20 November, 2024 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરારથી ગુમ થયેલી જયશ્રી રાઠોડ.
વિરાર-વેસ્ટમાં પુરષોત્તમ પારેખ માર્ગ પર અયપ્પા મંદિર નજીક નીલકંઠ સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષની જયશ્રી ચેતન રાઠોડ ૧૫ નવેમ્બરે સવારથી ગુમ થઈ હોવાની ફરિયાદ બોલિંજ પોલીસ-સ્ટેશનમાં શનિવારે સાંજે નોંધાઈ હતી. ચેતન રાઠોડે પોતાની પત્ની માનવ-તસ્કરી કરતી ગૅન્ગનો શિકાર થઈ હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત બોલિંજ પોલીસ-સ્ટેશનમાં છેલ્લા પાંચ દિવસથી પત્ની ગુમ થયા હોવાની ફરિયાદ કરી હોવા છતાં પોલીસ હાલમાં ચૂંટણીની ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી મારી પત્નીની શોધ લેવાનો તેમની પાસે કોઈ સમય નથી એવો આરોપ તેણે પોલીસ સામે કર્યો હતો.
છેલ્લા પાંચ દિવસથી હું અને મારાં બન્ને છોકરાં જયશ્રીની શોધમાં ભટકી રહ્યાં છે, આ જ કારણસર અમારી ઊંઘ પણ હરામ થઈ ગઈ છે એમ જણાવતાં ચેતન રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવાર સવારે ૧૧ વાગ્યાની આસપાસ જયશ્રી ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ તે કલાકો સુધી ઘરે પાછી ન ફરતાં મેં, મારી મોટી દીકરી અને નાના દીકરાએ આસપાસના વિસ્તારમાં જયશ્રીની ખૂબ જ શોધ લીધી હતી. એટલું જ નહીં, અમારાં સગાંસબંધીઓ પણ તેની શોધમાં લાગી ગયાં હતાં. જયશ્રીનાં મા ગુજરાતમાં એકલાં રહે છે, તેમને પણ કોઈ જાણકારી નથી. જયશ્રી પોતાનો ફોન ઘરે જ રાખી ગઈ હોવાથી તેની સાથે કઈંક તો ખોટું થયું છે એવું સતત ફીલ થયા કરે છે. મારી પત્ની ખૂબ જ ભોળી છે એટલે એવો પણ વિચાર આવે છે કે જયશ્રીને માનવ-તસ્કરી કરતી ગૅન્ગે શિકાર બનાવી હોઈ શકે છે. મેં મારી પત્નીની મિસિંગની ફરિયાદ બોલિંજ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે તપાસ-અધિકારીઓનું કહેવું છે કે હાલ તેઓ ચૂંટણીની ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી તેમની પાસે પણ મારી પત્નીને શોધવા માટે સમય નથી.’
ચૂંટણી બાદ મિસિંગ થયેલી મહિલાની વધુ તપાસ કરવામાં આવશે એમ જણાવતાં બોલિંજ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સુરેશ તોડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણી-પ્રક્રિયાને કારણે અમારો તમામ સ્ટાફ બંદોબસ્તમાં લાગેલો છે. એ કારણસર આ કેસ પર કામ કરવાનો હજી અમને સમય નથી મળ્યો. આ કેસની વધુ તપાસ ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવશે.’