મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ મેળવવા ૪૦૦ રૂપિયા માગવામાં આવ્યા?

03 July, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી સંખ્યામાં અરજીઓ આવતાં થયેલી ભીડનો લાભ લેવા એજન્ટો સક્રિય હોવાનું ​સ્ટિંગ ઑપરેશનમાં જણાયું

હિંગોલીની વસમત તહસીલની ઑફિસ પાસે ગઈ કાલે લોકોની ભીડ જોવા મળી હતી.

મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવા માટેની મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવા તહસીલદારની ઑફિસમાં મોટી સંખ્યામાં મ​હિલાઓ બે દિવસથી પહોંચી જતાં ખૂબ ગિરદી થઈ રહી છે. આ ગિરદીનો લાભ લઈને એજન્ટો રૂપિયા માગી રહ્યા હોવાનું એક મરાઠી ન્યુઝ-ચૅનલે કરેલા સ્ટિંગ ઑપરેશનમાં જણાઈ આવ્યું છે.

હિંગોલીની વસમત તહસીલની ઑફિસ પાસે ન્યુઝ-ચૅનલે ગઈ કાલે સંપર્ક કરતાં અહીંના એજન્ટે એક ડૉક્યુમેન્ટ મેળવવા માટે ૪૦૦ રૂપિયા અને બે માટે ૮૦૦ રૂપિયા માગ્યા હતા. આવી જ રીતે વરુડ તાલુકાના સાવંગી ખાતેની તલાટી ઑફિસમાં પણ મહિલાઓ પાસેથી રૂપિયા માગવામાં આવ્યા હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

યોજનામાં ફેરફાર કરાયો

મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ૨૧થી ૬૦ વર્ષની મહિલાને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે કેટલાક લોકોએ મહિલાઓની ઉંમર ૬૫ સુધી કરવાની અને ખેતીની જમીન ન હોવાની શરત કાઢી નાખવાની માગણી કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિશે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘યોજનામાં ફેરફાર કરવાની માગણી યોગ્ય હોવાનું જણાતાં હવે મહિલાની ઉંમર ૬૦ વર્ષને બદલે ૬૫ વર્ષની કરવામાં આવી છે. આ સિવાય ખેતીની જમીન અને ડૉમિસાઇલ સર્ટિફિકેટની શરત પણ યોજનામાંથી દૂર કરવામાં આવી છે.’

maharashtra news mumbai news eknath shinde