27 February, 2024 07:00 AM IST | Mumbai | Shirish Vaktania
કસ્ટડીમાં ત્રણેય આરોપી (નીચે) (તસવીર : હનીફ પટેલ)
હાઉસબ્રેકિંગના એકાધિક કેસમાં સામેલ એવી એક ગૅન્ગની વિરાર પોલીસે ધરપકડ કરી છે. પોલીસની ટીમે આ ગૅન્ગનું નામ ગુજરાતી ગૅન્ગ રાખ્યું છે. આના કારણે ગુજરાતી કમ્યુનિટી નારાજ થઈ છે અને ગુજરાતી કમ્યુનિટીને બદનામ કરવા માટે ઑફિસર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. પોલીસનો આરોપ છે કે ગૅન્ગના મોટા ભાગના સભ્યો ગુજરાતના હતા એટલે એનું નામ ગુજરાતી ગૅન્ગ રાખ્યું છે.
આરોપીઓની ઓળખ ઉરણના રહેવાસી દીપક ભકિયાદાર ઉર્ફે બોબડ્યા (૨૮ વર્ષ), મોહમ્મદ તારીખ ખાન ઉર્ફે ટિન્કલ (૩૨ વર્ષ) અને ધર્મેન્દ્ર પાસવાન (૩૫ વર્ષ) (બન્ને વાપીના રહેવાસી) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન અને રોકડ કબજે કર્યાં હતાં. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં વિરારથી બીજેપી નેતા મનોજ બારોટે કહ્યું હતું કે ‘મને આ વિડિયો અને પ્રેસ-રિલીઝ રવિવારે મળ્યાં હતાં. વિરારના પોલીસ ઑફિસર વિજય પવારે પણ આ બાબતે એક ઇન્ટરવ્યુ વિડિયો આપ્યો હતો. એમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે એક ગુજરાતી ગૅન્ગની ધરપકડ કરી છે જે ઘરફોડીના અનેક કેસમાં સામેલ છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે, આપણા ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતી છે. તો પછી આ ઑફિસર ગૅન્ગને ગુજરાતી ગૅન્ગ તરીકે કેવી રીતે લેબલ કરી શકે? ગુનેગારો કોઈ ચોક્કસ સમુદાય સાથે સંબંધિત નથી. હું અધિકારી સામે લેખિત ફરિયાદ કરીશ અને ચોર ગૅન્ગને ગુજરાતી ગૅન્ગ તરીકે નામ આપવા બદલ કડક કાર્યવાહીની માગણી કરીશ. મેં અધિકારી સાથે પણ વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે એ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. જોકે વિડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે તેઓ ગુજરાતી ગૅન્ગ બોલ્યા હતા.’
મુંબઈ બૃહદ ગુજરાતી સમાજના સ્થાપક અને પ્રમુખ હેમરાજ શાહે જણાવ્યું હતું કે ‘ગુનેગારો કોઈ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુનો કરતા નથી, પરંતુ અંગત ફાયદા માટે કરે છે. પોલીસે તેમની સરખામણી ગુજરાતી કે કોઈ પણ સમુદાય સાથે કરવી જોઈએ નહીં. પોલીસ અધિકારીઓને પણ કોઈ પણ ધાર્મિકતાને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી.’
ગુજરાતી સમાજના પ્રમુખ અને ઘાટકોપરના કાઠિયાવાડી જૈન સમાજના ટ્રસ્ટી જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘આરોપીઓ કોઈ ચોક્કસ સમુદાયના નથી. પોલીસે આ માટે માફી માગવી જોઈએ અને ભવિષ્યમાં આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઇએ.’
પોલીસનું શું કહેવું છે?
‘મિડ-ડે’ સાથે વાત કરતાં વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય પવારે કહ્યું હતું કે ‘એ પ્રેસ-રિલીઝમાં પ્રિન્ટિંગની ભૂલ હતી. અમારો કોઈ ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો. તમામ આરોપીઓ ગુજરાતના છે એટલે અમે આ ગૅન્ગનું નામ ગુજરાતી ગૅન્ગ રાખ્યું છે. વસઈ-વિરાર વિસ્તારના સ્થાનિક ગુજરાતી લોકો અને નેતાઓના ફોન આવ્યા બાદ અમે એને સુધારી લીધું છે.’