17 January, 2023 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રવિવારે મુંબઈમાં આ શિયાળુ સીઝનમાં સૌથી નીચું તાપમાન નોંધાયા બાદ આજથી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સાથે વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરમાં આવેલા હિમાલયથી પશ્ચિમ તરફ ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને લીધે આજથી ત્રણ દિવસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ રહેશે અને કેટલાંક સ્થળે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગની માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં હિમાલયના પર્વતમાં સતત સ્નોફૉલ થઈ રહ્યો છે, જેને લીધે મહારાષ્ટ્ર સહિત આસપાસનાં રાજ્યોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ઠંડો પવન ફૂંકાવાની તીવ્રતામાં વધારો થયો છે એટલે આજથી ૨૦ જાન્યુઆરી સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઠંડી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે.
મુંબઈમાં છેલ્લા બે દિવસમાં ૧૩.૮ ડિગ્રી અને થાણેમાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું રહ્યું હતું. નીચા તાપમાનની સાથે જોરદાર ફૂંકાઈ રહેલા ઠંડા પવનને લીધે તાપમાન કરતાં પણ વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હિમાલયમાં શરૂ થયેલા બરફના તોફાનને લીધે હવા પશ્ચિમ તરફ ફૂંકાઈ રહી છે એટલે આવું વાતાવરણ નિર્માણ થયું છે. આગામી પાંચ દિવસ ખરાબ હવામાન રહેશે. એમાં ત્રણ દિવસ અત્યારે છે એનાથી પણ વધુ ઠંડી અનુભવાશે, એમ વેધશાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
હવામાન વિભાગની માહિતી મુજબ આ વર્ષે જાન્યુઆરી મહિનાથી ઉત્તરથી પશ્ચિમ તરફ ફૂંકાઈ રહેલા ઠંડા પવનથી દિલ્હીથી લઈને રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં ચારેક ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું છે. બીજું, હિમાલયની પવર્તમાળામાં આ વર્ષે મોટા પ્રમાણમાં બરફનો વરસાદ પડી રહ્યો છે. આથી પણ વધુ ઠંડી અનુભવાઈ રહી છે.
આજે અને આવતી કાલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. એટલે આગામી ત્રણ દિવસમાં પારો આ સીઝનમાં સૌથી નીચો નોંધાઈ શકે છે.