04 January, 2025 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રાંત સંયોજિકા મનીષા ભોઈર, ઉપાધ્યક્ષ સુપ્રિયા સાવંત અને માતૃ શક્તિ દુર્ગા વાહિનીનાં સંયોજિકા સ્વાતિ ભોસલે.
ભારતના ઇતિહાસમાં ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં રાણી દુર્ગાવતીએ મુગલ સામ્રાજ્ય સામે ટક્કર લઈને ગોંડવાના સામ્રાજ્યની રક્ષા કરી હતી, તો ૩૦૦ વર્ષ પહેલાં અહિલ્યાબાઈ હોળકરે મુગલો દ્વારા તોડી પાડવામાં આવેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર અને અનેક નદીઓના ઘાટનું નિર્માણ કરવાની સાથે સમાજના જાણીતા લોકો, પંથ, સંપ્રદાયોની વચ્ચે સદ્ભાવના કાયમ રાખવા માટે સામાજિક કામ કર્યાં હતાં. આ બન્ને મહિલાઓની જન્મજયંતી નિમિત્તે આજે દાદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃ શક્તિ દુર્ગા વાહિની દ્વારા માનવંદના સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૩૦૦૦ જેટલી મહિલાઓ-યુવતીઓ ભાગ લેશે.
આ વિશે વિશ્વ હિન્દુ પરિષદનાં ઉપાધ્યક્ષ સુપ્રિયા સાવંતે ગઈ કાલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃ શક્તિ દુર્ગા વાહિની લાંબા સમયથી મહિલાઓને સંગઠિત કરીને તેમની વિવિધ સમસ્યાના સમાધાન માટે સક્રિય કામ કરી રહ્યાં છે. ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં રાણી દુર્ગાવતી અને ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં અહિલ્યાબાઈ હોળકરે હિન્દુ ધર્મ અને સમસ્ત સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યાં હતાં એટલે આટલા લાંબા સમય બાદ પણ આપણે તેમને યાદ કરીએ છીએ. આજે પણ મહિલાઓની અનેક સમસ્યા છે એનો ઉકેલ લાવવાના પ્રયાસના ભાગરૂપે આજે દાદરમાં બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન પથ સંચલન કરવામાં આવશે. એ પછી ૪.૩૦ વાગ્યે દાદર-ઈસ્ટમાં આવેલા રાજા શિવાજી વિદ્યાલયમાં પથ સંચલનના સમાપનનું સેશન થશે જેમાં કથાકાર સાધ્વી ઋતંભરા શ્રોતાઓને સંબોધશે.’
આજે વિજયવાડામાં પાંચ લાખ હિન્દુઓ ભેગા થશે
વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રાંત સંયોજિકા મનીષા ભોઈરે કહ્યું હતું કે ‘મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં હિન્દુ સમાજના પાંચ લાખ લોકો ભાગ લેશે. આ સભાથી રાષ્ટ્રીય સ્તરે મંદિરોને સરકારથી મુક્ત કરવા માટેનું જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવશે.’