13 February, 2023 08:15 AM IST | Mumbai | Prajakta Kasale
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ બીએમસીએ મિલન સબવે, હિન્દમાતા અને ગાંધી માર્કેટ જેવાં સ્થળોએ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ લાવવા માટે હોલ્ડિંગ ટૅન્ક અને મિની પમ્પિંગ સ્ટેશન સહિત અનેક પગલાં અમલી બનાવ્યાં છે. જોકે અંધેરી અને વર્સોવા વિસ્તારને જળભરાવાથી મુક્તિ આપવા હાથ ધરાયેલા મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ કાયદાની આંટીઘૂંટીમાં સપડાવાને કારણે હજી ઠેરનું ઠેર જ છે.
બીએમસી વહીવટી તંત્રે જૂન ૨૦૨૧માં કૉન્ટ્રૅક્ટરો મેસર્સ મિશિગન એન્જિનિયર્સ અને મેસર્સ મ્હાલસા કન્સ્ટ્રક્શન (સંયુક્ત) સાથે ૩૯૩ કરોડ રૂપિયાના ખર્ચે પમ્પિંગ સ્ટેશન બાંધવા માટે કરાર કર્યા હતા. અગાઉ પમ્પિંગ સ્ટેશન અન્યત્ર બાંધવામાં આવનાર હતું, પરંતુ ખર્ચ ઘટાડવા તેમ જ જમીન હસ્તગતની સમસ્યા તેમ જ અન્ય કાનૂની ગૂંચવણો ટાળવા માટે નવી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બાંધવાનો નિર્ણય લેવાયો હતો. કોર્ટે માત્ર કાગળ પર જ આગળ વધવાની મંજૂરી આપી હતી એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું. આ વર્ષે ૨૦૨૩-’૨૪ના બજેટ વિશે બોલતાં સુધરાઈના વડા આઇ. એસ. ચહલે કહ્યું હતું કે ‘જમીન હસ્તગત બાબતે કાનૂની ગૂંચવણ ઊભી થતાં મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ વિલંબિત થયું છે. હાલમાં અન્ય પરચૂરણ કામ પૂર્ણ કરવા માટે વર્ક ઑર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે.’
હવે બીએમસી અંધેરી સ્ટેશનની પૂર્વ બાજુએ જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે ત્યાં મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કરવાના વિકલ્પ વિશે વિચારી રહી છે. જમા થયેલું પાણી પમ્પ દ્વારા ખેંચીને મોગરા નાળામાં વહાવી દેવામાં આવશે. મોગરા નાળાને પહોળું કરવાની તેમ જ અન્યત્ર વાળવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ કાર્યમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજાયો છે તથા કામ પૂરું થવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે.
ભરતીના સમયે સમુદ્રમાંથી પાણી શહેરમાં પ્રવેશતું હોવાથી એ પૂરના પાણીને દરિયામાં જતું અટકાવે છે. આથી સમુદ્રના પાણીને શહેરમાં પ્રવેશ કરતું અટકાવવા માટે દરેક મોટા નાળા પર ફ્લડગેટ્સ મૂકવામાં આવ્યા છે, પરંતુ એની સાથે જ વધારાના પાણીને સમુદ્રમાં નાખવાની પણ જરૂર છે. આ કામ પમ્પિંગ સ્ટેશન કરે છે. ચિતળે કમિટીએ આઠ પમ્પિંગ સ્ટેશનની ભલામણ કરી હતી. એમાંથી હાજી અલી, લવગ્રોવ, ક્લેવલૅન્ડ, ઇર્લા, બ્રિટાનિયા અને ગઝદર બંધ એમ છ પમ્પિંગ સ્ટેશન તૈયાર થઈ ગયાં છે. મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ હજી અધૂરું છે.