19 May, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે દોસ્તી છે એવા સતત આરોપ લાગી રહ્યા છે એવા મુદ્દે ટીવી-ચૅનલ આજ તક દ્વારા વડા પ્રધાનની મુલાકાત વખતે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં સંપત્તિસર્જકોને ઇજ્જત મળવી જોઈએ, તેમને પ્રતિષ્ઠા મળવી જોઈએ.
આપણા દેશના વેલ્થ-ક્રીએટર્સ દેશનું ગૌરવ છે એમ જણાવીને સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં મોદીએ કહ્યું હતું કે તેમની ઇજ્જત થવી જોઈએ અને તેઓ આપણા દેશમાં આગળ વધી શકે એવું વાતાવરણ પૂરું પાડવું એ આપણું કમિટમેન્ટ હોવું જોઈએ.
વડા પ્રધાન ઇચ્છે છે કે આપણા દેશની કંપનીઓએ દુનિયાભરમાં દુકાનો ખોલવી જોઈએ, જોકે જો કોઈએ ચોરી કે બેઈમાનીથી સંપત્તિ મેળવી હોય તો એવા લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ. દેશના સમર્થ અને સામર્થ્યવાન લોકોની ઇજ્જત વધારવી જોઈએ એમ જણાવીને મોદીએ ઉમેર્યું હતું કે ‘હું તો લાલ કિલ્લા પરથી કહું છું કે દેશમાં વેલ્થ-ક્રીએટર્સની ઇજ્જત કરવામાં આવે. હું જેટલા પૂજ્યભાવથી એક શ્રમિકના પસીનાની ચિંતા કરું છું એટલા પૂજ્ય ભાવથી પૂંજીપતિના પૈસાનું પણ મહત્ત્વ સમજું છું.’
વડા પ્રધાન પર અદાણી-અંબાણીની સરકારનાં જે લેબલ લગાડવામાં આવે છે એ મુદ્દે બોલતાં મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનો આ સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ છે. તેમને એવી ચિંતા છે કે જો મોદી સતત ત્રીજી વાર ચૂંટાઈ આવશે તો તેઓ નેહરુની સમકક્ષ થઈ જશે. મારા પર પડતી ગાળો પણ તેમણે ક્યાંકથી ચોરેલી છે. મારા પર આરોપ એટલા માટે લગાવવામાં આવે છે, કારણ કે નેહરુ પર પણ બિરલા-તાતાની સરકારના આરોપ લાગતા હતા.’