14 July, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નારાયણ રાણે
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નારાયણ રાણેએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિનાયક રાઉતને ૪૭,૮૫૮ મતના માર્જિનથી હરાવ્યા હતા. નારાયણ રાણેએ આ વિજય મત ખરીદવાની સાથે મતદારોને ધમકાવીને મેળવ્યો હોવાનો આરોપ વિનાયક રાઉતે કર્યો છે અને આ મામલાની તપાસ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વિનાયક રાઉતે અરજીમાં માગણી કરી છે કે ‘લોકસભાની ચૂંટણી વખતે નારાયણ રાણે અને તેમના પુત્ર નીતેશ રાણેએ કાર્યકરોની મદદથી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આથી આ સંબંધે તપાસનો આદેશ આપવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેને કુલ ૪,૪૮,૫૧૪ મત અને વિનાયક રાઉતને ૪,૦૦,૬૫૬ મત મળ્યા હતા.