05 February, 2024 08:10 AM IST | Mumbai | Prakash Bambhroliya
વિહંગ સંસ્કૃતિ મીરા-ભાઈંદર આર્ટ ફેસ્ટિવલ
પ્રતાપ સરનાઈક ફાઉન્ડેશન, યુવા પ્રતિષ્ઠાન અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમમાં ભાઈંદર-પૂર્વમાં આવેલા હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મેદાનમાં ૧થી ૪ ફેબ્રુઆરી દરમ્યાન ચાર દિવસના વિહંગ સંસ્કૃતિ મીરા-ભાઈંદર આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગઈ કાલે પૂરો થયો હતો. આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વૃક્ષોમાં ઇલેક્ટ્રિક બલ્બની સિરીઝ અને વીજળીના ફોકસથી રોશની કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણના તમામ કાયદા અને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વૃક્ષોમાં ઇલેક્ટ્રિક સિરીઝ, ખીલા ઠોકવાની કે બોર્ડ-બૅનર ન લગાવવાની અપીલ કરવામાં આવી છે અને બીજી તરફ સ્થાનિક વિધાનસભ્ય અને સુધરાઈના સંયુક્ત ઉપક્રમના કાર્યક્રમમાં વૃક્ષોને ગંભીર નુકસાન થાય એવી રીતે રોશની કરવામાં આવી હતી. વૃક્ષોનું જતન અને પર્યાવરણનું રક્ષણ કરવા જનતા અને નેતાઓ-અધિકારીઓ માટે કાયદા જુદા છે? એવો સવાલ પર્યાવરણપ્રેમીઓએ કર્યો છે. આ સંબંધે સુધરાઈના કમિશનર સહિત તમામ સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબ નથી આપવામાં આવ્યો.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કલ્પિતા પીંપળેએ આ વર્ષની પાંચમી જાન્યુઆરીએ જાહેર આહવાન કર્યું હતું કે ઝાડ પર ખીલા ઠોક્યા હોય અથવા ઇલેક્ટ્રિક સિરીઝ કે બૅનર-બોર્ડ કોઈએ મૂક્યાં હોય તો એ દૂર કરવા માટે સુધરાઈને સહયોગ કરવો. આ અપીલનું કાર્યક્રમના આયોજક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક, મીરા-ભાઈંદર સુધરાઈના કમિશનર સંજય કાટકર, મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર મધુકર પાંડે, થાણેના કલેક્ટર અશોક શિંગારે સહિતના લોકોની હાજરીમાં ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે, કારણ કે તેઓ આર્ટ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.
નેતા-અધિકારીઓ માટે જુદો કાયદો?
પર્યાવરણના રક્ષણ માટે કાર્યરત સંસ્થા ફૉર ફ્યુચર ઇન્ડિયાના સ્થાપક અધ્યક્ષ હર્ષદ ઢગેએ આર્ટ ફેસ્ટિવલમાં રોશની કરવા માટે ૩૦૦ વૃક્ષોમાં ઇલેક્ટ્રિક સિરીઝ અને ફોકસ મૂકીને પર્યાવરણનું નુકસાન કરવામાં આવ્યું છે એ સંબંધી ફરિયાદ કરી છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃક્ષોનું રક્ષણ કરવાની સાથે પર્યાવરણને બચાવવા માટેના તમામ નિયમોનો આ કાર્યક્રમ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. આથી મેં બીજી ફેબ્રુઆરીએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકર સહિત તમામ સંબંધિત અધિકારીઓને ઈ-મેઇલ કરીને ફરિયાદ નોંધાવી હતી. એમાં મેં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એમાં સુધારો કરવાની અને વૃક્ષોને વધુ નુકસાન ન થાય એ માટે તાત્કાલિક રોશની કાઢી નાખવાની અપીલ કરી હતી. જોકે કાર્યવાહી તો દૂર રહી, સુધરાઈએ મને જવાબ પણ નથી આપ્યો. આના પરથી લાગી રહ્યું છે કે વૃક્ષો અને પર્યાવરણની રક્ષાની જવાબદારી માત્ર જનતાની છે, નેતાઓ કે સંબંધિત અધિકારીઓ માટે જુદો કાયદો છે.’
ફરિયાદ મળી છે
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કલ્પિતા પીંપળેએ વૃક્ષોનું રક્ષણ કરવા માટે અપીલ કરી હતી. આર્ટ ફેસ્ટિવલમાં એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એ વિશે ફરિયાદ કરવામાં આવી છે. આ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કલ્પિતા પીંપળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ સંબંધી ફરિયાદ મળી છે. અમે હજી સુધી કોઈની સામે ફરિયાદ નથી નોંધી, પણ આ વિશે ગંભીરતાથી વિચારવામાં આવશે.’