10 March, 2025 06:58 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
બ્લુ કલરની આલીશાન કાર રસ્તામાં ઊભી રાખીને એક યુવક કારની બાજુમાં પેશાબ કરી રહ્યો છે
પુણે-અહિલ્યાનગર રોડ પરના શાસ્ત્રીનગર ચોકનો એક વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો, જેમાં બ્લુ કલરની આલીશાન કાર રસ્તામાં ઊભી રાખીને એક યુવક કારની બાજુમાં પેશાબ કરી રહ્યો છે. વિડિયો શૂટ કરનારાએ યુવકને તે શું કરી રહ્યો છે એવો સવાલ કરતાં યુવકે અશ્લીલ હાવભાવ કર્યા હતા. કારમાં બીજો એક યુવક હાથમાં દારૂની બૉટલ સાથે બેસેલો જોવા મળ્યો હતો અને તે વિડિયો શૂટ કરવાનું કહી રહ્યો હતો. આ વિડિયો જોયા બાદ લોકોએ આ યુવક સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ પુણેના લોકોએ રસ્તામાં કાર ઊભી રાખીને જાહેરમાં પેશાબ કરનારા યુવક સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ઉદ્ધવસેનાના નેતા વસંત મોરે, અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નેતા રૂપાલી ઠોંબરે અને વિધાન પરિષદનાં ઉપસભાપતિ નીલમ ગોર્હેએ આ ઘટના બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકોએ આ યુવકોને ભગાવવાની કોશિશ કરી હતી ત્યારે તેમણે અશ્લીલ હરકત કરી હતી. થોડી વાર પછી કાર ઝડપથી પલાયન થઈ ગઈ હતી.
વિડિયો ખૂબ વાઇરલ થયો હોવાનું અને પોલીસ પોતાને શોધી રહી હોવાનું ધ્યાનમાં આવતાં ગૌરવ આહુજા નામના યુવકે માફી માગતો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ગૌરવ આહુજાએ જાહેરમાં માફી માગતાં કહ્યું હતું કે ‘મારી ભૂલ થઈ ગઈ છે. મારા વર્તનને લીધે મારા પરિવારને પરેશાન ન કરો.’
માફી માગ્યા બાદ ગૌરવ પોલીસ-સ્ટેશનમાં હાજર થયો હોવાનું જાણવા મળ્યું છે.