જાતાં એ ડેટ લંબાઈને ૪ જૂન કરાઈ હતી. હજી પણ જોઈએ એવાં સકારાત્મક પરિબળો નિર્માણ નથી થયાં અને વધુ ચાર-પાંચ દિવસ લાગે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અરબી સમુદ્ર પરથી વાતા પશ્ચિમના પવનો હવે ધીમે-ધીમે વધી રહ્યા છે જેના કારણે વાદળો પણ બંધાઈ રહ્યાં છે. જેમ-જેમ પવન વધતા જશે એમ મૉન્સૂનની ઝડપમાં વધારો થશે. 

mumbai mumbai news Weather Update mumbai weather mumbai monsoon mumbai rains