ઑનલાઇન ઇન્કમ ટૅક્સ ભરવાના ચક્કરમાં ગુજરાતી મહિલાએ સાઇબર ફ્રૉડમાં ૨,૬૨,૨૧૯ રૂપિયા ગુમાવ્યા

13 August, 2024 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ક-અકાઉન્ટ તથા ક્રેડિટ કાર્ડની માહિતી મેળવ્યા બાદ પૈસા ઉપાડી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં મહિલાએ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લે-ઈસ્ટના ફિરોઝશા મેહતા રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૪૩ વર્ષની ફૅશન-ડિઝાઇનર મહિલાએ ઇન્કમ ટૅક્સ રિટર્ન માટે ઑનલાઇન નંબર શોધવા જતાં સાઇબર-ફ્રૉડમાં ૨,૬૨,૨૧૯ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. સાઇબર-ગઠિયાએ પોતે યુનિયન બૅન્કનો અધિકારી હોવાનું કહીને મહિલાના મોબાઇલનો અૅક્સેસ મેળવ્યો હતો અને બૅન્ક-અકાઉન્ટ તથા ક્રેડિટ કાર્ડની માહિતી મેળવ્યા બાદ પૈસા ઉપાડી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં મહિલાએ કર્યો છે.

ફૅશન-ડિઝાઇનર મહિલાના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)એ તાત્કાલિક ૧,૧૬,૫૧૦ રૂપિયાનો ટૅક્સ ભરવાનું કહ્યું હતું એમ જણાવતાં વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી મહિલાએ તેના CAને ટૅક્સના પૈસા ભરવા માટે અગાઉથી જ ચેક આપી રાખ્યો હતો. જોકે ૩૧ જુલાઈ સુધી ચેક પાસ થયો ન હોવાથી મહિલાને તાત્કાલિક ૧,૧૬,૫૧૦ રૂપિયાનો ટૅક્સ ઑનલાઇન ભરવાનું તેના CAએ કહ્યું હતું. એ માટે મહિલાએ ગૂગલ પર ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઑનલાઇન સર્ચ કરતાં એક નંબર મળ્યો હતો. એ નંબર પર ફોન કરતાં સામેની વ્યક્તિએ ફોન કાપ્યો હતો અને થોડી વારમાં એ જ નંબર પરથી મહિલાને વૉટ્સઍપ પર વિડિયો-કૉલ આવ્યો હતો. સામેની વ્ય​ક્તિએ પોતાની ઓળખ યુનિયન બૅન્કના અધિકારી હોવાની આપી હતી અને મહિલાને મોબાઇલની સ્ક્રીન શૅર કરવાનું કહ્યું હતું. સ્ક્રીન શૅર કર્યા બાદ સાઇબર-ગઠિયાએ મહિલાના મોબાઇલ ફોનનો અૅક્સેસ મેળવી ૩૦ મિનિટમાં ચાર ટ્રાન્ઝૅક્શન કરીને ૨,૬૨,૨૧૯ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યાર બાદ મહિલાએ તાત્કાલિક ૧૯૩૦ નંબર પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. હાલમાં અમે આ કેસમાં રિકવરી માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.’

vile parle income tax department Crime News mumbai crime news mumbai mumbai news mumbai police