06 August, 2022 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પરેલની વાડિયા હૉસ્પિટલમાં લાગેલી આગ (તસવીર : મંગેશ નાઈક)
પરેલમાં આવેલી બાળકોની વાડિયા હૉસ્પિટલના પહેલા માળે ઑપરેશન થિયેટરના એક ભાગમાં ગઈ કાલે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગ લાગી ત્યારે ઑપરેશન થિયેટર બંધ હતું એટલે કોઈ જાનહાનિ નહોતી થઈ. જોકે આગને લીધે બીજા માળ સુધી અને આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હોવાથી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગી ત્યારે ઑપરેશન થિયેટરમાં એક બાળકનું ઑપરેશન ચાલી રહ્યું હતું, જે પૂરું થવામાં હતું. આથી તેને તાત્કાલિક ઇમર્જન્સી વૉર્ડમાં શિફ્ટ કરીને બાદમાં બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ પરેલમાં આચાર્ય ધોડે માર્ગ પર આવેલી બાળકોની જાણીતી હૉસ્પિટલ વાડિયામાં પહેલા માળે ગઈ કાલે સાંજે પોણાછ વાગ્યે ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ અહીંના બાળકોના ઑપરેશન માટે ઉપયોગમાં લેવાતા ઑપરેશન થિયેટરના એક ભાગમાં લાગ્યા બાદ ધુમાડો ઉપર સુધી ફેલાઈ ગયો હતો. આગની જાણ થયા બાદ ૯ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ધુમાડાને લીધે મુશ્કેલીમાં મુકાયેલા પહેલા માળના અને બીજા માળના કેટલાક દરદીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઑપરેશન થિયેટરની બહારના ભાગમાં જ્યાં ઑપરેશન કરાયા બાદ દરદીને થોડો સમય રાખવામાં આવે છે ત્યાં ઍર કન્ડિશનરના સ્વિચ-બોર્ડમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રથામિક રીતે જણાઈ આવ્યું હતું.’
વાડિયા હૉસ્પિટલમાં હાજર લોકોના જણાવ્યા મુજબ પહેલા માળના ઑપરેશન થિયેટરની અંદરના ભાગમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવવા લાગ્યા બાદ હૉસ્પિટલના કર્મચારીઓએ આગ બુઝાવવા માટેનાં સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. શુક્રવારે અહીં જૂજ ઑપરેશનો જ થાય છે. આથી એ બંધ હતું એટલે જાનહાનિ નહોતી થઈ. અહીં સૌથી વધુ ઑપરેશન ગુરુવારે થાય છે. ત્યારે જો આવી ઘટના બનત તો મોટી મુશ્કેલી થઈ જાત.