વેઇટ ઍન્ડ વૉચ

28 December, 2022 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની સોસાયટીઓનો છે આ વખતે કોવિડ સામેનો મંત્ર : કોરોનાના કેસ વધવાની સંભવિત સ્થિતિ સામે સરકાર સજ્જતા કેળવી રહી હોવા છતાં મોટા ભાગની હાઉસિંગ કૉલોનીઓએ રહીશો અને વિઝિટર્સ માટે કોઈ ગાઇડલાઇન્સ જાહેર કરી નથી

દક્ષિણ મુંબઈના મિત્તલ ટાવરમાં મુલાકાતીનું ટેમ્પરેચર ચેક કરી રહેલો સિક્યૉરિટી ગાર્ડ

વિશ્વના અન્ય ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં આ વખતે હાઉસિંગ સોસાયટીઓ રહીશો અને મુલાકાતીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં સમય લઈ રહી છે. સરકારે અહીં કેસ વધવા માંડે એ સ્થિતિની તૈયારીરૂપે હેલ્થકૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે, પણ હજી કોઈ ચુસ્ત નિયમો જાહેર નથી કર્યા. કેટલાક નાગરિકોએ પોતાની રીતે તકેદારીનાં પગલાં ભરવા માંડ્યાં છે.

મલબાર હિલની એક હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ‘ફરી પાછો ભયનો માહોલ ઊભો કરવાની જરૂર નથી. અમે તાત્કાલિક પગલાંરૂપે સલામતીનાં કોઈ પગલાં જાહેર નથી કર્યાં, કારણ કે એમ કરવાથી નુકસાન વધુ થાય છે.’

લિટલ ગિબ્ઝ રોડ એએલએમનાં સ્થાપક સભ્ય ઇન્દ્રાણી મલકાણીએ જણાવ્યું હતું કે ‘સરકારી આદેશ આવે એના આધારે જ સોસાયટી ગાઇડલાઇન્સ કે નિયંત્રણો લાદી શકે. એ સિવાય સભ્યો નિયમોનું પાલન નહીં કરે. અમે સભ્યોને ભીડવાળાં સ્થળોએ માસ્ક પહેરવાની અને કોરોના સામે તકેદારીનાં પગલાં ભરવાની સલાહ આપી શકીએ, પણ જ્યાં સુધી સરકાર કોઈ પગલાં ન ભરે ત્યાં સુધી નોટિસ જાહેર નહીં કરી શકીએ.’

અંધેરીની લોખંડવાલા હાઉસિંગ સોસાયટીના રહીશ ધવલ શાહે જણાવ્યું હતું કે ‘નિયમો લાગુ ન કર્યા હોવા છતાં સભ્યો નિયમોનું પાલન કરી રહ્યા છે. સૅનિટાઇઝર્સ યુનિટ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કુરિયર કંપનીઓના ઘણા વિઝિટર્સ આવતા હોવાથી અમે તેમના પર નિયંત્રણો મૂકવા માંડ્યાં છીએ. સભ્યો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કોવિડ ગાઇડલાઇન્સને વ્યક્તિગત રીતે અનુસરે છે.’

mumbai mumbai news coronavirus covid19