લોન લેવા બળજબરી

20 February, 2023 08:23 AM IST  |  Mumbai | Mehul Jethva

ઇલેક્શનના વર્ષમાં સુધરાઈને મુંબઈના ફેરિયાઓ પર આવ્યો છે ‘વિશેષ પ્રેમ’. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાંથી લોન લેવા માટે અમારા પર દબાણ થઈ રહ્યું છે અને જો ઇનકાર કરીએ તો અમારી ખિલાફ કરવામાં આવે છે કાર્યવાહી : જોકે બીએસસીએ આ દાવો નકારી કાઢ્યો છે

માર્કેટ વિસ્તારમાં પોલીસ સાથે કાર્યવાહી કરવા આવેલા મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફરિયાદી અનસૂયા સિંગદાને તથા સાવિત્રી ભાલેરાવ (નીચે).


મુંબઈ ઃ ૧૯ જાન્યુઆરીએ મુંબઈ આવીને મેટ્રો 2A અને 7ના ઉદઘાટનની સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ એક લાખ ફેરિયાઓને લોન આપવાની યોજનાને નરેન્દ્ર મોદીએ ગ્રીન સિગ્નલ આપ્યા બાદ ફેરિયાઓએ તેમના પર આ લોન લેવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. મુલુંડના ફેરિયાઓનું કહેવું છે કે સુધરાઈના અધિકારીઓ જેઓ લોન નથી લેતા તેમના પર કાર્યવાહી કરીને તેમનો માલસામાન ઉપાડી જાય છે. જોકે સુધરાઈ તરફથી ફેરિયાઓના આ દાવાને ખોટો ગણાવીને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોર્ટની ગાઇડલાઇન મુજબ સ્ટેશનની આસપાસના ૧૫૦ મીટરના વિસ્તારમાં ધંધો કરી રહેલા ફેરિયાઓ સામે જ ઍક્શન લે છે. જોકે એ પણ એટલું જ સાચું છે કે છેલ્લા બે દિવસથી આ ફેરિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેશન પરિસરના ૧૫૦ મીટરના દાયરામાં એક પણ એન્ક્રોચમેન્ટ ન હોવું જોઈએ. આ આદેશનું પાલન કરતા હોવાનું કહીને મુલુંડ ઈસ્ટ અને વેસ્ટમાં માર્કેટ વિસ્તારમાં બેસતા ફેરિયાઓ પર મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ‘ટી’ વૉર્ડ દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં જોરદાર ઍક્શન લેવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેરિયાઓને કન્ટ્રોલમાં રાખવા માટે મુલુંડ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે બીએમસીની આ કાર્યવાહી બાબતે ફેરિયાઓએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી સ્વનિધિમાંથી ફેરિયાઓને લોન લેવા માટે પાલિકા તરફથી દબાણ લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનો ટાર્ગેટ પૂરો ન થયો હોવાથી અમારા પર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો તેમણે આરોપ મૂક્યો છે.

મુલુંડ-ઈસ્ટમાં આરઆરટી રોડ, સેવારામ લાલવાણી રોડ, ગણેશ ગાવડે રોડ, સ્ટેશન વિસ્તારની સાથે ઈસ્ટમાં સ્ટેશન વિસ્તાર અને માર્કેટ વિસ્તારમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ‘ટી’ વૉર્ડ દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં જોરદાર કાર્યવાહી કરવામાં આવી છે. ફેરિયાઓનો માલ જપ્ત કરીને લાખો રૂપિયાના ફાઇનની પાલિકાએ વસૂલાત પણ શરૂ કરી છે. માર્કેટ વિસ્તારમાં બેસતા ફેરિયાઓની યુનિટીને જોઈ પાલિકા અધિકારીઓ કાર્યવાહી સમયે હવે મુલુંડ પોલીસનો કાફલો પણ સાથે રાખે છે. આ કાર્યવાહી પાછળનું કારણ પાલિકાને પૂછવામાં આવતાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટનો ઑર્ડર હોવાનું કહીને કાર્યવાહી થતી હોવાનું કહ્યું હતું. જોકે આ ઑર્ડર તો પહેલાં પણ હતો તો હાલમાં કેમ આટલી જોરદાર કાર્યવાહી થઈ રહી છે એવું ફેરિયાઓને પૂછતાં તેમણે કહ્યું હતું કે અમે લોન ન લેતા હોવાથી આ કાર્યવાહી થઈ રહી છે.

મુલુંડ માર્કેટ વિસ્તારમાં વ્યવસાય કરતી અનસૂયા સિંગદાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાના અધિકારીઓ તરફથી અમને કેટલીયે વાર લોન લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એ પછી હું પોતે ત્રણથી ચાર વખત બૅન્કમાં લોન માટે ગઈ હતી. જોકે મારા ડૉક્યુમેન્ટ્સમાં લોચા હોવાથી મને લોન મળી નહોતી. પાલિકાની આ કાર્યવાહી પાછળનો હેતુ એ જ છે કે દરેક ફેરિયો જ્યાં સુધી લોન ન લે ત્યાં સુધી કાર્યવાહી કરવી.’

મુલુંડના માર્કેટ વિસ્તારમાં વ્યવસાય કરતા રાકેશ પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાના દબાણ પછી મેં લોન લીધી હતી. જોકે હવે પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે કે તમારા પરિવારના સભ્યોના નામે પણ લોન લો, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. હાલની કાર્યવાહી તેઓ સ્ટેશન વિસ્તારને ૧૫૦ મીટરની અંદર ફેરિયાઓથી ફ્રી કરવા માટે કરી રહ્યા છે. જોકે અમે તો ૧૫૦ મીટરથી દૂર બેસીએ છીએ તો પણ અમારા પર કેમ કાર્યવાહી?’
મુલુંડના માર્કેટ વિસ્તારમાં વ્યવસાય કરતી સાવિત્રી ભાલેરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકાએ અમારા પર પહેલાં લોન લેવા માટે દબાણ કર્યું હતું અને લોન ન લેતાં કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. એટલે અમે લોન લઈ લીધી. હવે તેઓ પરિવારના સભ્યો અથવા અમારી સાથે કામ કરતા બીજા લોકોના નામે લોન લેવા માટે કહી રહ્યા છે. કાર્યવાહી શા માટે થઈ રહી છે એ પાછળ તેઓ ૧૫૦ મીટર સ્ટેશન પરિસરનું બહાનું આપી રહ્યા છે, પણ અમને શંકા છે કે આ કાર્યવાહી લોન માટે જ કરવામાં આવી રહી છે.’
વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેરિયાઓને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની સ્કીમને લીલી ઝંડી બતાવી એની પાછળ મુંબઈ સુધરાઈનું ઇલેક્શન જીતવાનું રાજકારણ છે. આવું કરીને બીજેપી ઉત્તર ભારતીયોના મત અંકે કરવા માગે છે. 


યુનિયનના નેતાનું શું કહેવું છે?
મુલુંડ માર્કેટમાં ફેરિયાઓના યુનિયનના નેતા રોહિદાસ દેવાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં લોનનું બહાનું આપીને કાર્યવાહી કરવામાં આવતી હતી. જોકે હાલમાં તેઓ ૧૫૦ મીટરનો સ્ટેશન પરિસર ફેરિયાઓથી ફ્રી કરવાનું કહીને કાર્યવાહી કરી રહ્યા છે. અમે પણ તેમની સાથે સહમત છીએ કે સ્ટેશન પરિસર હૉકર્સ-ફ્રી હોવો જોઈએ, પણ જે હૉકર્સ ૧૫૦ મીટરથી દૂર બેસે છે તેમના પર કાર્યવાહી શા માટે કરવામાં આવે છે? બિચારા કેટલાક ફેરિયાઓ દિવસે કમાય છે અને રાતે ખાય છે. આ તમામ માહિતી વૉર્ડ ઑફિસરને આપવા માટે અમે મોરચો પણ કાઢ્યો હતો.’

વૉર્ડ ઑફિસરનું શું કહેવું છે?
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ‘ટી’ વિભાગના વૉર્ડ ઑફિસર ચક્રપાણી અલ્લેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના આદેશ પ્રમાણે અમે સ્ટેશન વિસ્તાર ફેરિયાઓથી ૧૫૦ મીટર ફ્રી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, જે તમામના ભલા માટે છે.’ 
ચક્રપાણી અલ્લેને જ્યારે લોન સંબંધી કાર્યવાહી થતી હોવાનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું ‘આ કોઈ કારણ જ નથી કાર્યવાહી પાછળ. લોન તો ફેરિયાઓને મદદ માટે આપવામાં આવી રહી છે, જે પ્રધાનમંત્રી સ્વનિધિમાંથી આપવામાં આવી રહી છે.’ 
તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે કેટલાક ફેરિયાઓને પરિવારના સભ્યોના નામે લોન લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે એનું શું? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા તરફથી જે લોનને પાત્ર છે તેમની શોધ કરીને લોન આપવામાં આવી રહી છે.

 

 

 

 

mumbai news brihanmumbai municipal corporation mulund narendra modi