મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સાથીપક્ષોનું સન્માન જાળવીશું

10 September, 2024 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાયુતિના નેતાઓ સાથેની બેઠક બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું...

ગઈ કાલે રાજ્યના ગેસ્ટહાઉસ સહ્યાદ્રિમાં પોતાની પાર્ટીના નેતાઓ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની મુંબઈની મુલાકાતે હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રની સત્તાધારી સરકારમાં સામેલ BJP, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના વરિષ્ઠ નેતાઓની બેઠક કરી હતી. આ બેઠકમાં અમિત શાહે નવેમ્બર મહિનામાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બધા સાથીપક્ષોનું સન્માન જાળવવામાં આવશે એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ૪૫ મિનિટ ચાલેલી બેઠકમાં અમિત શાહે મહાયુતિમાં નાનો-મોટો વિવાદ ટાળવાની સૂચના બધા પક્ષોના નેતાઓને આપી હતી. બધા નેતાઓએ સંયમ જાળવવો અને બધા સાથે છીએ એવો મેસેજ જનતામાં જાય એનું ધ્યાન રાખવા પર અમિત શાહે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વિરોધીઓના ફેક નેરેટિવને જવાબ આપીને લોકો સામે હકીકત જણાવવાની સૂચના પણ આપી હોવાનું તેમ જ મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયોની માહિતી જનતા સુધી પહોંચાડવાનું કહ્યું હતું. આ સિવાય તેમણે ત્રણેય પાર્ટીઓના નેતાઓને એવું કંઈ પણ બોલવાની ના પાડી છે જેનાથી લોકોમાં ખોટો મેસેજ જાય.

લાલબાગચા રાજા સહિતના બાપ્પાનાં દર્શન કર્યાં

અમિત શાહે તેમનાં પત્ની સાથે દર વર્ષની જેમ આ વખતે પણ ગઈ કાલે બપોરે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. ગણેશોત્સવમાં અમિત શાહ મુંબઈ આવે છે અને તેઓ BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને આશિષ શેલારના ઘરે બાપ્પાનાં અચૂક દર્શન કરે છે. અમિત શાહ પહેલાં દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલે જાય છે. જોકે ગઈ કાલે તેમણે પ્લાન બદલ્યો હતો. તેઓ સાગર બંગલાને બદલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બંગલા વર્ષા પર પહેલાં પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને બંગલે અને પછી આશિષ શેલારના ઘરે ગયા હતા. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે એટલે પ્રોટોકૉલ પ્રમાણે પહેલાં તેમના બંગલે અમિત શાહ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આમ કરીને અમિત શાહે એકનાથ શિંદેનું મહત્ત્વ વધારી દીધું હોવાની ચર્ચા શરૂ થઈ છે.

mumbai news mumbai bharatiya janata party amit shah political news maharashtra assembly election 2024 lalbaugcha raja