મહિલા મુસાફરોને લોકલ ટ્રેનમાં થતી સમસ્યાઓના મુદ્દા ઉઠાવીશું:મહિલા પંચનાં અધ્યક્ષ

25 May, 2023 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર વિમેન્સ (એમએસસીડબ્લ્યુ)નાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરે જણાવ્યું છે કે તેઓ સબર્બન રેલવે ઍડ્મિનિસ્ટ્રેશન પાસે મહિલા મુસાફરોને પડતી સમસ્યાઓ અને લોકલ ટ્રેનોમાં તેમના માટે વધુ સીટો તથા કોચ સહિતની તેમની વિવિધ માગણીઓને..

મહિલા મુસાફરોને લોકલ ટ્રેનમાં થતી સમસ્યાઓના મુદ્દા ઉઠાવીશું

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર વિમેન્સ (એમએસસીડબ્લ્યુ)નાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરે જણાવ્યું છે કે તેઓ સબર્બન રેલવે ઍડ્મિનિસ્ટ્રેશન પાસે મહિલા મુસાફરોને પડતી સમસ્યાઓ અને લોકલ ટ્રેનોમાં તેમના માટે વધુ સીટો તથા કોચ સહિતની તેમની વિવિધ માગણીઓને લઈને ફૉલોઅપ લેશે.
ચાકણકરે મંગળવારે થાણેમાં ‘વિમેન્સ કમિશન ઍટ યૉર ડોરસ્ટેપ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. તેમણે કાર્યસ્થળ પર મહિલાઓની સતામણી રોકવા માટે ત્રણ મહિનાની અંદર જિલ્લાની દરેક સરકારી અને ખાનગી કચેરીઓમાં મહિલા ફરિયાદ નિવારણ સમિતિની સ્થાપના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અહીં યોજાયેલી સુનાવણી દરમ્યાન કુલ ૧૭૪ ફરિયાદો મળી હતી અને આ ઉદ્દેશથી રચવામાં આવેલી વિવિધ પેનલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ચાકણકરે વધુમાં જણાવ્યાં મુજબ, મહિલા રેલવે પૅસેન્જર્સ અસોસિએશનનું એક પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કસારા અને કર્જત સુધીની લોકલ ટ્રેનોમાં તેમના માટે સીટો અને કોચની સંખ્યામાં વધારો કરવા જેવી માગણીઓનું મેમોરેન્ડમ આપ્યું હતું. પ્રતિનિધિમંડળે મહિલા કોચમાં સીસીટીવી, મુસાફરી દરમ્યાન તેમની સલામતી માટે વધુ પોલીસ-કર્મચારીની તહેનાતી, હિરકણી રૂમ (સ્તનપાન કરાવતી માતાઓ માટે) જેવી સુવિધાઓ અને તમામ સ્ટેશનો પર શૌચાલયની પણ માગણી કરી હતી.
ચાકણકરે જણાવ્યું હતું કે ‘મુંબઈ અને થાણે જિલ્લામાં દરરોજ કામ માટે મુસાફરી કરતી લાખો મહિલાઓની આ માગણીઓને રેલવે વહીવટી તંત્ર હકારાત્મક રીતે લે છે કે નહીં એની ખાતરી કરવા કમિશન એનું ફૉલો-અપ લેશે. રાજ્યમાંથી ગુમ થનારી સંખ્યાબંધ મહિલાઓ ગંભીર ચિંતાનો વિષય છે. જો આ યુવતીઓને ટ્રેસ કરવામાં નહીં આવે તો તેઓ હ્યુમન ટ્રાફિકિંગનો  શિકાર બની શકે છે. આ માટે  યુવતીઓ અને તેમનાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે.’ 

mumbai news mumbai local train