19 March, 2025 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિરાર-ઈસ્ટની માંડવી પોલીસની હદમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ૧૩ માર્ચે વિરારફાટા પાસેના જંગલમાંથી સૂટકેસમાં કપાયેલું માથું મળ્યું હતું તે મહિલાના શરીરના ટુકડા પોલીસે નાળામાંથી શોધી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કપાયેલું માથું મળ્યાના પાંચ દિવસ બાદ પોલીસે નાળામાં ગઈ કાલે પાંચ કલાક સઘન તપાસ કરીને મહિલાના શરીરના ટુકડા શોધ્યા હતા.
માંડવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ જણાવ્યું હતું કે ‘ઉત્પલા હરીશ હિપ્પરગી નામની મહિલાનું કપાયેલું માથું સૂટકેસમાંથી મળ્યા બાદ તપાસ કરીને મહિલાના પતિ હરીશ હિપ્પરગીની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જણાયું હતું કે તેણે પત્ની ઉત્પલાના માથા વગરના શરીરના બે ટુકડા કરીને વિરારના દેશમુખ ફાર્મ પાસેના નાળામાં ફેંક્યા હતા. માંડવી પોલીસની ટીમે ફાયરબ્રિગેડની મદદથી ઉત્પલા હિપ્પરગીના શરીરના ટુકડા શોધવાનું કામ હાથ ધર્યું હતું. પાંચ કલાકની તપાસ બાદ ઉત્પલાના શરીરના કોહવાઈ ગયેલા ટુકડા હાથ લાગ્યા હતા. માથા વિનાના મૃતદેહના ટુકડાનું પંચનામું કર્યા બાદ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી દેવામાં આવ્યા છે.’