જળગાવમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ આપવાના કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું...

26 August, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓ પર અત્યાચાર અક્ષમ્ય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે

જળગાવમાં ગઈ કાલે લખપતિ દીદીઓને સર્ટિફિકેટ આપવા માટેના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને સંબોધીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

કલકતામાં ટ્રેઇની ડૉક્ટરનું અને બદલાપુરમાં બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરવાની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને આ બાબતે વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર વિશે ગઈ કાલે જળગાવમાં લખપતિ દીદીઓને સર્ટિફિકેટ આપવાના કાર્યક્રમમાં મહત્ત્વની વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ વિશે કહ્યું હતું કે ‘આજે સૈન્યનાં ત્રણેય દળમાં મહિલાઓ ફાઇટર, પાઇલટ બની રહી છે. નારીશક્તિનો નવો કાયદો બનાવ્યો, રાજકારણમાં મહિલાઓની સંખ્યા વધારવા માટેના અમે પ્રયાસ કર્યા, મહિલાઓની સુરક્ષાને મહત્ત્વ આપ્યું. મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર અક્ષમ્ય પાપ છે. દોષી કોઈ પણ હોય, તેને છોડતા નહીં. આવા લોકોને કોઈ પણ પ્રકારની મદદ ન મળવી જોઈએ. પોલીસ અને કોઈ પણ સ્તરે કાર્યવાહી થવી જાઈએ. સરકાર આવે અને જાય, પણ નારીશક્તિ તરફ ધ્યાન આપવું જોઈએ. મહિલાના રક્ષણ માટે કાયદા કઠોર કરવામાં આવી રહ્યા છે. પહેલાં ફરિયાદ નોંધવામાં સમય લાગતો હતો એ સમસ્યા દૂર થઈ ગઈ છે. આથી આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી થઈ રહી છે અને આરોપીઓને ફાંસી અથવા તો જન્મકેદની સજા થઈ રહી છે. મહિલાઓ પરના અત્યાચારના મામલામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે જ છે.’

વડા પ્રધાને ૧૧ લાખ લખપતિ દીદીઓને સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરતી વખતે કહ્યું હતું કે ‘કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓના સક્ષમીકરણ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ૨૦૧૪ પહેલાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની મદદ મહિલાઓને કરાતી હતી. અમારી સરકાર બન્યા બાદથી અમે નવ લાખ કરોડ રૂપિયા એટલે કે ૩૦ ગણી વધુ મ‌દદ વિવિધ યોજના થકી કરી છે. આ યોજનાથી મહિલાઓની સાથે આખા પરિવારો ગરીબીરેખાની બહાર આવી રહ્યા છે. આ તો હજી શરૂઆત છે. હવે અમે મહિલા અને યુવતીઓ માટેની યોજનાનો વિસ્તાર કરીશું.’ 

વિરોધ કરનારા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાને તાબામાં લેવાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે જળગાવ જવા માટે છત્રપતિ સંભાજીનગરના ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે સહિતના કાર્યકરોએ બદલાપુરમાં માસૂમ બાળકીના શારીરિક શોષણ થવાની ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે તાબામાં લીધા બાદ અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘બદલાપુરમાં પોલીસે પીડિત બાળકીની ફરિયાદ ૧૨ કલાક બાદ લીધી હતી, જ્યારે અમે અહીં વિરોધ કરી રહ્યા છીએ ત્યારે પોલીસ રોકી રહી છે. અમે આ‌તંકવાદી હોઈએ એવું વર્તન થઈ રહ્યું છે. અમને પણ વડા પ્રધાનની સલામતીની ચિંતા છે. તેઓ ભારતના સર્વોચ્ચ પદ પર છે.’

mumbai news mumbai jalgaon narendra modi india uddhav thackeray bharatiya janata party political news