પતિને જણાવ્યા વગર કરવા પડ્યા પત્નીના અંતિમ સંસ્કાર

04 April, 2024 07:13 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એક પળમાં પ​રિવાર વીંખાઈ ગયો : ‌વિરારમાં પાણીના ટૅન્કરે ઍક્ટિવાને અડફેટે લીધું એમાં પત્નીએ જીવ ગુમાવ્યો, જ્યારે પતિને ગંભીર ઈજાઓ થઈ હોવાથી હૉ‌સ્પિટલમાં

‘હમ દો હમારે દો’નો આ ગુજરાતી પરિવાર એક જ પળમાં અલગ થઈ ગયો.

વિરાર-વેસ્ટમાં પદમાવતીનગરમાં રહેતા ૪૦ વર્ષના જિતેન્દ્ર ટાંક તેમનાં ૩૫ વર્ષનાં પત્ની કિરણ સાથે મંગળવારે ઍક્ટિવા પર સ્ટેશન બાજુ જઈ રહ્યા હતા ત્યારે જકાતનાકા પાસે આવેલી મધુરમ હોટેલ પાસે પાણીના ટૅન્કરે તેમના ઍક્ટિવાને અડફેટે લીધું હતું, જેને લીધે ઘસડાઈને ‌કિરણબહેન આગળ આવ્યાં હતાં અને જિતેન્દ્રભાઈ ધકેલાઈને રસ્તા પર પડ્યા હતા. આ અકસ્માતમાં પત્નીએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો હતો, જ્યારે પ‌તિને પાછળના ભાગમાં માર લાગ્યો હોવાથી તેની હાલત કફોડી છે. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પતિને પત્ની મૃત્યુ પામી હોવાની ખબર નથી, જ્યારે તેમનો નાનો દીકરો મમ્મીને યાદ કરીને રડી રહ્યો છે. અર્નાળા પોલીસે ગુનો નોંધીને ટૅન્કરના ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.

વિરારમાં રહેતા જિતેન્દ્ર ટાંક વસઈમાં ગાર્મેન્ટની શૉપમાં કામ કરે છે, જ્યારે તેમનાં પત્ની કિરણ ચારેક ઘરમાં રસોઈનું કામકાજ કરતાં હતાં. કિરણબહેનનો સ્વભાવ એટલો સારો અને સાદગીભર્યો હતો કે તેઓ જે ઘરમાં કામ કરતાં ત્યાં તેમને બધા ખૂબ સારી રીતે રાખતા હતા અને સામેથી ઘરે રસોઈ કરવા બોલાવતા હતા.

કાંદિવલીમાં ચારકોપમાં રહેતા જિતેન્દ્ર ટાંકના મોટા ભાઈ હરેશ ટાંકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિતેન્દ્ર સ્ટેશન પરથી કામ પર જાય ત્યારે પત્નીને જ્યાં રસોઈ કરવાની હોય ત્યાં છોડીને જતો હતો. મંગળવારે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ તેઓ ઍક્ટિવા પર સ્ટેશન જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવી રહેલા પાણીના ટૅન્કરને સાઇડ આપવા જઈ રહ્યા હતા, પરંતુ ટૅન્કરનો ડ્રાઇવર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો હોવાથી તેના ટૅન્કર નીચે સ્કૂટી આવી ગયું હોવા છતાં તે ટૅન્કર ચલાવતો જ રહ્યો હતો. જિતેન્દ્ર પણ ટૅન્કર નીચે આવીને ઘસડાઈને આગળ આવ્યો, પણ ‌કિરણ સ્કૂટી સાથે લાંબે સુધી ટૅન્કરની નીચે ઘસડાતી ગઈ હતી.’

જિતેન્દ્રને કિરણ હવે રહી નથી એ જણાવ્યું નથી એમ જણાવતાં હરેશભાઈએ કહ્યું હતું કે ‘જિતેન્દ્ર અને કિરણ મહેનત કરીને આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તેમણે હાલમાં જ લોન લઈને ઘર ખરીદ્યું હતું અને બન્ને જણ ભેગા થઈને ઘર ચલાવી રહ્યાં હતાં. તેમને આઠેક વર્ષનો મોટો દીકરો અને ચારેક વર્ષનો નાનો દીકરો છે. જિતેન્દ્રને કમરના ભાગમાં બહુ માર લાગ્યો હોવાથી તે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ હતો. તેને ગઈ કાલે જનરલ વૉર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કિરણના મૃત્યુના સમાચાર સાંભળી શકે એવી પરિસ્થિ​​તિમાં ન હોવાથી અમે તેને હાલમાં જાણ કરી નથી. ‌કિરણને હાથ અને પગમાં ખૂબ માર લાગ્યો હતો અને મૃતદેહ રખાય એમ ન હોવાથી સાંજના જ અં‌તિમ સંસ્કાર કરી લીધા હતા.’

વિરાર-ઈસ્ટના ચંદનસાર રોડ પર સુધીરકુમાર નામનો ટૅન્કરનો ડ્રાઇવર અગાસી રોડ પરથી ગ્લોબલ સિટી જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. - અર્નાળા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રૂપેશ દળવી

virar Crime News road accident mumbai mumbai news preeti khuman-thakur