હવે પછી ૪૦૦ રૂપિયા ખર્ચીને ૪૦ મિનિટમાં પહોંચાશે માંડવા જેટી

02 November, 2022 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઝગાવના ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને રાયગડ જિલ્લાના અલીબાગ નજીક માંડવા જેટી વચ્ચે મંગળવારે નવી વૉટર ટૅક્સી-સર્વિસ શરૂ કરવામાં આવી હતી

ગઈ કાલે માંડવા જેટી સુધી શરૂ થયેલી નવી કૅટામૅરન સર્વિસ

માઝગાવના ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને રાયગડ જિલ્લાના અલીબાગ નજીક માંડવા જેટી વચ્ચે મંગળવારે નવી વૉટર ટૅક્સી-સર્વિસ શરૂ કરવામાં આવી હતી.

નયનતારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા નવી કેટેમરેન ‘નયન ૧૧’નો ઉપયોગ કરશે, જે લોઅર ડેક પર ૧૪૦ તથા અપર બિઝનેસ ક્લાસ ડેક પર ૬૦ લોકોને બેસાડવાની ક્ષમતા ધરાવે છે એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન રાજીવ જલોટા અને અન્ય અધિકારીઓ લૉન્ચિંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વિસ શરૂ થવા સાથે પૅસેન્જરો ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલથી ૩૫થી ૪૦ મિનિટમાં માંડવા પહોંચી શકશે. લોઅર ડેકમાં પ્રવાસ કરવાનો વન-વે ચાર્જ ૪૦૦ રૂપિયા જ્યારે અપર ડેક માટેના પ્રવાસનો ચાર્જ ૪૫૦ રૂપિયા છે.

ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલથી માંડવા સુધીની વૉટર ટૅક્સી-સર્વિસ સવારે સાડાદસ વાગ્યે, બપોરે ૧૨.૫૦ વાગ્યે અને ૩.૧૦ વાગ્યે ઉપલબ્ધ રહેશે; જ્યારે માંડવાથી આ સર્વિસ સવારે ૧૧.૪૦ વાગ્યે, બપોરે બે વાગ્યે અને સાંજે ૪.૩૦ વાગ્યે પ્રાપ્ત થશે, એમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે પૅસેન્જરો ટર્મિનલ્સથી ટિકિટ્સ ખરીદી શકે છે અને myboatride.comથી ઑનલાઇન પણ બુકિંગ કરી શકે છે.

mumbai mumbai news mazgaon alibaug