26 December, 2024 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે આકૃતિ હૉસ્પિટલમાં વિનોદ કાંબળી સાથે પ્રતાપ સરનાઈક
ભિવંડીના કાલ્હેરની આકૃતિ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીને એકાદ-બે દિવસમાં રજા આપવામાં આવે એવી શક્યતા છે, પણ તેની સારવાર કરી રહેલા ડૉક્ટરનું કહેવું છે કે તેના મગજની હાલત સ્થિર નથી.
મંગળવારે શ્રીકાંત ફાઉન્ડેશન વતી એક સમયના સ્ટાર ક્રિકેટરને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવ્યા બાદ ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકને વિનોદ કાંબળીની ખબર પૂછવા હૉસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘વિનોદ મારો મિત્ર હોવાથી તેની તબિયત પૂછવા માટે હું આવ્યો છું. મેં તેને કહ્યું કે મેદાનમાં તેં અનેક સેન્ચુરી, ડબલ સેન્ચુરી મારી છે, હવે તારે આયુષ્યની સેન્ચુરી મારવાની છે અને અનેક લોકોને ક્રિકેટર બનાવવાના છે. હવે પછીની વિનોદની સારવારની બધી જવાબદારી અમારી રહેશે.’
આ પહેલાં પ્રતાપ સરનાઈકે વાનર સેના નામની સંસ્થા મારફત વિનોદ કાંબળીને પચીસ લાખ રૂપિયાની આર્થિક મદદ કરાવી હતી. તેમણે વિડિયો-કૉલ કરીને વાનર સેનાના અધ્યક્ષ ધનંજય સિંહ સાથે મદદ બાબતે ચર્ચા પણ કરી હતી. આજે આ પૈસા વિનોદની પત્નીના ખાતામાં જમા થઈ જશે.
ગઈ કાલે ક્રિસમસ હોવાથી કાંબળીને હૉસ્પિટલના એક અલાયદા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ક્રિસમસનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ કરવા પાછળનું કારણ સમજાવતાં હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘વિનોદને એવું ન લાગવું જોઈએ કે ક્રિસમસના દિવસે તે હૉસ્પિટલમાં છે. અમે તેમને ઘર જેવી ફીલિંગ આપવા માગતા હતા.’
વિનોદ કાંબળીએ પણ તેના ફૅન્સ અને શુભેચ્છકોને મેરી ક્રિસમસ વિશ કર્યું હતું.