વિદ્યાવિહાર રેલ ઓવરબ્રિજનું કામ ચાલુ વર્ષના મધ્યમાં પૂરું થશે

12 February, 2024 08:50 AM IST  |  Mumbai | Sameer Surve

અત્યારે બે ગર્ડરને બેસાડવાની કામગીરી ચાલી રહી છે જે ૧૫ દિવસ ચાલશે

તસવીર : સમીર માર્કંડે

બીએમસીએ વિદ્યાવિહાર રેલ ઓવરબ્રિજના બે ગર્ડરને નીચા કરવાની કામગીરી શરૂ કરી છે. દેશમાં આ સ્ટ્રક્ચર સૌથી લાંબું છે. આ કામગીરી એક પખવાડિયામાં પૂરી થશે અને ત્યાર બાદ બ્રિજના કૉન્ક્રી​ટિંગની કામગીરી બીએમસી હાથ ધરશે. સમગ્ર પ્રોજેક્ટ ૨૦૨૪ના મધ્ય સુધીમાં પૂરો કરાશે.

સુધરાઈના વડા આઇ. એસ. ચહલના બજેટ-પ્રવચન અનુસાર વિદ્યાવિહાર બ્રિજનું ૯૦ ટકા કાર્ય પૂરું થયું છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગર્ડર ૧૨૦ મીટર લાંબા છે. ગર્ડર અને કનેક્ટર વચ્ચેનું અંતર ૧.૭ મીટર છે. અમે ગયા સપ્તાહે કામગીરીની શરૂઆત કરી હતી. આ અંતર ઘટાડી ૧.૨ મીટર કરાશે. ત્યાર બાદ ૦.૫ મીટર ઊંચાં બેરિંગ્સને પિલર અને ગર્ડર વચ્ચે ગોઠવાશે. ગર્ડરને ફિક્સ કરવાની કામગીરીમાં સાત દિવસનો સમય જશે.’

ગર્ડરને નીચા કરવાની કામગીરી સંદર્ભે મેગા બ્લૉક માટે અમે સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ, એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમે આ પ્રોજેક્ટને ૨૦૨૪ના મધ્યમાં પૂરો કરવા માગીએ છીએ. ગર્ડરને નીચા કરીને ફિક્સ કર્યા બાદ બ્રિજની કૉન્ક્રીટની કામગીરી હાથ ધરવામાં આવશે.’
આ બ્રિજનું કામ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજની લંબાઈ ૬૧૩ મીટર છે અને આ પ્રોજેક્ટનો ખર્ચ ૧૭૮.૯૩ કરોડ રૂપિયા છે.

vidyavihar brihanmumbai municipal corporation mumbai mumbai news