ઓવરટેક કરવા જતાં મળ્યું મોત

12 July, 2023 12:00 PM IST  |  Mumbai | Mehul Jethva

માલશેજ ઘાટ પર બાઇક-રાઇડિંગ કરીને પાછા આવી રહેલા વિલે પાર્લેના ગુજરાતી યુવાનનું થાણેમાં ટ્રકની અડફેટે આવતાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લેમાં રહેતો ૩૨ વર્ષનો યુવાન પોતાના મિત્ર સાથે માલશેજ ઘાટ પર બાઇક-રાઇડિંગ માટે ગયો હતો. ઘાટથી પાછા ફરતી વખતે થાણેના કોપરી બ્રિજ પર ઍક્ટિવાચાલકને ઓવરટેક કરી આગળ નીકળવા જતાં તેણે બાઇક પરથી સંતુલન ગુમાવ્યું હતું અને જમીન પર પટકાયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી ટ્રકની અડફેટે આવતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. થાણે નૌપાડા પોલીસે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.

અંધેરીમાં સહાર રોડ પર રહેતા ૪૧ વર્ષના જિજ્ઞેશ પટેલે કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૦થી તેની ઓળખાણ વિલે પાર્લેના મિસિક્ટ્રા રોડ પરના વિક્રમ અય્યા સાથે છે. બંને સારા મિત્ર હોવાથી તેમણે માલશેજ ઘાટ પર બાઇક-રાઇડિંગ કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ૮ જુલાઈએ સવારે સાત વાગ્યે બંને અલગ-અલગ મોટરસાઇકલ પર માલશેજ ઘાટ જવા માટે નીકળ્યા હતા. ત્યાં સાડાબાર વાગ્યે પહોંચી સમય વિતાવી સાંજે પાછા ઘર તરફ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન વિક્રમ બાઇક પર આગળ નીકળ્યો હતો અને જિજ્ઞેશ પાછળ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે તેણે કોપરી બ્રિજ નજીક પહોંચતાં અકસ્માત જોયો હતો. વધુ આગળ જઈને જોતાં તેના મિત્ર વિક્રમને અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. તરત ઍમ્બુલન્સ દ્વારા વિક્રમને થાણેની સિવિલ હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી ટેમ્પો ડ્રાઇવર સંજુ ભાટિયા સામે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાછળથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

નૌપાડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક ચોહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક યુવાન કોપરી બ્રિજ પર થાણેથી મુંબઈ લેનમાં મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે તેની આગળ જતી ઍક્ટિવાને ઓવરટેક કરીને નીકળવા જતાં બાઇક પરથી સંતુલન ગુમાવ્યું હતું અને જમીન પર પટકાયો હતો. ત્યારે પાછળથી આવતી એક ટ્રકનું ટાયર તેના માથા પરથી ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ટ્રકના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તેની અમે ધરપકડ કરી છે.’

‘મિડ-ડે’એ વધુ માહિતી મેળવવા મૃતકના મિત્ર જિજ્ઞેશ પટેલનો સંપર્ક કરતાં તેણે આ બાબતે વાત કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.

road accident malshej ghat vile parle thane mumbai mumbai news mehul jethva