30 May, 2024 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર દુર્ઘટના બાદ વસઈ-વિરાર સહિત હાઇવે બાજુએ અનેક હોર્ડિંગ્સ પર કાર્યવાહી હાથ ધરાઈ છે
ઘાટકોપરમાં જોરદાર પવનને લીધે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનું હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૭ નિર્દોષ લોકોનાં મૃત્યુ થયા બાદ વસઈ-વિરાર મહાનગરપાલિકા પણ ઍક્શનમાં આવી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા પહેલાં તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને એનો રિપોર્ટ રજૂ કરવાનો કડક રીતે આદેશ આપવામાં આવ્યો હતો. એ બાદ મહાનગરપાલિકા દ્વારા જોખમી અને ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવા માટે દિવસ-રાત સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવાં ૩૭૮માંથી ૩૧૩ હોર્ડિંગ્સને દૂર પણ કરવામાં આવ્યાં છે.
માત્ર ગેરકાયદે હોર્ડિંગ્સ પર જ નહીં, જોખમી એવા કાયદેસર બોર્ડ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાન્સફૉર્મરની નજીક વીજથાંભલા પાસેના બોર્ડના કારણે ચોમાસા દરમ્યાન અકસ્માતની શક્યતા રહે છે. એથી આવાં બોર્ડ હટાવવામાં આવી રહ્યાં છે.