18 June, 2022 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજેતા રીટાને પપ્પાની અધૂરી ઇચ્છા પૂરી કરવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવું છે
ઘાટકોપર-ઈસ્ટમાં ૨૨૫ સ્ક્વેર ફીટની રૂમમાં મમ્મી અને મોટી બહેન સાથે રહેતી અને પરીક્ષાના સમયે જ કૅન્સર પૅશન્ટ દાદીની સેવામાં મમ્મી અને બહેનની સાથે સમયનો ભોગ આપવા છતાં વિજેતા અરવિંદ રીટા ગઈ કાલે દસમા ધોરણમાં ૯૮ ટકા માર્ક્સ સાથે ઘાટકોપર-ઈસ્ટની પુણે વિદ્યાભવનની સેકન્ડ ટૉપર રહી છે. વિજેતા સ્કૂલમાં પાંચ વિષયમાં ટૉપર છે. વિજેતાનું તેના દસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલાં પિતા અરવિંદભાઈની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની રહી ગયેલી ઇચ્છાને પૂરું કરવાનું સપનું છે.
મારા પિતા દસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા પછી મારી માતા હર્ષાએ સિંગલ મધર હોવા છતાં સંઘર્ષકાળમાં પણ અમને બે બહેનોને ઉચ્ચ શિક્ષણ મળે એ માટે તેના પ્રયાસમાં કોઈ ખામી રાખી નહોતી એમ જણાવતાં વિજેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મી બારમા ધોરણ સુધી જ ભણી હોવા છતાં તેના સાથસહકાર અને માર્ગદર્શનથી નાનપણથી અમે બંને બહેનો સ્કૂલમાં ટૉપર રહી હતી. મને નવમા ધોરણમાં ૯૯ ટકા માર્ક્સ મળ્યા હતા. એટલે મારે એટલા માર્ક્સ તો દસમા ધોરણમાં લાવવા જ હતા. મને જીવનમાં ભણવા અને મારી કરીઅર બનાવવા સિવાય કોઈ જ શોખ નથી. હું એના માટે ખૂબ જ હાર્ડ વર્ક કરું છું. હું મારા અભ્યાસમાં ટૉપર રહું એ માટે મારી મમ્મી મને ઘરમાં કોઈ જ કામ કરવા દેતી નથી. ઊલટાનું મારી નાની-મોટી જરૂરિયાત પર તે ધ્યાન આપતી હતી. મારી મોટી બહેન તૃપ્તિને લાસ્ટ યર દસમા ધોરણમાં ૯૮.૬૦ ટકા માર્ક્સ આવ્યા હતા. તે સ્કૂલની ટૉપર હતી. તે મારા માટે પ્રેરણારૂપ બની ગઈ હતી. મારી બહેન સાયન્સમાં તેની કરીઅર બનાવવા ઇચ્છે છે. મારી સફળતામાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી ચાલી રહેલા અર્હમ યુવા સેવા ગ્રુપનું બહુ મોટું યોગદાન રહ્યું છે. મારા પપ્પા કૉમર્સ ગ્રૅજ્યુએટ હતા. સંજોગવશાત્ તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની શક્યા નહોતા. હું પણ કૉમર્સમાં જ આગળ કરીઅર બનાવવા ઇચ્છું છું.’
મારી પરીક્ષાના સમયે જ મારાં કૅન્સરનાં પેશન્ટ દાદી અમારા ઘરે રહેવા આવ્યાં હતાં. તેમની બહુ ઇચ્છા હતી કે હું દસમા ધોરણમાં ટૉપર રહું એમ જણાવીને વિજેતાએ કહ્યું હતું કે ‘નાનકડી રૂમ અને અચાનક દાદી અને કાકા અમારા ઘરે રહેવા આવ્યાં એનાથી પહેલાં તો હું સ્ટ્રેસમાં આવી ગઈ હતી. અચાનક અમે નાનકડી રૂમમાં ત્રણમાંથી પાંચ જણ થઈ ગયા હતા. જોકે અમારી ફરજ હતી કે તેમની સેવા કરવી. એટલે મારી મમ્મી અને બહેનની સાથે હું પણ દાદીનું ધ્યાન રાખતી હતી. દાદીનું એક મહિના પહેલાં જ ડેથ થયું. તેમની ખૂબ જ ઇચ્છા હતી કે હું દસમા ધોરણમાં ટૉપર રહ્યું. પરમ દિવસે જ તેમની એક મહિનાની પુણ્યતિથિ હતી અને ગઈ કાલે તેમની ઇચ્છા પ્રમાણે જ હું સ્કૂલમાં સેકન્ડ ટૉપર આવતાં જાણે મેં પપ્પા સાથે દાદીનું સપનું પૂરું કર્યું એવો મને અહેસાસ થાય છે. મને એનો આનંદ છે.’